Western Times News

Gujarati News

ઘઉં, ડાંગર, બાજરી, ચણા અને મકાઈ સહિતના ઓર્ગેનિક પાકો ઉગાડી નફો મેળવ્યો આ ખેડૂતે

પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ એકદમ ઓછું આવે છે, જે સૌથી મોટું જમા પાસું : હિતેન્દ્રસિંહ વાઘેલા

પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આર્થિક ઉપાર્જનની સાથે લોકોની તંદુરસ્તી જાળવવામાં યોગદાન આપતા સાણંદના પીપણ ગામના ખેડૂત હિતેન્દ્રસિંહ વાઘેલા

બીજામૃત, જીવામૃત, આચ્છાદન અને મિશ્રપાક પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિમાં મેળવી નિપૂણતા

અમદવાદ જિલ્લાના સાણંદ તાલુકાના પીપણ ગામના રહેવાસી ખેડૂત હિતેન્દ્રસિંહ વાઘેલાએ પ્રાકૃતિક ખેતીમાં મહારથ મેળવી છે. પરંપરાગત ઢબથી અલગ અને રસાયણમુક્ત ખેતી કરવાના આશયથી તેમણે સૌથી પહેલા પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી એકત્ર કરી અમલવારી શરૂ કરી.

ત્યારબાદ તેઓ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશથી પ્રેરાઈને ગાય આધારિત ખેતી પર તેમણે ભાર મૂક્યો. આ ઉપરાંત તેમણે અન્ય ખેડૂત મિત્રો સાથે હરિયાણા ખાતે આવેલા રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું.

હિતેન્દ્રસિંહ પોતાની ૯ વીઘા જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ઢબે ખેતી કરી રહ્યા છે અને વર્ષની બે સિઝન લે છે, જેમાં તેઓ ઘઉં, ડાંગર, બાજરી, ચણા, મકાઈ અને રજકો સહિતના પાકોનું રસાયણમુક્ત વાવેતર અને ઉછેર કરે છે. તેઓ ખાતર તરીકે પાણી સાથે જીવામૃત, છત્રીપર્ની અર્ક આપે છે. આ ઉપરાંત આચ્છાદન કરી મિશ્રપાક પદ્ધતિથી શાકભાજીનું પણ વાવેતર કરે છે. કુદરતી જંતુનાશક તરીકે તેઓ છાશનો ