Western Times News

Gujarati News

ગુજરાત હાઉસિંગ બોર્ડે દુર્ઘટના ટાળવા જર્જરિત મકાનોમાં વસવાટ બંધ રાખવા નોટિસ આપી

પ્રતિકાત્મક

મધ્ય ઝોનના ભયજનક સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરવાની ચેતવણી

(એજન્સી) અમદાવાદ, રાજ્યમાં હવે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. સ્થાનિક હવામાન વિભાગે ૧પ જૂનથી ગુજરાતમાં ચોમાસું આવી શકે છે તેવી આગાહી પણ કરી છે જેના પગલે મ્યુનિ. કોર્પોરેશન પણ સાવધ થઈ ગયું છે. ખાસ કરીને ભયજનક મકાનોના મામલે તંત્રએ તેમાં રહેતા લોકોને આવા મકાનો તાત્કાલિક ખાલી કરવાની સ્પષ્ટ ભાષામાં ચેતવણી આપી છે. મધ્ય ઝોનમાં આવેલા વિવિધ મ્યુનિ. સ્ટાફ ક્વાટ્‌ર્સને જાહેર નોટિસ દ્વારા સત્તાવાળાઓએ સાત દિવસમાં ખાલી કરી દેવા તાકીદ કરી છે.

પ્રિ-મોન્સૂન એકશન પ્લાન હેઠળ મ્યુનિ. સત્તાધીશોએ વિવિધ પ્રકારના ઉપાયો કર્યા છે જેના પગલે શહેરમાં વરસાદની ઋતુ દરમિયાન ઓછામાં ઓછા સ્થળો જળબંબાકાર થાય અને જે સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થાય તે સ્થળોએથી ઝડપભેર તેનો નિકાલ થઈ શકે. જો કે, હવે અગાઉની જેમ ત્રણ-ચાર દિવસ સુધી વરસાદી પાણી જમા થઈને જે તે નીચાણવાળા વિસ્તારમાં હાહાકાર મચાવતા નથી. તે માટે ચોક્કસ મ્યુનિ. કોર્પો.ને બિરદાવવું રહ્યું.

હવે જ્યારે ચોમાસાનું આગમન નજર સમક્ષ દેખાઈ રહ્યું છે તેવા સમયે તંત્રએ ભયજનક મકાનોના મામલે પણ અગમચેતીના પગલાં ભર્યા છે. અગાઉ પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર દ્વારા જાહેર ચેતવણી પ્રસિદ્ધ કરીને વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, ભાઈપુરા, હાટકેશ્વર, ઓઢવ, નિકોલ, ગોમતીપુર, અમરાઈવાડી, વિરાટનગર વોર્ડમાં આવેલા તમામ પ્રકારના ભયજનક મકાનોના મામલે જાહેર ચેતવણી અપાઈ હતી.

આ ચેતવણી મુજબ મકાનનો ભયજનક કે જર્જરિત ભાગ તાકીદે ઉતારી લઈ તેના બાકીના ભાગને સલામત કરવાનો રહેશે અન્યથા મકાન કે તેનો ભયજનક ભાગ પડી જવાથી તે મિલકત કે આસપાસની કોઈ પણ મિલકત-જાનમાલને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આવા મકાનોના માલિક-કબજેદારો કે સંબંધિત હિત ધરાવતી તમામ વ્યક્તિઓની રહેશે.

હવે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર દ્વારા આવા જ પ્રકારની જાહેર નોટિસ દ્વારા ભયજનક મકાનોમાં રહેતા નાગરિકોને તેવા મકાન સાત દિવસની અંદર ખાલી કરી દેવા માટેની ગંભીરતાપૂર્વક સખ્તપણે તાકીદ કરાઈ છે. આ જાહેર નોટિસ મુજબ અસારવાના હોળી ચકલા વિસ્તારના એફએસએલ રોડ પર આવેલા એમએલએ મ્યુનિ. સ્લમ ક્વાટ્‌ર્સ, જમાલપુર વોર્ડના એપીએમસી માર્કેટ પાછીના

જે.પી.સ્ટાફ ક્વાર્ટર્સ, શાહીબાગના ગિરધરનગર વિસ્તારની પ્રિતમપુરા શાળા નં.૧ અને ર પાછળના ગિરધરનગર હેલ્થ ક્વાર્ટર્સ, શાહપુરના મહેંદીકૂવા પાસેના મ્યુનિ. સ્લમ ક્વાર્ટર્સ અને શાંતિપુરા સ્મશાન રોડ પરના શાહપુર મ્યુનિ. હેલ્થ ક્વાર્ટર્સ તેમજ ખાડિયા વોર્ડના કાંકરિયા રોડ પરના રાયપુર દરવાજાના વોરાના રોજા પાસેના કાંટોડિયાવાસમાં આવેલા મ્યુનિ. સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા લોકોને તંત્રએ તેમના મકાન ભયજનક હોઈ તાકીદે સાત દિવસમાં ખાલી કરવાની ચેતવણી આપી છે.

મધ્ય ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા જીપીએમસી એકટ-૧૯૪૯ની કલમ-ર૬૪ મુજબની નોટિસો તથા તે અંગેના સ્મૃતિપત્ર આ મિલકતોના ફાળવણીદારો તેમજ લાગતાવળગતાને વખતોવખત અખબારમાં જાહેર નોટિસ થકી તેમજ સ્થળે પ્રસિદ્ધ કરીને અવારનવાર તાકીદ કરવામાં આવી છે તેમ છતાં આજદિન સુધીનો સમય વ્યતિત થવા હોવા છતાં પણ આ નોટિસો, સ્મૃતિપત્ર વગેરેનું લેશમાત્ર અમલીકરણ કરવામાં આવ્યું નથી.

હાલની સ્થિતિએ આ તમામ મિલકતોના તમામ બાંધકામો માનવ વસવાટ માટે અત્યંત જોખમી તથા ભયજનક બન્યા છે અને કોઈપણ સમયે અકસ્માત કે દુર્ઘટના થવાનો અને સાથે સાથે આસપાસની મિલકતોને પણ નુકસાન થવાની સંભાવના જણાય છે તેવો ઉલ્લેખ પણ આ જાહેર નોટિસમાં કરાયો છે.

તંત્રએ જો આજથી સાત દિવસની અંદર આવા મકાનોને ખાલી નહીં કરવામાં આવે અને તે કારણથી જો કોઈ જાનહાનિ કે નુકસાન થશે તો તે અંગેની સઘળી જવાબદારી ફાળવણીદારો કે ભોગવટો કરનારની રહેશે તેમ પણ સ્પષ્ટ ભાષામાં જણાવ્યું છે. દરમિયાન ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પણ જર્જરિત મકાનોના સંદર્ભમાં આજે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ છે.

જેમાં જર્જરિત અને ભયજનક મકાનોમાં જો વસવાટ બંધ કરવામાં નહીં આવે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો તે અંગે જે તે કબજેદારની અંગત જવાબદારી રહેશે અને તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ કે સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં તેવી પણ ચેતવણી અપાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.