Western Times News

Gujarati News

ભાજપે મહત્ત્વના ખાતા પોતાની પાસે જ રાખ્યા

કેબિનેટની બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી-અમિત શાહ, રાજનાથ સિંહ, જયશંકર, નિર્મલા સીતારમણ અને નીતિન ગડકરીના ખાતા યથાવત રખાયા

(એજન્સી)નવી દિલ્હી, લોકસભાની ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ રવિવારે વડાપ્રધાનપદના નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા અને તેમની સાથે કુલ ૭૨ સાંસદોએ મંત્રીપદના શપથગ્રહણ કર્યા હતા. ત્યારબાદ આજે ૧૮મી લોકસભાની પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી. જેમાં તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી.

મહત્ત્વપૂર્ણ ખાતાઓ ભાજપે પોતાની પાસે જ રાખ્યા છે. અમિત શાહ, રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, નીતિન ગડકરી, એસ.જયશંકર સહિતના કેબિનેટ મંત્રીઓને મંત્રાલયો રીપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ચિરાગ પાસવાનને રમતગમત અને શિવરાજસિંહને કૃષિ તથા મનોહરલાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે.

પીયૂષ ગોયલને વાણિજ્ય મંત્રાલય મળ્યું છે. જ્યારે ભૂપેન્દ્ર યાદવને પર્યાવરણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. હરદીપ સિંહ પુરીને ફરીથી પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગિરિરાજ સિંહને કાપડ મંત્રાલય આપવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી મળી છે. જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ અને દૂરસંચાર મંત્રાલય આપવામાં આવ્યું છે.

આ વખતે પ્રહલાદ જોશીનો વિભાગ બદલવામાં આવ્યો છે. આ વખતે તેમને ફૂડ, કન્ઝ્યુમર અને રિન્યુએબલ એનર્જી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
રામ મોહન નાયડુને નાગરિક ઉડ્ડયન મંત્રાલય મળ્યું છે. અન્નપૂર્ણા દેવીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય રવનીત સિંહ બિટ્ટુને લઘુમતી બાબતોના વિભાગમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ગજેન્દ્ર સિંહ શેખાવતને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયની જવાબદારી મળી છે. જ્યારે સુરેશ ગોપી અને રાવ ઈન્દ્રજીત સિંહને સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

સીઆર પાટીલને જલ શક્તિ વિભાગ આપવામાં આવ્યો છે. જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેડીએસના કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી બનાવવામાં આવ્યા છે.

હિન્દુસ્તાન અવમ મોરચાના એકમાત્ર સાંસદ અને મોદી કેબિનેટના સૌથી વરિષ્ઠ સભ્ય (૭૯) જીતન રામ માંઝીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. શોભા કરંદલાજેને આ વિભાગમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

લખનૌથી સતત સાંસદ બની રહેલા ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને ફરી એકવાર સંરક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અમિત શાહને ફરી સોંપાયું ગૃહ મંત્રાલય, અશ્વિની વૈષ્ણવને માહિતી અને પ્રસારણ મંત્રાલયની કમાન સોંપવામાં આવી છે. વૈષ્ણવ મોદી સરકારના બીજા કાર્યકાળમાં રેલવે મંત્રી હતા.

મનોહર લાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ખટ્ટર હરિયાણાના પૂર્વ સીએમ છે અને પહેલીવાર લોકસભા ચૂંટણી લડીને જીત્યા છે.

રેલવેમાં વિકાસની નવી ગાથા લખનાર અશ્વિની વૈષ્ણવને ફરીથી રેલવે મંત્રી બનાવવામાં આવ્યા છે. એસ જયશંકરને ફરી વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે.
મોદી ૩.૦માં નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે આ મંત્રાલય માટે બે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં એક અજય તમટા અને એક હર્ષ મલ્હાત્રાનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.