Western Times News

Gujarati News

“માનવીનું જીવન ધોળા અને કાળા તાણાવાણાનો જાણવા જેવું બનેલો તાકો છે – એ વાત મહાભારત કહે છે !”

“ગીતાના શ્લોક જેવું જીવી જનારાઓને શોક ન હોય. દિલની ઉંડી લાગણી વગર કરેલ કર્મથી તુષ્ટિ પુષ્ટિ થતી નથી. જે કંઈ છે તે બધું જ ભાવના માં ભરેલું છે !”

“મહાભારત અને રામાયણ એ આપણા રાષ્ટ્રીય ગ્રંથો છે. રામાયણ મધુર નીતિ કાવ્ય છે અને મહાભારત વ્યાપક સમાજ શાસ્ત્ર છે !”

“સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસે ભગવદ્‌ગીતામાં આપ્યું છે ! એક રીતે ગીતા ઉપનિષદોનું યે ઉપનિષદ છે !!”

“વર્ષ ૧૯૩ર- સ્થળ છે મહારાષ્ટ્રના ધૂળિયા શહેરની જેલ ! આ જેલ માં અનાયાસે ઘણા સંત-મહંતો અને સેવકો નો મેળો જામ્યો હતો ! આ બધાંયે જેલમાં બંદી હતાં. તે સૌને ગીતા એટલે શું ? અને રોજેરોજના વહેવારમાં ‘ગીતા’ કઈ રીતે ઉપયોગી છે તેના પ્રવચનો થતાં હતાં ! પ્રવચન કરનાર હતાં સંત વિનોબા ભાવે ! હિંદુસ્તાનમાં ગાંધીજી ને જેમ સૌ કોઈ યાદ કરે છે તેમ સંત વિનોબા ભાવે ને પણ યાદ કરે છે !

ભૂદાનયજ્ઞના પ્રણેતા એ સંત વિનોબા. એમના પ્રવચનોને લખી લેવા અને ગુરુજી જેવા કાબેલ સત્પુરુષ મળ્યા જે લહિયા બન્યા ! ધુળિયા (ધુલિયા)ની જેલમાં વિનોબા એ કરેલા આ પ્રવચનોનું પુસ્તક એ ‘ગીતા પ્રવચનો !’ આ ગીતા પ્રવચનો- અત્યંત લોકપ્રિય બની રહયા ! ભારતની ર૦ ભાષાઓમાં તેમજ નેપાળી, અંગ્રેજી જર્મન, ડેનિશ, જાપાનીઝ જેવી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે !

ગુજરાતી ભાષામાં પ્રકાશિત સત્વાવનમી આવૃત્તિની કુલ નકલ ૧પ૦૦૦- વર્ષ ર૦૦૬ ! અને એ વર્ષની મળીને એ દરમિયાન કૂલ છપાયેલી નકલ, પ,૪૩,૦૦૦ (પાંચ લાખ તેતાલીસ હજાર) કેવળ ગુજરાતીમાં ! જયારે દેશ અને વિદેશની બધી જ ભાષાઓમાં સંત વિનોબા ભાવે ના ‘ગીતા પ્રવચનો’ની કુલ ર૬ લાખથી પણ અધિક નકલો પ્રકાશિત થઈ છે !

વિનોબા ભાવે કહેતા હતાંઃ  “આ પ્રવચનોને બહાને ગીતાની સેવા કરવાની ખાસ તક ઈશ્વરે મને આપી છે એ તેની હું મોટી કૃપા ગણું છું ! આમાં મારું કંઈ નથી.. હું તો તુકારામ ના શબ્દોમાં કહું છું કે, ‘શિકવૂનિ બોલ ! કેલેં કવતુક નવલ આપણિયાં રંજવિલેં ! બાપેં માજિય્‌ વિઠ્ઠલે !’ – એટલે કે શીખવીને બોલ, કર્યુ કૌતુક નવલ રીઝવ્યો પોતાને, બાપ મારા વિઠ્ઠલે !”

ગીતાને જીવનગ્રંથ અને ગીતા પ્રવચનોને ‘નિત્ય પઠનીય’ માનનારા સંત વિનોબા ભાવે એ પ૪૦ મણિની (૧૮ + ૪૩ર) આ અમૂલ્ય માળા આપણને સોને સતત જપવા માટે અત્યંત તાલાવેલીથી આપેલી છે ! એ કહે છેઃ “ગીતાના શ્લોક જેવું જીવી જનારાઓને શોક ન હોય. દિલની ઉંડી લાગણી વગર કરેલા કર્મથી તુષ્ટિ પુષ્ટિ થતી નથી. જે કંઈ છે તે બધુંજ ભાવનામાં ભરેલું છે. આપણી નાની નાની ક્રિયાઓ પર હરિસ્મરણનો સંસ્કાર કરો એટલે તે ક્રિયા અપૂર્વ બની રહેશે ! ભાવનાથી જ ક્રિયાની કિંમત વધે છે. કર્મયોગીનું કર્મ એક જાતનો જપ જ છે !

ગીતાનો અને મારો સંબંધ તર્કની પેલી પારનો છે ! મારા હ્દય અને બુધ્ધિનું પોષણ ગીતાના દૂધથી થયું છે. અંતરની ઉંડી મમતાનો સંબંધ હોય છે ત્યાં તર્ક ને જગ્યા રહેતી નથી ! તર્ક ને છોડી, શ્રધ્ધાને પ્રયોગની બે પાંખોથી ગીતાના આકાશમાં મારાથી જવાય તેટલું ઊંચે હું ઊડું છું.

ગીતા એટલે મારું પ્રાણતત્વ. કોઈનીયે પણ સાથે ગીતા વિષે હું વાતો કરું ત્યારે ગીતાના સમુદ્રના તરંગો પર તરતો હોઉં છું અને એકલો હોઉં છું ત્યારે એ અમૃતના સાગરમાં ઊંડે ડૂબકી મારીને બેસું છું !!” મહાભારત અને રામાયણ એ આપણા રાષ્ટ્રીય ગ્રંથો છે ! એમાંની વ્યક્તિઓ આપણા જીવન સાથે એકરૂપ થયેલી છે ! રામ, સીતા, ધર્મ, દ્રૌપદી, ભીષ્મ હનુમાન વગેરેના ચરિત્રો એ મંત્રની જેમ આખાયે ભારતીય જીવનને હજારો વર્ષોથી વશ કરેલું છે.

અને એ રીતે જોઈએ તો મહાભારત અને રામાયણ બંને ખરેખર અદ્‌ભુત ગ્રંથો છે ! રામાયણ મધુર નીતિ કાવ્ય છે અને મહાભારત વ્યાપક સમાજશાસ્ત્ર છે ! એક લાખ શ્લોકો રચીને વ્યાસમુનીએ અસંખ્ય ચિત્રો, ચરિત્રો અને ચારિત્ર્યો ઘણી કાબેલિયતથી આબેહુબ દોર્યા છે ! તદ્રન નિર્દોષ એક પરમેશ્વર વગર કોઈ નથી અને તેવીજ રીતે આ જગતમાં કેવળ દોષોથી ભરેલું એવું પણ કંઈ નથી એ વાત મહાભારતે ચોખ્ખે ચોખ્ખી કહી છે !

માનવીનું જીવન ધોળા અને કાળા તાણાવાણાનો બનેલો તાકો છે એ વાત મહાભારત કહે છે ! વિશ્વમાંના વિરાટ સંસારનું છાયા પ્રકાશમય ચિત્ર વ્યાસ તેનાથી લેપાયા વગર અળગા રહીને બતાવે છે ! વ્યાસની આ અત્યંત અલિપ્ત તેમજ ઉદાત્ત ગૂંથવણીની કુશળતાને લીધે જ મહાભારત નો ગ્રંથ સોનાની એક મોટી ખાણ બન્યો છે ! સાહેબ… મહાભારતમાંથી.. જેને જોઈએ તેવું તે એમાંથી શોધન કરીને ભરપટ્ટે સોનું લૂંટી શકે છે !

સમગ્ર મહાભારતનું નવનીત વ્યાસે ભગવદ્‌ગીતામાં આપ્યું છે ! એક રીતે ગીતા ઉપનિષદોનું યે ઉપનિષદ છે. આ ગીતારૂપી દૂધ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને જગતને આપ્યું છે ! જીવનના વિકાસને માટે જરૂરી એવો લગભગ એક એક વિચાર ગીતામાં સમાયેલોછે- અને એથી જ ગીતા ધર્મજ્ઞાનનો કોષ છે એમ અનુભવી વ્યક્તિઓએ યથાર્થ કહયું છે !

