Western Times News

Gujarati News

ગુજરાતમાં ક્લીન સ્વીપનું ભાજપનું સપનું રોળાયું: 25 બેઠકો ઉપર BJPની જીત

અમદાવાદ, ગુજરાતની લોકસભાની કુલ ૨૬માંથી સુરતની બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. બાકીની ૨૫ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરી થતાં ભાજપ સતત ત્રીજીવખત તમામ બેઠકો જીતવામાં નિષ્ફળ રહ્યું છે. કુલ ૨૬માંથી ૨૫ બેઠકો ભાજપને મળી છે.

જ્યારે એકમાત્ર બનાસની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટાઈ આવ્યા છે. અમદાવાદની બંને બેઠકો ઉપર પ્રારંભથી જ ભાજપના ઉમેદવારો સરસાઈ ધરાવતાં હતાં. પાટણ અને બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસ ભાજપ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. જેમાં આખરે બનાસકાંઠાની બેઠક જીતવામાં કોંગ્રેસને સફળતા મળી હતી.

ઉગતા સૂર્યનો પ્રદેશ એટલે દાહોદ. જે આદિવાસી બહુલ વિસ્તાર ધરાવે છે. જ્યાં આદિવાસી મતદારો નિર્ણાયક સાબિત થતો હોય છે. આ વખેત આ બેઠક ભાજપના જશવંતસિંહ અને કોંગ્રેસના ડો પ્રભા તાવડિયા વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના જશવંતસિંહ ભાભોરની જબરજસ્ત જીત થઈ છે. જશવંતસિંહ ભાભોર દીર્ઘ રાજકીય કારકિર્દી ધરાવે છે. તેઓ લીમખેડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

છેલ્લી બે ટર્મથી દાહોદના સાંસદ છે. મોદી સરકારની પહેલા કાર્યકાળમાં આદિજાતિ રાજ્યમંત્રી હતા. જશવંતસિંહ ભાભોરના પિતા જનસંઘના પાયાના કાર્યકર હતા. પક્ષે ત્રીજી વખત લોકસભા લડવાની તક આપી હતી. ભરૂચ લોકસભા બેઠક ગુજરાતની બહુચર્ચિત બેઠક પૈકીની એક બેઠક રહી છે. અહીં બંન્ને વસાવા વચ્ચે રોમાચક રાજકીય જંગ જામી હતી. ભાજપે ૬ ટર્મથી ચૂંટાયેલા મનસુખ વસાવાને ૭મી વખત જીત માટે રાજકીય મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ આપના ચૈતર વસાવા સામે ચૂંટાઈ આવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખતા ફરી એકવાર વડોદરા લોકસભા બેઠક કબજે કરી લીધી છે. વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યાં છતાં પોતાની જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વડોદરા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને હરાવી દીધા છે.
લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

પોરબંદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાને મોટી જીત મળી છે. મનસુખ માંડવિયાને ૩૮૦૪૭૨ લીડ સાથે મોટી જીત મળી છે. પોરબંદર લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કામાં ૭ મેના રોજ મતદાન થયું હતું.

ગુજરાતની ગાંધીનગર બેઠક ૩૫ વર્ષથી ભાજપ પાસે છે. અમિત શાહ પહેલા આ સીટ આ વખતે લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મુકાબલો કોંગ્રેસની સોનલ પટેલ સાથે થયો હતો. અંતે અમિત શાહે ૭ લાખથી વધુ મતોથી મોટી જીત મેળવી છે.

અમદાવાદ પૂર્વ બેઠકમાં હસમુખ પટેલ બહુમતી સાથે જીત્યા છે. તેમણે કોંગ્રેસના હિમંતસિંહ પટેલને ૪૫૮૯૪૯ મતોથી માત આપી છે. ગુજરાતે ભાજપનો ગઢ જાળવ્યો છે. ભાજપ લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતની ૨૬ બેઠકોમાંથી ૨૫માં બહુમતી સાથે જીત હાંસલ કરવામાં સફળ રહ્યો છે. જેમાં સુરતમાં તો ચૂંટણી લડ્યા વિના જ જીત મેળવી લીધી હતી. અમદાવાદ પૂર્વની આ બેઠક પરથી ભાજપ છેલ્લા ૩૫ વર્ષથી જીતતો રહ્યો છે.

કોંગ્રેસનો ગુજરાતની લોકસભામાં આખરે સંઘર્ષ ઓછો થયો છે. બનાસની બેન ગેનીબેન ઠાકોરે જંગી જીત સાથે કોંગ્રેસને સંન્યાસમાંથી મુક્તિ અપાવી છે. બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. આ સાથે જ ગુજરાતમાં ક્લીન સ્વીપનું ભાજપનું સપનું રોળાયું છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એકમાત્ર બેઠક પર જીત મળી છે, અને આ જીત ગેનીબેન ઠાકોરે અપાવી છે.

ગુજરાત લોકસભા કચ્છની બેઠક પર ફરી કમળ ખીલ્યું છે. આ વખતે ભાજપે વિનોદ ચાવડાને ત્રીજી વખત રિપીટ કર્યા હતા. છેલ્લા ૧૦ વર્ષોની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સતત ૨ ટર્મથી જીતતા આવ્યા છે. અને આ વખતેપણ તેમણે કચ્છની લોકસભા બેઠક પર શાનદાર જીત મેળવી છે.

