Western Times News

Gujarati News

‘બની ન જાઓ દવલા… તુલના કરતા કરતા’

પ્રતિકાત્મક

તુલના કરવીએ માનસ સહજ સ્વભાવ બની ગયો છે. કોઇ પણ સંજોગોમાં કોઇની પણ અથવા કોઇ પણ ચીજની તુલના કરીને માનવી ગણતરી કરતો રહેતો હોય છે. અલબત્ત કોઇ પણ સંજોગોમાં બધાની તુલના કરવી તે વાજબી નથી.

તુલના કરવી તે ખોટું તો નથી પરંતુ યોગ્ય વસ્તુની યોગ્ય સમયે સરખામણી કરવામાં પરિણામ સારું આવે છે નહિતર કોઇ વખત પસ્તાવાનો વારો આવે છે તથા સંબંધોમાં કડવાશ આવી જાય છે કે ફાટફૂટ પડી જતાં વાર લાગતી નથી.

અમુક વખતે ગેરવાજબી સરખામણી કરી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરાતા ઈર્ષ્યાનો જન્મ થઈ શકે છે. એક વખત અદેખાઈ થતા એકબીજા માટેની લાગણીનો પ્રવાહ અટકી જાય છે.

સરખામણી કરાતા પરિણામ ફાયદાકારક હોઈ શકે અથવા ગેરફાયદાકારક પણ નીવડી શકે છે. અમુક સંજોગોમાં સરખામણી કરતા પરિણામ સારું આવી શકે છે અને હરિફાઈ થતાં પરિણામ ઉચ્ચ કક્ષાએ આવી શકે છે તથા ગુણવત્તામાં પણ વધારો થઇ શકે છે. કોઇ પણ ઉત્પાદન, ઉદ્યોગ, ધંધા, ભણતર, રમત- ગમત, કળા, ઇત્તર પ્રવૃતિમાં અથવા કોઇ પણ ક્ષેત્રમાં સરખામણી કરાતા પરિણામ ચડિયાતું આવી શકે છે.

પરંતુ ઘરમાં બાળકોમાં, દેરાણી જેઠાણી, ભાઇ ભાઈમાં તથા વિદ્યાર્થીઓમાં સરખામણી કરાતા અંદર અંદર ઈર્ષ્યા કે અદેખાઇનો જન્મ થતા કુસંપ રૂપી અસાધ્ય રોગ થતા વાર લાગતી નથી તથા જિંદગીભરનો સંબંધ ફૂલની મહેક પ્રસરવાને બદલે કાંટા રૂપે હૈયામાં વાગતા હોય છે. દુનિયામાં બધી વસ્તુ સરખી હોતી નથી પરંતુ સરખાપણું કરવા અથવા બીજાથી ચડિયાતા થવા લોકો પ્રયત્ન કરે છે.

ગ્રાહકો પોતાનો માલ ખરીદવા તૈયાર થાય તે માટે આજના જમાનામાં મોટે ભાગે લોકો અખબાર, સામાયિક, ચિત્રપટ, ટી. વી., પોષ્ટર, હોર્ડગ્સ, ઈન્ટરનેટ દ્વારા જાહેર ખબરો આપીને પોતાની ચીજને બીજાની ચીજ જોડે સરખામણી બતાવીને પોતાની ચીજ કેટલી ઉત્તમ છે

તથા પોતાનો માલ કેટલો ઊંચા સ્તરનો છે તે વાકેફ કરવામાં સરખામણી, ઘણો મોટો ભાગ ભજવે છે. લોકો પણ સારી વસ્તુ તથા વાજબી ભાવે વસ્તુ જોઇતી હોવાથી જુદી જુદી ચીજોની સરખામણી કરીને પોતાને સારી લાગતી વસ્તુઓ ખરીદ કરતાં હોય છે.

અમુક અમુક પરિવારમાં મા-બાપ પોતે જ પોતાના દીકરામાં તથા દિકરીઓમાં સરખામણી કરતાં હોય છે તથા ભેદભાવ રાખતાં હોય છે તે બહું જ ખોટું છે. અમુક પરિવારમાં મા-બાપ પોતાના હોશિયાર કે દેખાવડા દીકરા તથા દીકરીને વધારે લાડ પ્રેમ કરતાં હોય છે.

પરંતુ મા-બાપની ફરજ છે કે પોતાના બધા સંતાનોને સરખો પ્રેમ આપવો જોઈએ. કોઇને વધારે લાડ કરતા હય તો બીજાને અદેખાઈ થતાં પરિવારમાં સંપને બદલે કુસંપ પેદા થાય છે જેથી પરિવારમાં પ્રેમને બદલે તિરસ્કાર રૂપી અગ્નિ જ્વાલા પ્રગટે છે.

કોઇક બાળક ભણવામાં કે રમત-ગમતમાં નબળું હોય કે રસ લેતું ન હોય તો તેની સરખામણી બીજા હોશાયાર બાળક કે વિદ્યાર્થી જોડે કરવા કરતાં એ બાળકને સારી રીતે સમજાવવાથી એ બાળક આગળ આવવા પ્રયત્ન કરશે પરંતુ જો તેને વારંવાર ઠપકો આપવામાં આવશે તો તે હોશિયાર થવાને બદલે ઠોઠ જ રહેશે અને બીજાની અદેખાઇ કરતો રહેશે.

‘કહે શ્રેણુ આજ’
‘તુલના કરતા કરતા, કોઇના ન બની જાઓ અળખામણા,’
‘સમજાવીને કરો સરખામણી, જેથી બની જાઓ લોકોના માનીતા’
‘સરખામણી કરીને જીવન ઉજાળો, નહિતર રહી જાશો પાછા બીજાથી,’
‘સરખામણી કરીને ગુણવત્તા સુધારો, નહિતર રહી જાશો પાછા લોકોથી.’

પહેલાનાં જમાનામાં હરીફાઈ તથા સરખામણી એટલી હદે થતી ન હતી. જેમ ચાલતું હતું તેમ ગાડરીયા પ્રવાહની માફક ચાલતું રહેતું પરંતુ જમાનો બદલાતા નવી નવી વિવિધ શોધો થતાં એક ચીજની સામે બીજી ઘણી ચીજો હરીફાઇમાં આવતી ગઇ

અને પોતાનો માલ વેચવા વિવિધ રીતો અપનાવતા ગયા જેમાં સરખામણી કરીને પોતાનો માલ ખરીદવા આકર્ષવા પ્રલોભનો બતાવતા લાગ્યા જેમ કે વળતર અથવા એટલી જ કિંમતમાં વધારે માલ આપવાની તૈયારી બતાવતાં હોય છે તથા વિવિધ સ્કીમો પણ મૂકીને આકર્ષવા પ્રયત્ન કરતાં હોય છે. આજના યુગમાં પ્રચાર માધ્યમ વર્ગો વધતાં આંતરિક હરીફાઇ કરવામાં સરખામણીમાં વધારો થતો ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.