Western Times News

Gujarati News

ચિંતન વૈશ્નવ જેવા કડક અને સંનિષ્ઠ અધિકારીનો ઉપયોગ સરકાર ક્યારે કરશે?

ગુજરાત સરકારમાં એક માથા ફરેલ ડેપ્યુટી કલેકટર છે જે નિયમોનુંસાર અને પ્રમાણિકતાથી કામ કરે છે એવું કહેવાય છે. જે સરકારને જરાય પોષાતું નથી. તેથી વૈશ્નવને સતત ફરતા રાખે છે અથવા તો બદલી કરી waiting for posting (નિમણૂંકની રાહ)માં રાખી નવરા બેસાડી રાખે છે. આમાં વાંક પણ વૈશ્નવ તો ખરો જ. તેમનાં વાંક જુઓ When will the government use a strict and conscientious officer like Chintan Vaishnav?

(૧)ઃ- મહેસાણામાં લાયસન્સ વગર ચાલતી રેસ્ટોરન્ટ બંધ કરાવી

(૨)ઃ- મોરબીમાં મંજૂરી વગર હાનિકારક કેમીકલ વાપરતુ કારખાનું બંધ કરાવ્યું

(૩)ઃ- ખંભાળિયામાં સાંકડી બજારોમાં ફટાકડા વેચવાના લાયસન્સ ન આપ્યા.

(૪)સાપુતારામાં ગેરકાયદે બોટીંગ બંધ કરાવ્યું. એમનાં આ અભિગમને કારણે તેમને તરત બદલી નાખવામાં આવે છે. અરે ખંભાળિયામાં તો સ્થાનિક નેતાએ ૨૦૦ કાર્યકર્તાઓ દ્વારા હુમલો પણ કરાવ્યો હતો તથા એ બનાવ પછી સાઈડ પોષ્ટિંગ આપ્યું અને અંતે ડિસમીસ કર્યા.

જોકે હાઈકોર્ટે પૂનઃસ્થાપિત કર્યા તો સરકારે છેક ડાંગમાં પોષ્ટીંગ આપ્યું પણ માત્ર અઢી મહિનામાં બદલી કરી નાંખી અને નવું પોષ્ટિગ પણ ન આપ્યું.ગુજરાતની જનતાએ એ ખાસ યાદ રાખવું પડશે કે જ્યાં સુધી ચિંતન વૈશ્નવ જેવા પ્રમાણિક અધિકારીને સરકાર કામ નહીં કરવા દે ત્યાં સુધી આપણે ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટનાઓ જોયા જ કરવી પડશે હોં!

વડોદરા મ.ન.પાલિકાને એક ઢાંકણાને લીધે ‘ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા’ જેવું થયું
આપણે ત્યાં કોઈ માણસ એક કામ ખોટું કે ખરાબ કરે તો તેને કટાક્ષમાં “ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર” એવું કહેવામાં આવે છે.

પરંતુ હમણાં તો એક એવી ઘટના બની કે ગુજરાતની વડોદરા શહેરની સમગ્ર મહાનગરપાલિકાને ‘ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવા’નુ મન થાય એવું થયું.વાત જાણે એમ બની કે વડોદરા મહાનગરપાલિકાને થોકબંધ ફરિયાદો મળી કે વાઘોડિયા રોડ પર ડ્રેનેજ ચોક અપ થાય છે.

મહાનગરપાલિકાના નિષ્ણાત(?) ઇજનેરોએ ૩ જગ્યાએ ક્રોસિંગ કરીને પાણીનો નિકાલ કરવાનુ બહુ મથામણ કરી પણ સફળતા ન મળી.આ માટે અધધધધધધ કહી શકાય એવા રૂપિયા દોઢ કરોડનો ખર્ચ પણ કરી નાખ્યો.આ જોઈને એક જાગૃત નાગરિકે કોર્પોરેશનને(કોઈ કન્સલટીંગ ફી લીધા વગર) માહિતી આપી કે અહીં વર્ષો પહેલાં એક ગટરનું ઢાંકણું અંદર પડી ગયું છે તેને કારણે આ સમસ્યા સર્જાઈ છે.