પાટણ લોકસભા બેઠક પર ભાજપ ભરતસિંહ ડાભીની જીત થઈ છે. પ્રથમ ૧૫ રાઉન્ડ સુધી કોંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ રહ્યા હતા. ૧૫ રાઉન્ડ બાદ એકાએક બાજી પલટાઈ હતી અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ બાજી મારી હતી. મત ગણતરીના અંતિમ ચરણમાં ભરતસિંહ ડાભી ૩૦ હજાર થી વધુ મતોથી આગળ દોડી ગયા હતા. જેના કારણે નિરુત્સાહ કાર્યકરોમાં ફરી પ્રાણ ફૂંકાયા હતા

અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. ભરતસિંહ ડાભી પરિવાર જનોએ આનંદ વ્યક્ત કર્યો અને જનતાનો આભાર માન્યો હતો. જુનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની સતત ત્રીજી વખત જીત હાસીલ થઈ હતી. રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ જિલ્લાના વિકાસના કામ કરવા એ જ તેનું ડ્રીમ હોવાની વાત જણાવી હતી.

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે આજે વહેલી સવારથી મતગણતરી શરૂ થઈ હતી. રાજેશ ચુડાસમાએ પોતાની જીત બાદ મતદાતાઓનો આભાર માન્યો હતો અને જિલ્લાના વિકાસના નિરંતર કામો કરવા એ તેનું સપનું હોવાની વાત જણાવી હતી. રાજેશ ચુડાસમા સતત ત્રીજી વખત જૂનાગઢ લોકસભા બેઠક ઉપરથી ચૂંટાયા છે. અમરેલી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાની ભવ્ય જીત થતાં ભાજપના નેતાઓએ હાશકારો અનુભવ્યો છે.

ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે આણંદ લોકસભા બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. બન્ને ઉમેદવારો એકબીજાને કડક ટક્કર આપી રહ્યા હતા. ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર વચ્ચે ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ-૩૫૨૭૨૭ મત અને કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા-૨૯૮૮૬૭ મત મળ્યા છે.

નવસારી લોકસભા બેઠક ૨૦૦૮માં સીમાંકન બાદ અÂસ્તત્વમાં આવી હતી. છેલ્લી ત્રણ ચૂંટણીથી આ બેઠક પર માત્ર કમળ જ ખીલ્યું હતું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નવસારીમાંથી મોટી જીત મેળવી હતી. દેશભરમાં સૌથી વધુ મતોથી જીતનાર તે સાંસદ બન્યા. ભાજપે અહીંથી ચોથી વખત સીઆર પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. તેવામાં નવસારીમાં લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલ ભવ્ય જીત મેળવી છે.

નવસારી બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર.પાટીલની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી નૈષધ દેસાઈને મેદાનમાં ઉતર્યા હતા. જેની સામે પાટીલે ૭૬ હજારથી વધુ વોટના માર્જિનથી ભવ્ય જીત મેળવી છે. ગુજરાતની નવસારી લોકસભા બેઠક ભાજપનો ખૂબ જ મજબૂત ગઢ છે. ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાની વોટબેંકમાં સતત વધારો કર્યો છે.

૨૦૧૯ની ચૂંટણીમાં, નવસારી ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ સીઆર પાટીલ ૬,૮૯,૬૮૮ મતોની સરસાઈથી જીત્યા હતા. ખેડા લોકસભા સીટનું પરિણામ સામે આવી ગયું છે. અહીંથી ભાજપના દેવુસિંહ ચૌહાણની ભવ્ય જીત થઇ છે. કોંગ્રેસના કાલુસિંહ ડાભીનો પરાજય થયો છે.

ગુજરાતની જામનગર બેઠક પર પૂનમ માડમે જીતની હેટ્રિક લગાવી છે તમને જણાવી દઈએ કે પૂનમ માડમને ૬,૧૭,૮૦૪ મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવીયાને ૩,૮૦,૮૫૪ મતો મળ્યા છે. આ સાથે પૂનમ માડમને ૨,૩૬, ૯૯૦ મતોની લીડ મળી છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ગુજરાતની સૌથી વધુ હોટ સ્પોટ અને ચર્ચાસ્પદ બેઠક રાજકોટથી આખરે ભાજપના પરશોત્તમ રૂપાલાની ૪ લાખથી વધુ મતોથી જીત થઈ છે. ગુજરાતની ૨૬ બેઠકો પૈકી રાજકોટ બેઠક આ વખતે સૌથી વધુ વિવાદમાં અને ચર્ચામાં રહી હતી.

પરશોત્તમ રૂપાલાના એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયો વિશે કરેલા એક નિવેદન બાદ વિવાદ છેડાયો અને ક્ષત્રિયો નારાજ થઈ ગયા હતા. જે બાદ સમગ્ર રાજ્યમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. રાજ્યભરમાં રૂપાલા સામે વિરોધ શરૂ થયો હતો અને ભાજપ સામે રાજકોટથી ઉમેદવાર બદલવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.