Western Times News

Gujarati News

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ: માનવ જાતિનો કરવો છે વિકાસ તો હરિયાળી રાખો આસપાસ

પ્રતિકાત્મક

(માહિતી બ્યુરો,પાટણ)   5 મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. દર વર્ષે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે “આપણી જમીન” ના સૂત્ર હેઠળ જમીન પુનઃસંગ્રહ, રણીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા થીમ પર આપણી જમીન આપણું ભવિષ્ય સ્લોગન હેઠળ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિશ્વના ઘણા દેશો કરશે.

મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના ઊંડા સંબંધને આપણે નકારી શકતા નથી. માનવ કોઈને કોઈ રીતે પ્રકૃતિ સાથે સંકળાયેલો છે. જ્યાં પ્રકૃતિ છે ત્યાં જીવન છે અને જ્યારે આ પ્રકૃતિને નુકસાન થાય છે ત્યારે જીવનને પણ અસર થાય છે. તેથી જ પર્યાવરણને બચાવવું આપણા સૌની ફરજ છે. દિવસ પ્રતિ દિવસ જે રીતે ઋતુઓમાં ફેરફાર થઈ રહ્યો છે. કમોસમી વરસાદ હોય કે અસહ્ય ગરમી આ તમામ પર્યાવરણને થયેલ નુકસાનના કારણે થઈ રહ્યું છે.

આ વર્ષે આપણે સૌ જે અસહ્ય ગરમી સહન કરી રહ્યા છીએ તેનાથી આપણે સૌને હવે ધીરે ધીરે કુદરતી વાતાવરણની મહત્તાનો અહેસાસ થઈ રહ્યો છે. પ્રદુષણમાં અતિશય વધારો થવાથી પર્યાવરણને ખુબ નુકસાન થઈ રહ્યું છે.

પરિણામે ગ્લોબલ વોર્મિંગના કારણે તમામ ઋતુઓ જાણે એકસાથે જોવા મળી રહી છે. આજકાલ તો શાકભાજી થી માંડીને ફળો સુધી તમામ હાઈબ્રીડ થઈ ગયું છે. પહેલાના જમાનામાં ઋતુ મુજબ જ બધુ મળતું હતુ પરંતુ આજકાલ તો સરખી ઋતુનો અહેસાસ જ નથી થઈ રહ્યો. આ બધુ થવાનું કારણ છે પર્યાવરણને નુકસાન.

આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે. આ હેતુ માટે દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ઈતિહાસઃ વર્ષ 1972 માં સંયુક્ત રાષ્ટ્ર  દ્વારા  સ્ટોકહોમ કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયર્નમેન્ટ  અનુસંધાને વિશ્વ પર્યાવરણ દિવસની સ્થાપના કરવામાં આવી હતી. એક વર્ષ બાદ, 1973માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન સ્વીટઝરલેન્ડમાં “ઓન્લી વન અર્થ” વિષય સાથે કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે, જેમાં દર વર્ષે 143 થી વધારે દેશો ભાગ લે છે.

જીવન આપતી પૃથ્વીને વસવાટ યોગ્ય બનાવવા માટે, વનસ્પતિ જીવનના પરિબળોને બચાવવું તેમજ પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવું જરૂરી બની રહ્યું છે. આપણે સૌ સાથે મળીને પર્યાવરણને બચાવવા માટે સંકલ્પ લઈએ તેમજ અન્યોને પણ આ કાર્ય માટે પ્રેરણા આપીએ.

ચાલો આ ઘરતીને રહેવા યોગ્ય બનાવીએ , બધા મળીને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.