Western Times News

Gujarati News

ઉર્વશી ધોળકિયા નેગેટિવ રોલ નહીં કરે, કોમોલિકાથી અલગ રોલ કરવાની ઈચ્છા

મુંબઈ, આમ તો ઉર્વશી ધોળકિયાની સ્મોલ સ્ક્રીન પરની સફર તો ખુશી અને સંતોષભરી રહી છે. પરંતુ તેને એક જ પીડા છે કે આજે પણ વિવિધ શોના લોકો તેની ‘કસોટી ઝિંદગી કી’ની કમોલિકાના પાત્રની જૂની વિલનની ભૂમિકાને ૧૫ વર્ષે પણ ભુલી શકતા નથી.

તાજેતરનાં એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું, “બધા મને આજે પણ કોમોલિકા જ કહે છે. કોઈ એક પાત્રને સફળતા મળી તો એવું વિચારવું ખોટું જ છે કે હું બીજું કશું જ કરી શકીશ નહીં.

જો એ લોકો મારા માટે બીજો કોઈ રોલ વિચારી જ ન શકતા હોય તો એ પ્રોડ્યુસરની સર્જનાત્મકતા અને ક્રિએટિવ ડિરેક્ટર્સ ક્યાં છે?” ઉર્વશીએ કહ્યું, આ રૂઢિગત માનસિકતાને કારણે અત્યાર સુધીમાં તેણે જે પણ કંઈ કર્યું છે તેની ખાસ નોંધ લેવાઈ નથી.

છેલ્લાં કેટલાંક વર્ષાેમાં ઉર્વશીએ ‘ચંદ્રકાંતા’, ‘ઇશ્ક મેં મરજાવાં’, ‘તું આશિકી’, ‘નાગિન ૬’ જેવી સિરીયલમાં કામ તો કર્યું પણ દર્શકોની હંમેશા એક ફરિયાદ રહી છે કે તેમને સ્ક્રીન પર તે વધુ લાંબો સમય જોવા મળતી નથી. “હું આવું છું અને જાઉં છું કારણ કે મને બીજું કશુંક મળી જાય છે, તેમાં મને વધુ રસ પડે છે, પણ મને એ જ મળે છે.

પરંતુ હું એનું એ કંટાળાજનક કામ ન કરી શકું. મને બહુ જ એકધારા રોલ મળ્યા. એવું થોડું હોય કે રેખાએ ઉમરાઓજાન કરી એટલે પૂરૂં, બસ એ જ કર્યા કરો., ના, આ અહીં અટકી નથી જતું.” એટલાં જ માટે ઉર્વશીએ ‘કસોટી ઝિંદગી કી’ પછી તરત ‘કોમેડી સર્કસ’ કરવાનો નિર્ણય લીધો હતો.

“હું આભારી છું કે આજે આ સમયે અને આ ઉંમર પછી પણ લોકો કમોલિકાના મીમ શેર કરે છે અને રીલ્સ બનાવે છે, તે મને જીવંત રાખે છે. હું એ દરેકની આભારી છું. પરંતુ, સાથે સાથે હું ઇચ્છું છું કે મેં બીજા રોલ કર્યાં છે, તેના માટે લોકો મને ઓળખે.”

હાલ ઉર્વશી ‘પુષ્પા ઇમ્પોસિબલ’માં એક વકીલનો રોલ કરે છે, અને તેને આશા છે કે લોકો તેના આ નવા કામને સ્વીકારશે. “હું ખુશ અને આભારી છું કે આ શોના મેકર્સે કમસે કમ કોઈ બીજા રોલ માટે મારા વિશે વિચાર્યું અને મને આ બિલકુલ હકારાત્મક રોલ કરવાની તક મળી.

મને ખબર છે કે કોઈ ચમત્કાર થતાં નથી, પરંતુ ક્યાંકથી તો શરૂઆત થવી જોઈએને. આજે, જ્યારે લોકો મને દેવી સિંઘ શેખાવત તરીકે ઓળખે છે ત્યારે મને લાગે છે કે હવે શરૂઆત થઈ ગઈ છે. તો હા, મને આવા બીજા રોલ કરવા ગમશે.” ઉર્વશીએ આગળ વાત કરતાં કહ્યું, “મેં એક એવો દાખલો બેસાડ્યો છે કે, જ્યારે કોઈ નકારાત્મક રોલ કરવાની વાત આવે ત્યારે મારા માટે કશું જ બચતું નથી.

જો હું કોઈ પાત્ર સ્વીકારી પણ લઉં તો પણ લોકો તેની સરખામણી કોમોલિકા સાથે કરવા માંડે છે. એથી ઊલટું તો હું ઓડિયન્સ તરફ સ્પિન બાલ ફેંકુ ને તેમને વિચારવા મજબુર કરી દઉં કે અમે તો ધાર્યું જ નહોતું કે આ આવો રોલ પણ કરી શકે.”

ઓટીટી પ્લેટફોર્મમાં કામન તકો વિશે ઉર્વશે જણાવ્યું, “ઓટીટી ચોક્કસ ખૂબ તકો ધરાવે છે, પરંતુ ગયા વર્ષે મને થોડું અપમાનિત અનુભવાયું જ્યારે મને અમુક લોકોએ કહ્યું કે મારો ટીવી પરનો બહુ વધારે જાણીતો ચહેરો છે.

હું દુનિયાને પૂછવા માગું છું કે, “ઓટીટી પ્લેટફોર્મ પર એવો કયો શો છે જેમાં ટીવીનો ચહેરો ન દેખાયો હોય? તો તમે મને જ કેમ આવું કહો છો? ત્યાં બધા જ છે તો મને કેમ એવું જતાવાય છે કે હું કંઈ અલગ છું? તે સિવાય મને ઓટીટી પર એવા કોઈ ખાસ રોલ મળતા પણ નથી, કારણ કે મેકર્સ અલગ રીતે જોતાં જ નથી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.