Western Times News

Gujarati News

કણજરીમાં ગૌચરની જમીનોમાં ગેરકાયદે કબ્જો કરીને કરાયેલા 97 દબાણો દૂર કરાયા

ગૌચરની જમીનમાં ૯૭ જેટલા ગેરકાયદેસર બાંધકામોની નકલની આકારણીઓના આધારે GEBમાં આકારણીઓ રજૂ કરી વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) હાલોલ ના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર ના હોમ સ્ટે એવા કણજરી ગ્રામ પંચાયતની અંદાજે ૧૦ એકર ઉપરાંતની ગૌચરની જમીનો ઉપર માલિકી હક ધરાવતા હોવાના દાવાઓ સાથે રહેણાંક મકાનો ઊભા કરીને વસવાટ કરતા

એવા ૯૭ જેટલા દબાણો ઉપર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળતા આકરા ઉનાળા બાદ વરસાદના આગમન વચ્ચે હવે અચાનક બે ઘર બની ગયેલા રહીશો ને સરસ સામાન સાથે ક્યાં આશરો લઈશું એવી આંસુ સારતી લાગણીઓ વહીવટી તંત્રની ડીમોલીસન કામગીરીઓ દરમિયાન વ્યક્ત થતી દેખાતી હતી.

હાલોલ તાલુકાના કણજરી ગ્રામ પંચાયતમાં આવેલ રેવન્યુ સર્વે નંબર ૧૫૯૫/૧ અને ૧૫૯૫/૩ ગૌચરની જમીન આવેલ છે જે જમીનમાં કેટલાક લોકોએ પોતાની માલિકીની જમીનો બતાવી અને જમીનો ઉપર પોતાનો કબજો જમાવી બહારના વેપારીઓને તે જમીનો લાખો રૂપિયાની કિંમતના ભાવે વેચાણ આપેલ હતી

જે જમીનો લેનાર કેટલાક લોકોએ આ તમામ ૧૦ એકર ઉપરાંતની ગૌચરની જમીનમાં કાચા પાકા મકાનો સહિતનું બાંધકામ કરી સરકારી જમીન પર દબાણ કરી ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું જ્યારે આ ૧૦ એકર ઉપરાંતની ગૌચરની જમીનમાં ૯૭ જેટલા ગેરકાયદેસર બાંધકામોની નકલની આકારણીઓના આધારે જીઇબીમાં આકારણીઓ રજૂ કરી વીજ કનેક્શન પણ મેળવવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું

જેને અનુલક્ષીને આ ગૌચરની જમીનમાં ઉભા કરાયેલા તમામ ગેરકાયદેસર દબાણ કરનાર વ્યક્તિઓને લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા ગત દિવસોમાં નોટિસો પાઠવવામાં આવી હતી જે બાદ પણ આ લોકોએ ગૌચરની જમીનમાંથી પોતાના દબાણો ન હટાવતા આજે સોમવારે હાલોલ તાલુકા વિકાસ અધિકારી,હાલોલ મામલતદાર હાલોલના પોલીસ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓની અધ્યક્ષતામાં

હાલોલ તાલુકા પંચાયતની રેવન્યુ વિભાગની ટીમ ૯૭ જેટલા દબાણોનો સફાયો કરવા માટે પોલીસ ટીમ સાથે કણજરી ગ્રામ પંચાયતમાં આવેલી આ ગૌચરની જમીનમાં ત્રાટકી હતી અને જે લોકોએ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી કાચા પાકા મકાનો અને અન્ય બાંધકામો કર્યા હતા તે તમામ બાંધકામો સોમવારે સવારે ૯ઃ૦૦ વાગ્યાથી લઈ સાંજે ૭ઃ૦૦ વાગ્યા સુધીમાં હટાવી લેવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને આ તમામ ગેરકાયદેસર ૯૭ જેટલા બાંધકામો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.