Western Times News

Gujarati News

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં લાંબા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન

નડીઆદના પશ્ચિમ વિસ્તારના દ્ગઈજી સ્કુલથી શ્રેયસ ગરનાળા સુધી ગટરો ઉભરાઈ -કાયમી નિકાલ લાવવા સ્થાનિક રહીશો ની રજૂઆત

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશનના બરાબર ગેટ સામે જ ગટરના ગંદા નીર ઉભરાઈ રહ્યા છે.

આ ગટરના ગંદા પાણી આજે ૫૦૦ મીટર દુર શ્રેયસ ગરનાળા સુધી પહોચતાં કેટલાય વાહનચાલકો લપસ્યા છે. આ ઉપરાંત લાંબા વર્ષોથી ગટર અહીયા ઉભરાઈ રહેતા હાલ અહીયાના લોકોને ન છુટકે આવા ગંદા પાણીમાંથી આવનજાવન કરવુ પડે છે. પાલિકા તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૯મા આજે મંગળવારે ‘મ્યુનિસપાલટી હાય હાય’ ના નારા લાગ્યા છે. રેલવે સ્ટેશનના પાછળ દ્ગઈજી સ્કૂલ તરફ જવાના માર્ગ પર લાંબા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાઈ છે. ગટરની મુખ્ય લાઈન ચોકઅપ થઈ જતાં છાશવારે અહીંયા ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાય છે.

આજે તો આ ગટરના ગંદા પાણીનો રેલ છેક ૫૦૦ મીટર દૂર શ્રેયસ ગરનાળા સુધી પહોંચ્યો હતો. જેના કારણે શ્રેયસ ગરનાળા અને અહીંયાથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને ન છુટકે આવા ગંદા પાણીથી પસાર થવું પડ્‌યું હતું. તો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ૩થી વધુ વાહનચાલકો પાણીમાં સ્લીપ ખાઈ ગયા છે. સ્થાનિકોએ રોષ પૂર્વક કહ્યું કે, વારંવાર પાલિકામા રજૂઆતો કરીએ છીએ પણ છાશવારે આવી સ્થિતિનું નિર્માણ થાય છે.આ રોડ પર હોસ્પિટલ, શાળા અને જૈન દેરાસર આવેલા છે

આજે સ્થાનિક રહીશો અહીંયા એકઠા થયા હતા અને રોડ પર ઉતરી ‘મ્યુનિસપાલટી હાય હાય’ ના નારા લગાવ્યા હતા. નજીકમાં જ હોસ્પિટલ, શાળા અને જૈન દેરાસર આવેલા છે. ત્યારે અહીંયા લોકોની ભારે આવનજાવન હોય છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે સ્ટેશનનો મુખ્ય એન્ટ્રસ છે તેની સામે જ આ ગટરના ગંદા પાણી ઉભરાય છે. તેથી અહીયા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

છેલ્લા ૬૦ વર્ષથી અહીંયા દુકાન ધરાવતા સ્થાનિક પ્રદીપ પટેલે રોષ પૂર્વક કહ્યું કે, આ સમસ્યા ગયા ૧૨ વર્ષથી છે. અગાઉ પણ લેખિત, મૌખિક રજૂઆતો કરી છે પરંતુ એ બાદ માત્ર દેખાડા પૂરતી કામગીરી કરી સફાઈ કર્મીઓ રવાના થઈ જાય છે વર્ષોથી આ ગટરના પાણી અહીંયા રોડ પર ઉભરાય છે. પ્રશ્ન આગળથી છે આગળ તમામ લાઈનો ચોક થઈ ગયેલ છે અને જેથી અહીંયાથી ગટરનું પાણી ઉભરાઈને પાછું શ્રેયાસ ગરનાળા તરફ જાય છે.

અમે રજૂઆત કરી છે કે ગટરની પાઇપોની પહોળાઈ વધારો પણ તે તંત્ર દ્વારા કરવામાં આવતું નથી. આજે હોસ્પિટલ નજીક બે દીકરીઓ વાહન લઈને આ ગટરના ગંદા પાણીમા પડી હતી.

વધુમાં તેમણે કહ્યું કે, ચૂંટણીનું વોટિંગ પત્યા પછી તુરંત આ સમસ્યા ફરી ચાલુ થઈ ગઈ હતી. નજીકમાં જ શાળા આવેલી છે જેમાં આઠથી દસ હજાર સ્ટુડન્ટ અભ્યાસ અર્થે આવે છે કોલેરા જેવા રોગ થાય તો કોણ જવાબદાર? ફોનથી આજે સવારે પણ પાલિકા તંત્રમાં આ બાબતે જાણ કરી છે પણ હજી સુધી કોઈ સફાઈ કર્મચારી ડોકાયા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.