Western Times News

Gujarati News

સોપારી-પાન મસાલાની જાહેરખબરો કરવાનું કાર્તિકને પસંદ નથી

મુંબઈ, કાર્તિક આર્યને છેલ્લા ૧૫ વર્ષમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે. આ લોકપ્રિયતા સાથે તે ઘણી જાણીતી બ્રાન્ડનો ચહેરો પણ બની ગયો છે. જોકે, કાર્તિક જાહેરખબરો વિશે પોતાના સિદ્ધાંતો બાબતે પહેલાંથી જ ઘણો સ્પષ્ટ રહ્યો છે.

તાજેતરમાં તેના એક ઇન્ટર્વ્યુમાં તેણે ફરી ફેરનેસ ક્રીમ અને પાનમસાલાની બ્રાન્ડ વિશેના પોતાના સૈદ્ધાંતિક વાંધા વિશે ખુલીને વાત કરી હતી. કાર્તિકે કહ્યું હતું કે તેણે આ પ્રકારની સોપારી સહિતની જાહેર ખબરો કરવાનો ઇનકાર કરી દીધો છે, કારણ કે તે માને છે કે આવા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું એ ખોટું છે. તે તેની પોતાના ફૅન્સ માટે હકારાત્મક ઉદાહરણો પૂરાં પાડવાની જવાબદારી દર્શાવે છે.

કાર્તિકે એક ફેરનેસ ક્રીમ બ્રાન્ડ સાથે ટૂંક સમય માટે કામ કર્યા બાદ કોન્ટ્રાક્ટ રીન્યુ નહીં કરવાની ઘટના યાદ કરતાં કહ્યું,“મેં બહુ લાંબા ટાઇમ પહેલાં એક ફેસ ક્રીમની એડ કરી હતી, પણ પછી મેં તે અટકાવી દીધી. મારું મન માનતું નહોતું. મેં એ રીન્યુ કર્યું નહીં કારણ કે મને લાગતું હતું કે આ યોગ્ય નથી.

મને આવી કેટલીક બ્રાન્ડની ઓફર આવી છે, પણ હું ના પાડું છું, જેમકે, પાન મસાલા અને સોપારીની બ્રાન્ડ. હું આવી વસ્તુઓ સાથે કનેક્ટ કરી શકતો નથી. તેથી હું આવી બાબતોને બને તેટલી ટાળવાની કોશિષ કરું છું. હું ન કહી શકું કોણ સાચું અને કોણ ખોટું કારણ કે દરેકના પોતાના વિચાર હોય છે, પણ એ મારા સિદ્ધાંતો સાથે મેળ ખાતું નથી.”

હવે કાર્તિક કબીર ખાન દ્વારા ડિરેક્ટ કરેલી બાયોપિક‘ચંદુ ચેમ્પિયન’માં જોવા મળશે,જેમાં તે ભારતનાં ભૂતપૂર્વ પેરાલિમ્પિક ગોલ્ડ વિજેતા મુરલીકાંત પેટકરની ભૂમિકા કરતો જોવા મળશે. એક રમતવીરની બાયોપિક માટે કાર્તિકે જબરદસ્ત મહેનત કરી છે.

આ ફિલ્મમાં ભુવન અરોરા, યશપાલ શર્મા, વિજય રાઝ, અનિરુદ્ધ દવે અને પલક લાલવાણી જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘ચંદુ ચેમ્પિયન’ લંડન, વાઈ અને જન્મુ કશ્મીરમાં શૂટ થઈ છે. આ ફિલ્મ ૧૪ જૂને રિલીઝ થશે. આ ઉપરાંત કાર્તિક અનીઝ બાઝમીની ‘ભૂલ ભૂલૈયા ૩’માં તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન સાથે હોરર કોમેડીની જમાવટ કરતો જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.