Western Times News

Gujarati News

રાજકોટમાં આગ લાગ્યા પછી કૂવો ખોદવા જવા જેવો ખેલ

મિલકતો સીલ કરાતાં નવી ફાયર એનઓસી મેળવવા દોડધામ

(એજન્સી)અમદાવાદ, રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના બાદ શહેરમાં બીયુ અને ફાયર એનઓસી વિના ચાલતા ગેમ ઝોન, સ્કૂલ, કાપડ માર્કેટ સહિતની મિલકતો તંત્ર દ્વારા સીલ કરી દેવાઈ છે જેના કારણે લોકોના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે. લોકો સીલ ખોલાવવા આજીજી કરી રહ્યા છે. સાથે જ નવી ફાયર એનઓસી મેળવવા દોડધામ કરી રહ્યા છે. છેલ્લા બે સપ્તાહ દરમિયાન બીયુ અને ફાયર એનઓસી વિનાની મિલકતો સીલ કરવાનો સિલસિલો જારી રહેતાં હવે ફાયર એનઓસીની અરજીમાં ૧પ ગણો વધારો થયો છે.

રાજકોટ અÂગ્નકાંડ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં ફાયર સેફટીની તપાસ હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને ઢગલાબંધ એકમો સીલ કરાયા છે. શહેરમાં આવેલ હજારો મિલકતોમાં ફાયર એનઓસી લેવાયા નથી. આ તમામ મિલકતો સામે કાર્યવાહી થઈ રહી છે. હવે આ તમામ સીલ કરાયેલી મિલકતને ફરી ખોલાવવા માટે ધમપછાડા શરૂ થયા છે.

સીલ થયેલી મિલકત ખોલાવવા માટે કોર્પોરેશનમાં અરજીનો ઢગલો થયો છે. વહેલામાં વહેલી તકે સીલ કરાયેલી મિલકતો ફરી ખોલવામાં આવે તે માટે ફાયર એનઓસી મંજૂરી જરૂરી છે. ફાયર સેફટી રિન્યુઅલ અને એનઓસી મેળવવા માટે ઘણી ઈન્કવાયરી આવી રહી છે પરંતુ જો બીયુ ન હોય તો રિન્યુ થઈ શકશે નહીં.

શહેરની કેટલીક હોસ્પિટલમાં હજારો દર્દી મુલાકાત લેતા હોય છે. દરમિયાન હોસ્પિટલમાં ગેમ ઝોન જેવી મોટી દુર્ઘટના ટાળવા પૂરતા સાધનો નથી અને એનઓસી પણ નથી. કેટલીક મિલકતો જેમ કે શાળા, હોસ્પિટલમાં કેટલીક જગ્યાઓ પર જ્યાં સેફટીના સાધન છે તે એકસપાયર થયા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા સેફટીના મામલે નોટિસ આપવામાં આવી રહી હોવા છતાં પણ સત્તાધીશો નોટિસને ઘોળીને પી ગયા છે.

કેટલીક મિલકતમાં ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું છે. નવાંનકોર પેક કરેલા સાધનો છે પરંતુ એનઓસીની હજુ સુધી કોર્પોરેશનમાં અરજી જ નહોતી કરાઈ. કેટલીક મિલકતોમાં લોકોને ખબર જ નથી કે આગ લાગે ત્યારે આ સાધનો કેવી રીતે વાપરવા.

હવેથી અમદાવાદમાં ફાયર એનઓસીને પાત્ર તમામ ઈમારતોના પ્રવેશદ્વાર પર એનઓસીની વિગતવાળુ બોર્ડ લગાવવું ફરજિયાત છે. અમદાવાદ મહાનગરપાલિકાએ આદેશ કર્યો છે કે જે ઈમારતો ફાયર એનઓસી ધરાવવા પાત્ર હોય તે તમામ ઈમારતોએ તેમના મુખ્ય પ્રવેશદ્વાર પર સૌ કોઈ જોઈ શકે અને વાંચી શકે તેવી સ્થિતિમાં ફાફર એનઓસીને લગતી વિગતો સાથેનું બોર્ડ લગાવવું પડશે.

જેમાં ફાયર એનઓસી નંબર, ફાયર એનઓસી ઈશ્યૂ કરાયેલ તારીખ અને ફાયર એનઓસી જે તારીખે સમાપ્ત થતી હોય તે તારીખ દર્શાવવી પડશે. શહેરમાં દરરોજ ૧પ૦ જેટલી શાળામાં ફાયર એનઓસીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ડીઈઓ કચેરીની ૩૦ જેટલી ટીમ ૧૬૦૦ શાળાનો ફાયર સેફટીના મુદ્દે સર્વે કરી રહી છે. જે શાળાની ફાયર સેફટીના એનઓસીની મુદ્દત આગામી એક મહિનામાં પૂર્ણ થઈ જવાની હોય તે શાળાએ ફાયર એનઓસી રિન્યુ કરાવી લેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.