Western Times News

Gujarati News

રથયાત્રા રૂટ પરનાં કુલ 285 મકાનને તંત્ર દ્વારા ભયજનક જાહેર કરાયાં

રથયાત્રા પૂર્વે એએમસીએ ‘ભયજનક’ મકાનો ઉતારવાનું શરૂ કર્યું

(એજન્સી) અમદાવાદ, અમદાવાદની અસ્મિતાના પ્રતીક સમાન ઐતિહાસિક રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. આગામી ૭ જુલાઈ, રવિવારના રોજ અષાઢી બીજના દિવસે જમાલપુરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બડે ભૈયા બલરામજીની સાથે નગરચર્યાએ નીકળશે.

આ દરમિયાન રૂટ પર આવતાં ભયજનક મકાનોના મામલે મ્યુનિસિપલ સત્તાધીશોએ તકેદારીના પગલાં ભરવાના શરૂ કર્યાં છે. રથયાત્રા વખતે ભયજનક મકાન કે તેનો કોઈ હિસ્સો તૂટી પડીને કોઈ નિર્દોષ શ્રદ્ધાનો ભોગ ન લે તે માટેના આગોતરા આયોજન હેઠળ આવા મકાન કે તેના હિસ્સાને ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઈ છે.

ટીપી કમિટીના ચેરમેન પ્રીતેશ મહેતા આ અંગે વધુ માહિતી આપતા જણાવે છે કે તંત્રના એસ્ટેટ વિભાગ દ્વારા રથાયાત્રા રૂટ પરના મકાનોનો સર્વે હાથ ધરાયો હતો, જે અંતર્ગત કુલ ર૮પ મકાનોને ભયજનક જાહેર કરવામાં આવ્યાં છે. ભયજનક મકાનો રથયાત્રા દરમિયાન જો અચાનક ધસી પડે તો ભાવિક ભકતોના જાનમાલને નુકસાન થઈ શકે છે.

અગાઉ આવી દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે, જેના કારણે તંત્રએ અત્યારથી જ ભયજનક મકાન કે તેના ભાગને દૂર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આજે રાયપુર ચકલા ખાતે આવેલા એક ભયજનક મકાનને તંત્રએ ઉતારી લીધું હતું. મધ્ય ઝોનમાં રથયાત્રા રૂટમાં આવતા મકાનોનો સર્વે દર્શાવે છે કે, શાહીબાગમાં આઠ મકાન ભયજનક છે.

દરિયાપુરમાં સૌથી વધુ ૧પ૦ ભયજનક મકાન છે. શાહપુરમાં ચાર ભયજનક મકાન, ખાડિયામાં ૧૧૧ અને જમાલપુરમાં ૧૧ ભયજનક મકાન મળીને કુલ ર૮પ ભયજનક મકાન તંત્રને મળી આવ્યા છે. જયારે રૂટ સિવાયના ભયજનક મકાનોમાં અસારવામાં ત્રણ, દરિયાપુરમાં ૧૦, શાહપુરમાં ત્રણ, ખાડિયામાં છ એ જમાલપુરમાં ત્રણ મળીને કુલ રપ અન્ય સ્થળોના ભયજનક મકાન તંત્રના ચોપડે નોંધાયા હોવાનું ટીપી કમિટીના ચેરમેન પ્રીતેશ મહેતા જણાવે છે.

આ મકાનો પૈકી તંત્રએ અત્યાર સુધીમાં રથયાત્રા રૂટ પરના કુલ ૧૦૯ ભયજનક મકાનોને નોટિસ ફટકારી છે, જેમાં શાહીબાગના ત્રણ, દરિયાપુરના ૮૦, શાહપુરના ચાર, ખાડિયાના રર ભયજનક મકાનોનો સમાવેશ થાય છે. તેમજ રથયાત્રા રૂટ સિવાયના અન્ય ભયજનક મકાનો પૈકી દરિયાપુરમાં છ, ખાડિયામાં ચાર અને જમાલપુરના બે મળીને કુલ ૧ર ભયજનક મકાનોને પણ તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

મધ્ય ઝોનના સત્તાવાળાઓએ હાલની સ્થિતિમાં ખાડિયામાં એક રથયાત્રા રૂટ પર આવતા મકાનને ઉતાર્યું છે, જયારે અન્ય વિસ્તારોનાં ભયજનક મકાનો પૈકી દરિયાપુરમાં એક, ખાડિયામાં એક અને જમાલપુરમાં એક મળીને કુલ ત્રણ મકાનોને ઉતારી લેવામાં આવ્યા છે.

આ મકાનોને ઉતારવાના મામલે જો ક્ષેત્રફળનો હિસાબ માંડીએ તો રથયાત્રા રૂટ પરના ખાડિયાના એક મકાનનું આશરે ૩૦ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતું બાંધકામ દૂર કરાયું હતું, જયારે અન્ય વિસ્તારના કુલ ત્રણ મકાનના આશરે કુલ ૭પ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા ભયજનક મકાન કે તેના હિસ્સાને દૂર કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.