Western Times News

Gujarati News

સુરત સહિત ઓલપાડમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન

વાદળોની હાજરીને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી-આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનની શક્યતા

(પ્રતિનિધિ) સુરત, સુરત શહેર – જિલ્લામાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે મોડી રાત્રે શહેરનાં અલગ – અલગ વિસ્તારમાં છુટ્ટાછવાયા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.

આજે સવારથી જ વાદળોની હાજરીને પગલે તાપમાનનો પારો પણ ગગડ્તાં શહેરીજનોએ રાહત અનુભવી છે. બીજી તરફ આગામી એક સપ્તાહમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના આગમન વચ્ચે આજે સવારે ઓલપાડમાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

છેલ્લા એક પખવાડિયાથી કાળઝાળ ગરમી અને ભારે બફારાને કારણે જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. અલબત્ત, હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદના સત્તાવાર આગામનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

જો કે, ગઈકાલે સવારથી જ અસહ્ય ઉકળાટ અને ભારે ગરમી વચ્ચે મોડી રાત્રે અલગ – અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી હતી. બીજી તરફ વિજળી ડુલ થતાં વધુ એક વખત ડીજીવીસીએલના માથે લોકોએ માછલાં ધોવાનું શરૂ કર્યું હતું. સુરત શહેરની સાથે – સાથે જિલ્લાના ઓલપાડમાં પણ ગત રોજ મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે.

ઓલપાડના અલગ – અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થતાં કીમ, કુડસડ, કઠોદરા અને મુળ સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો છે. વરસાદના આગમનની સાથે જ તાપમાનનો પારો પણ ગગડતાં શહેરીજનોએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.