હિંદુ ધર્મનો મુખ્ય ગ્રંથ એ જ ‘ગીતા’! સ્વધર્મની આડે આવનારો જે મોહ છે, તેના નિવારણને માટે ‘ગીતા’નો જન્મ છે એ બીના ઘણાં બધા વિવેચન પરથી ફલિત થાય છે. અર્જુન ધર્મ સંમૂઢ થયો હતો, સ્વધર્મની બાબતમાં તે મોહમાં ફસાયો હતો. શ્રીકૃષ્ણે આપેલા ઠપકા પછી આ વાત અર્જુન જાતે કબૂલ કરે છે. એ મોહ એ આસક્તિએ મમત્વદૂર કરવાં એ જ ગીતાનું મુખ્ય કામ છે !!

આખી ગીતા સંભળાવી રહયા પછી ભગવાન પૂછે છે, “અર્જુન… મોહ ગયો?”… અર્જુને જવાબ આપ્યો ‘ભગવાન મોહ મરી ગયો, સ્વધર્મનું ભાન થયું !”…. આમ ગીતાનો ઉપક્રમ અને ઉપસંહાર બંનેનો મેળ બેસાડીને જોવા જઈએ તો મોહનિરાકરણ એજ ગીતાનું ફળ દેખાય છે !! એકલી ગીતાનો નહીં, ખુદ મહાભારતનો પણ એજ ઉદ્દેશ છે !

વ્યાસે છેક મહાભારતના આરંભમાં કહયું છે કે લોકોના Ìદય પર છવાયેલા મોહના પડદાને હઠાવવાને હું આ ઈતિહાસ- પ્રદીપ ચેતાવું છું !! કૃષ્ણ એટલે એ નામવાળી કોઈક એક વ્યકિત છે એવી ઐતિહાસિક ઉર્ફે ભ્રામક સમજમાં આપણે ન ફસાઈએ. અંતર્યામી સ્વરૂપે કૃષ્ણ આપણા દરેકનાં Ìદયમાં વિરાજમાન છે. આપણી પાસેમાં પાસે તે જ છે !

આપણાં દિલમાંનો બધો મેલ આપણે તેની આગળ ખુલ્લો કરીને તેને કહીએ… ‘હે ઈશ્વર, હું તારે શરણે છું. તું મારો અનન્ય ગુરુ છે. મને ગમે તે એક રસ્તો બતાવ. તું બતાવશે તેજ રસ્તે જઈશ.” !!

જો.. આપણે આમ કરીશું તો તે પાર્થસારથિ આપણું પણ સારથિપણું કર્યા વગર રહેવાનો નથી. ખુદ પોતાને શ્રીમુખે તે આપણને ગીતા સંભળાવશે, સમજાવશે અને વિજયલાભ અપાવશે !!! ગીતામાં નિષ્કામ કર્મયોગને અદ્‌ભુત સામર્થ્યવાળો જણાવ્યો છે! અને તે કર્મવડે જ વ્યક્તિનું તેમજ સમાજનું પરમકલ્યાણ થાય છે તે સાંકેતીક છે ! સ્વધર્મ આચનારા કર્મયોગીની શરીરયાત્રા ચાલ્યા વગર રહેતી નથી !

કર્મ ચિત્તશુધ્ધિનું સાધન બની રહે છે. કર્મયોગીનું કર્મ એક જાતનો જપ જ હોય છે ! કર્મની નિસરણી વડે ઠેઠ ટોચે પહોંચ્યા છતાં કર્મયોગી તે નિસરણી છોડી દેતો નથી. તેનાથી તે છોડી શકાતી નથી. તેની ઈન્દ્રિયોને તે કર્મનું કુદરતી વળણ બેસી ગયેલું હોય છે. અને એ રીતે સ્વધર્મરૂપી સેવાની નિસરણીનું મહત્વ તે સમાજને બતાવતો રહે છે !