કોર્પોરેશને તાત્કાલિક ખોદકામ કરાવ્યું તો ૧૮ વર્ષ પહેલાં ૨૦૦૬મા પડેલ ઢાંકણું મળી આવ્યું ને એ બહાર કાઢતા બે કલાકમાં પાણીનો નિકાલ થઈ ગયો!આમ જે સમસ્યા વડોદરા કોર્પોરેશનના વિદ્વાન ઈજનેરો કરોડો રૂપિયા વેડફીને પણ ન ઉકેલી શક્યા એ સમસ્યા એક નાગરિકના અનુભવના આધારે ચપટી વગાડતાં ઉકેલાઇ ગઈ હોં!

રામભાઈ હરજીભાઈ મોકરિયાઃ ભા.જ.પ.નો એક અનોખો ચહેરો
રામભાઈ હરજીભાઈ મોકરિયા આજકાલ ભા.જ.પ.નો એક અનોખો ચહેરો બનવા માંડ્‌યા છે.મોકરિયા મૂળભૂત રીતે રાજકારણી નથી.વેપારી છે. સમગ્ર ભારતમાં પથરાયેલી પ્રતિષ્ઠિત મારૂતિ કુરિયર સર્વિસના માલિક છે.મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના વતની છે.

તાજેતરમાં ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બેઠકની ચૂંટણી વખતે ભા?.જ.પ.એ રામ મોકરિયાને(પક્ષની મુંગા મોઢે કરેલી સેવા બદલ)ટિકિટ આપીને રાજ્યસભામાં મોકલ્યા.રાજકારણના આટાપાટા ઓછા જાણકાર અને ભોળા તથા સરળ હ્રદયના મોકરિયાએ અનેકવાર પક્ષના વટાણા વેરી નાખ્યા છે!એક વખત તેમણે એવું નિવેદન કરેલું કે “ભા.જ.પ.ના એક સિનિયર નેતાએ મારી પાસેથી લીધેલા કરોડો રૂપિયા પાછા નથી આપ્યા!”

તેમનાં આ વિધાન અંગે જબરો વિવાદ થયો હતો.પણ તેઓએ જે મહાનુભાવને ટાર્ગેટ કરેલા તેઓએ મૌન સેવી લેતા મામલો ઠંડો પડી ગયેલો.ગત લોકસભાની ચૂંટણીમાં રાજકોટથી લડતા પુરૂષોત્તમ રૂપાલાની સતત સાથે રહીને જાણીતા બનેલા મોકરિયા તાજેતરમાં ફરી બે વિવાદમાં સપડાયા છે.

(૧)ઃ-તેઓએ જાહેરમાં સ્વીકાર્યું કે પાંચ વર્ષ પહેલાં મારું એક કામ કરાવવા મેં રાજકોટ મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ભીખા ઠેબાને મેં રૂ.૭૦,૦૦૦/-ની લાંચ આપેલી પણ કામ ન થતાં એ રકમ મને ઠેબાએ પાછી આપી દીધી હતી અને (૨)ઃ-તાજેતર માં તેમનાં ઘરે ગયેલા એક ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારને મોકરિયાએ ગુસ્સે થઈને તમાચો મારી દીધો હતો.આ બધાને કારણે રામ મોકરિયા ચર્ચા અને વિવાદમાં રહે છે.

અલબત્ત,મોકરિયા ખંધા અને લુચ્ચા રાજકારણી નહીં હોવાથી બોલવામાં ગમે ત્યાં કુદી પડે છે ને ફસાઈ જાય છે અને તેને કારણે ભા.જ.પ.ને પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે છે હોં!

