Western Times News

Gujarati News

બોપલના કરોડોની કિંમત ધરાવતાં બંગલામાં સટ્ટો રમતાં 18 ઝડપાયા

પ્રતિકાત્મક

ડબ્બા ટ્રેડિંગ કરતા ૧૮ લોકો ઝડપાયા -બોપલના કરોડોની કિંમત ધરાવતાં બંગલામાં સટ્ટો રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ક્રિકેટ મેચનો સટ્ટો હોય કે શેરબજારનો સટ્ટો હોય બે નંબરમાં ચાલતા આ પ્રકારના સટ્ટાનું માર્કેટ ખૂબ આગળ વધી રહ્યું છે. અમદાવાદના બોપલમાં એક મકાનમાં ગેરકાયદેસર રીતે બેંક એકાઉન્ટ વિનાના ગ્રાહકોના શેર બજારના સોદાઓ લઈ તેના ભાવ કાચા કાગળ પર રાખીને સટ્ટો રમાડતાં ૧૮ લોકોને બોપલ પોલીસે રેડ કરીને પકડી પાડતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોલીસે ડબ્બા ટ્રેડિંગના કાગળો, ઈલેકટ્રીક સાધનો અને વાહનો સહિત કુલ ૫.૧૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તે ઉપરાંત ૧૮ લોકોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ચાલી રહેલા સટ્ટાબજાર પર પોલીસની બાજ નજર જોવા મળી છે. આઈપીએલ ક્રિકેટ હોય કે ચૂંટણીનો સટ્ટો હોય પોલીસે બે નંબરમાં ખેલાઈ રહેલા સટ્ટાખોરો પર સકંજો કસ્યો છે. શહેરના બોપલ વિસ્તારમાં સ્થિત નિલકંઠ વિલા બંગ્લોઝના એક મકાનમાં ૧૮ લોકો કોઈ પણ લાયસન્સ વિના જ બે નંબરમાં મોબાઈલ ફોનથી શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી.

પોલીસે બાતમીને આધારે બંગ્લામાં રેડ કરતાં ૧૮ શખ્સો મોબાઈલ ફોનથી સટ્ટો રમાડી રહ્યાં હતાં. પોલીસની રેડ પડતાં જ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

કોઇજ પ્રકારનુ શેર ટ્રેડીંગનુ લાયસન્સ નહી ધરાવતા હોવા છતા બેંક એકાઉન્ટ વગર ગ્રાહકો સાથે પોતે મોબાઇલ ફોનથી શેર બજારના સોદાઓ લઇ શેર બજારના ભાવ કાચા કાગળ ઉપર લખી પોતાની પાસે રાખી ગ્રાહકો સાથે શેરની લે-વેચ કરી ટેકસની રકમ સરકારને નહિ ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગેરકાયદેસર શેરબજારના ડબ્બા ટ્રેડીંગના સોદાના કાગળો તથા ઇલેકટ્રોનીક સાધનો, રોકડ રકમ, ટુ વ્હીલર વાહનો વિગેરે

મળી કુલ ૫,૧૩,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તમામ વિરૂધ્ધ કલમ ૪૨૦,૧૪ તથા ધી સીકયુરીટી કોન્ટ્રેકટ રેગ્યુગ્લેશન એકટની કલમ ૧૩,૧૪ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે આઝાદ વિહાજી ઠાકોર, વિશાલજી વિક્રમજી ઠાકોર, જયેશ વનાજી ઠાકોર, મૌલિકકુમાર પ્રહલાદજી ઠાકોર, વિજયસિંહ ગેમરજી ઝાલા, આશિષકુમાર ઈશ્વરજી ઠાકોર, તિર્થ સંજયભાઈ શેઠ સહિતના આરોપીઓને ઝડપી લીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.