Western Times News

Gujarati News

કોલેજના અભ્યાસ દરમ્યાન મિત્ર બનેલા યુવકે જ ધંધામાં રોકાણના નામે 5.75 કરોડનું ચિટીંગ કર્યુ

પ્રતિકાત્મક

એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી ડૉક્ટરે મિત્રને પ.૭પ કરોડનો ચૂનો ચોપડ્યો

(એજન્સી) અમદાવાદ, એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરીને સારું વળતર આપવાની લાલચ આપીને ડૉક્ટરે તેના જ મિત્રને પ.૭પ કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારમાં આવેલા વિક્રમ પાર્કમાં રહેતા જીગર શહેરાવાળાએ ક્રાઈમ બ્રાન્ચના ઈકોનોમિક સેલમાં હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરૂદ્ધ કરોડો રૂપિયાના છેતરપિંડીની ફરિયાદ કરી છે.

જિગર હાલ શારદાબહેન હોસ્પિટલમાં બાયો કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. આ પહેલાં તે વી.એસ.હોસ્પિટલ અને એન.એચ.એલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં નોકરી કરતો હતો. વર્ષ ર૦૦૩થી ર૦૦૯ સુધી જીગર સુરતની સ્મિમેર મેડિકલ કોલેજ ખાતે અભ્યાસ કરતો હતો ત્યારે હાર્દિક પટવા નામનો યુવક તેના સંપર્કમાં આવ્યો હતો. હાર્દિક પણ સ્મિમેર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને જીગરનો સિનિયર હતો.

બન્ને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી અને તે દરમિયાન હાર્દિક સ્મિમેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં ટ્યુટર તરીકે નોકરી કરવા લાગ્યો હતો. હાર્દિક અને જીગર એકબીજાના સંપર્કમાં હતા. જીગર અમદાવાદ આવી ગયો હતો અને બાદમાં અલગ અલગ હોસ્પિટલમાં નોકરી કરવા લાગ્યો હતો. વર્ષ ર૦૧૯માં જીગર શારદાબહેન હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યારે હાર્દિક તેને મળવા માટે આવ્યો હતો.

હાર્દિેક જીગરને જણાવ્યું હતું કે, તે સુરત મ્યુનિ. કોર્પોરેશનની હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે નોકરી કરતો હોવાથી એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી શકતો નથી જેથી તેણે તેના મિત્ર હેમંત પરમારના નામે સન સાઈ એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી છે. મારી કંપનીમાં હેમંત ભાગીદાર છે અને વિવિધ હોસ્પિટલ તેમજ કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખીને એમ્બ્યુલન્સ સેવા પૂરી કરીએ છીએ.

આ ધંધામાં સારું વળતર મળે છે અને હેમંત ખાલી નામનો માલિક છે. હાર્દિકે જીગરને આ ધંધામાં રોકાણ કરવાની ઓફર આપી હતી પરંતુ તેણે ઈન્કાર કરી દીધો હતો. બાદમાં હાર્દિક અનેક વખત જીગરને મળતો હતો અને કહેતો હતો અમારી પાસે રૂપિયાની સગવડ ન હોવાથી એમ્બ્યુલન્સ ખરીદી શકતા નથી અને ઘણી બધી હોસ્પિટલના કામ કરી શકતા નથી.

અમારી કંપનીને સ્ટેન પ્લસ અને જે.એસ.ડબ્લ્યુ સાથે કરાર થયા છે. જેથી નવી એમ્બ્યુલન્સ ખરીદવા માટે રોકાણની જરૂર છે. એમ્બ્યુલન્સમાં પેરામેડિકલ ડૉક્ટર તથા ડ્રાઈવરની વ્યવસ્થા હોસ્પિટલ કરશે તેવું પણ હાર્દિકે જીગરને સમજાવ્યું હતું. હાર્દિકે જીગરને આ ધંધામાં કેટલો પ્રોફિટ મળશે તેમ પણ વિગતવાર સમજાવ્યું હતું. હાર્દિકે તેમના કહેવાતા ભાગીદાર હેમંત સાથે પણ મુલાકાત કરાવી હતી.

જીગરને હાર્દિકની વાત પર વિશ્વાસ આવી જતાં તેણે રોકાણ કરવાની તૈયારી બતાવી હતી અને ૧૬.૯ર લાખ અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. હાર્દિકે જીગરને ટુકડે ટુકડે વળતર આપવાનું શરૂ કરતાં તેણે વધુ વિશ્વાસ બેઠો હતો. હાર્દિકને આ ધંધામાં વધુ રોકાણની જરૂર પડતાં જીગરે વધુ ૧૩ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ બાદ હાર્દિેક યશ એમ્બ્યુલન્સ સર્વિસના નામે કંપની ચાલુ કરી હતી જેનો માલિક મયૂર ગોસ્વામી હતો.

આ કંપનીમાં પણ ઈન્વેસ્ટ કરવા માટે હાર્દિકે જીગરને કહ્યું હતું. જીગરને વળતર મળતું હોવાથી તેણે ૧.૭પ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેનું વળતર હાર્દિક દર મહિને ચૂકવી દેતો હતો. હાર્દિકને વધુ રોકાણની જરૂર પડતાં જીગરે તેના મિત્ર વર્તુળમાંથી પણ રૂપિયા ઉઘરાવીને આપ્યા હતા. જીગરે કુલ પ.૭પ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું જેમાં તેને વળતર પેટે ૩૩.પપ લાખ રૂપિયા આપ્યા હતા. જીગરે પોતાના તમામ રૂપિયા પરત માંગતા હાર્દિકે તેની સાથે છેતરપિંડી આચરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.