લંવિગજી ઠાકોર ચૂંટણીમાં કરેલ સુંદર કામ સબબ પ્રજાના કાર્યો કરી આપવા કહે છે
ગઈ લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ના પ્રમુખ પાટીલ દ્વારા પક્ષના દરેક ધારાસભ્યને તેમના વિસ્તારની લીડ વધારવાની સૂચના આપવામાં આવી હતી.તે અનુસાર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી મુળજીજ ઠાકોરે પોતાના રાધનપુર મતવિસ્તારમાંથી પાટણ લોકસભાની બેઠકનાં ઉમેદવારને ૩૪,૭૦૬ મતની લીડ અપાવી છે.

પોતાના આ સુંદર કામ બદલ ઠાકોર તેમના મતવિસ્તારના નર્મદા કેનાલના, પીવાનાં પાણીના,રોડના, શિક્ષણ અને આરોગ્યના કામ કરી આપવા મુખ્યમંત્રીને તા.૫/૬/૨૪ના રોજ પત્ર લખ્યો છે.આવા કામ સબબ અંગત રીતે કશું માંગવાને બદલે પ્રજા માટે માંગવાનો અભિગમ પ્રશંસનીય ગણાય અને એ માટે લવિંગજી ઠાકોર અભિનંદનના અધિકારી છે.

અહીં ઠાકોરે લખેલા પત્રની મર્યાદા એ છે કે કોઈ ચોક્કસ કામ કરી આપવા અંગે પત્રમાં નિર્દેશ નથી કરાયો એટલે સરકાર દ્વારા એ અંગે કોઈ નક્કર પગલાં લેવાવાની શક્યતા નહિવત્ છે એટલે આ કાગળ એક ‘પબ્લીસીટી સ્ટંટ’ બનીને રહી જશે હોં!

જામજોધપુરના મામલતદારનું હાસ્યાસ્પદ ઠરે એવું પરાક્રમ
ગુજરાતનાં ખ્યાતનામ કવિ કરસનદાસ માણેકે લખ્યું છે કે, ‘દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.’
આ કાવ્યકંડિકાના પૂર્વાર્ધને સત્ય ઠેરવે એવું અને લોકોની નજરમાં હાસ્યાસ્પદ ઠરે એવું પરાક્રમ જામજોધપુરના મામલતદાર કે.સી.વાઘેલાએ તા.૨જી જુનના રોજ સવારે ૯ઃ૩૦ વાગ્યે કર્યું છે.

વાત જાણે એમ છે કે વાઘેલાએ જામજોધપુરના ગીંગણી ખાતેથી એક રીક્ષા જપ્ત કરી! રીક્ષા જપ્ત કરવાનું કારણ એ છે એ રીક્ષામાં રેતી ભરેલા આશરે ૮૦ કિલો વજનનાં બે બાચકા(બોરી) મળી આવ્યા હતા! દેખીતી રીતે જ હાસ્યાસ્પદ લાગે એવું આ પગલું શા માટે લેવાયું હશે એ જ સમજાય એવી ઘટના તો નથી જ.

આવી ક્ષુલ્લક બાબત માટે માટે ગરીબ માણસની રીક્ષા શા માટે જપ્ત કરવામાં આવી એ પણ સમજાય એવું નથી.

વળી, જામખંભાળિયા તો બહુ નાનુ જિલ્લા મથક (શહેર) છે.જ્યાં સૌ એકબીજાને ઓળખતા હોય કે જાણતા જ હોય! એટલે ખરેખર કંઈ ગુનો બન્યો હોય તો રીક્ષા ડ્રાઈવરને પકડી શકાય, રેતીના બે બાચકા જપ્ત કરી શકાય પણ લાખો રૂપિયાની રીક્ષા જપ્ત કરવાનો અર્થ શું? આપણી એક કહેવત છે કે “કીડી પર કટક મોકલ્યું” એ અહીં યાદ આવે હોં!

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.