નિષ્કામ કર્મ શબ્દપ્રયોગમાં કર્મ એ પદના કરતાં નિષ્કામ એ પદનું મહત્વ વધારે છે ! આજના સમયમાં વિશ્વ વિદ્યાલયો જ્ઞાનની ખેરાત કરે છે- પણ જ્ઞાનામૃત ભોજનની તૃપ્તિનો ઓડકાર કોઈને આવતો દેખાતો નથી. પુસ્તકોના ઢગલાના ઢગલા જોઈને દિવસે દિવસે સંતોની સેવા જરૂર વધારે ને વધારે ભાસતી જાય છે ! જ્ઞાન પુસ્તકોની મજબૂત કાપડની બાંધણીની બહાર નીકળતું નથી. વિનોબાજી કહે છે કે આવું જોતાં એક અભંગ યાદ આવી જાય છે ઃ “કામક્રોધ આડ પડિલે પર્વત રાહિલા અનંત પૈલીકડે !!”-

“ આડા પડ્યા કામક્રોધના પહાડ ને અનંત રહયો પેલી પાર.” આમ કામક્રોધના પર્વતોની પેલી કોર નારાયણ વસે છે ! તેજ પ્રમાણે આ ચોપડાઓના ઢગની પાછળ જ્ઞાન રાજા લપાઈને બેઠો છે. પુસ્તકાલયોને ગ્રંથાલયોનો રાફડો ફાટ્યો છે. પણ માણસ હજી બધે સંસ્કાર વગરનો ને જ્ઞાન વગરનો પ્રાણી જ રહી ગયેલો દેખાય છે ! અંગ્રેજી ભાષામાં દર સાલ પંદરથી વીસ હજાર નવાં પુસ્તકો તૈયાર થઈને બહાર પડે છે.

બીજી ભાષાઓમાં પણ એવું જ છે ! જ્ઞાનનો આટલો બધો ફેલાવો હોવાં છતાં માણસનું માથું ખાલી ખોખું કેમ રહયું છે ? કોઈ કહે છે યાદદાસ્ત ઘટી છે. કોઈ કહે છે, એકાગ્રતા થઈ શકતી નથી. કોઈ કહે છે જે વાંચીએ છીએ તે બધું જ સાચું લાગે છે, અને કોઈ વળી કહે છે, વિચાર કરવાનો વખત જ રહેતો નથી!- ત્યારે (યાદ રાખવા જેવું) શ્રી કૃષ્ણ કહે છે, અરે અર્જુન, તરેહ તરેહની વાત સાંભળીને ગોટાળે ચડેલી તારી બુÂધ્ધ સ્થિર થયા વગર યોગ (કશુંજ) તને હાથ લાગવાનો નથી ! સાંભળવાનું ને વાંચવાનું પતાવીને હવે સંતોને શરણેજા…!!!….

ત્યાં જ જીવનનો ગ્રંથ તને જોવા વાંચવાનો મળશે ! એકધારાં સેવાનાં કર્મો કરતાં રહેવા છતાં અત્યંત શાંત કેમ રહેવું, બહારના કર્મોનું ઝાઝું જોર હોવા છતાં Ìદયમાં અખંડ સંગીતની સિતાર કેમ મેળવવી એ ત્યાં જવાથી સમજાશે !!! એક રીતે ‘ગીતા’ સમજાવે છે કે આ અપાર સૃષ્ટિ એ ઈશ્વરનું પુસ્તક છે. આંખ આગળ જાડા જાડા પડદા આવી ગયા હોવાથી એ પુસ્તક આપણને બંધ લાગે છે.

આ સૃષ્ટિના પુસ્તકમાં સુંદર અક્ષરો વડે પરમેશ્વર બધે ઠેકાણે લખાયેલો છે પણ તે આપણને દેખાતો નથી. વિનોબા ભાવે ના ગીતા પ્રવચનો જ્યારે ધુળિયા (ધુલિયા)ની જેલમાં સંપૂર્ણ થયાં ત્યારે તેઓ બોલેલાં “સદગ્રંથ વાણીમાં, ચિંતનમાં અને જીવનમાં સતત ગુંજતા રહેવા જોઈએ તો જ અંતિમ ક્ષણ મધુર બનશે !”

ખિડકીઃ બાલ ગંગાધર તીલકનું પુસ્તક ‘શ્રીમદ ભગવદ્‌ગીતા કર્મયોગ શાસ્ત્ર’ નામનું છે જેમાં તીલકે પ્રસ્તાવના લખી છે જે પ્રસ્તાવનાનાં પાનાં છે કૂલ્લે ૬૦૦- (છસો પાનાની પ્રસ્તાવના!) અને એ પછી પુસ્તક શરૂ થાય છે. ‘ગીતા’ના વિવેચન માટે તીલકનું આ પુસ્તક ખૂબ જ આધારભૂત અને પ્રશંસનીય મનાય છે !!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.