Western Times News

Gujarati News

વસાઈ નજીક થયેલી 10 લાખની લૂંટનો ભેદ LCBએ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો

Crime branch solves Rs 2 lakh robbery in Ahmedabad

(એજન્સી)વિસનગર, વિજાપુરના વસાઈ નજીક બુધવારે સાંજે થયેલી રૂ.૧૦ લાખની લૂંટની ઘટનામાં એલસીબીએ ત્રણ જણાને રૂ.૧૦ લાખ સાથે ઝડપી લઈ ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી દીધો હતો.વિસનગરમાં વાસણનો વેપાર કરતા હિરાલાલ રામલાલ બોહરા (શાહ) બુધવારે વિનસગરના જિજ્ઞેશભાઈ બારોટની આઈસર ગાડીમાં ભંગાર ભરીને અમદવાદ ગયા હતા.

ભંગાર વેચીને મળેલા તેમજ અન્ય વેપારી પાસેથી જૂના લેવાના અને એડવાન્સ મળીને કુલ રૂ.૧૦ લાખ લઈને તેઓ સાંજે ચારેક વાગ્યે પરત વિસનગર આવવા નિકળ્યા હતા. સાંજે સાડા છ વાગ્યે ગોઝારિયાથી ડાભલા ચાર રસ્તા તરફ જતાં વસાઈ નજીક એક બાઈક પર આવેલા બે જણાએ બુમો પાડી ગાડી ઊભી રખાવી હતી. બાઈક પાછળ બેસેલા શખ્સે બાઈકને ટક્કર મારી હોવાનું કહીં જિજ્ઞેશભાઈ તકરાર કરી હતી

અને અચાનક આઈસરના કેબિનમાં બેસેલા હિરાલાલ પાસેથી રૂ.૧૦ લાખ ભરેલી થેલી ઝૂંટવી લૂંટ કરીને બાઈક પાછળ બેસી ગોઝારિયા તરફ ભાગી ગયા હતા. જિજ્ઞેશભાઈએ દોડીને પીછો કર્યો પરંતુ હાથમાં આવ્યા નહોતા. આ બાબતે વસાઈ પોલીસ મથકે લૂંટનો ગુનો નોંધાયો હતો.

રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાવદ અને મહેસાણા એસપી તરૂણ દુગ્ગલની સૂચનાથી એલસીબી પીઆઈ એસ.એસ.નિનામા, પીએસઆઈ એમ. પી.ચૌધરી અને એમ.ડી.ડાભી સહિત સ્ટાફે લૂંટનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યા હતા. દરમિયાન કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં પાંચસો રૂપિયાનાં બંડલો સાથે શંકાસ્પદ ત્રણ જણા બાઈક પર સવાલાથી મહેસાણા તરફ આવતા હોવાની બાતમી એએસઆઈ શૈલેષકુમાર તથા હે.કો. નિલેષકુમારને મળી હતી.

જેથી ટીમે દેલા પાટિયા પાસે વોચ ગોઠવી બાઈક પર આવેલા ત્રણેયને પકડી લીધા હતા. તેમની પાસેથી રૂ.૧૦ લાખ મળી આવતાં સઘન પૂછપરછ કરતાં વસાઈ-ગોઝારિયા રોડ પર ચામુંડા માતાના મંદિર નજીક લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રૂ.૧૦ લાખ, બાઈક, મોબાઈલ અને હેલમેટ મળી કુલ રૂ.૧૦,૭૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.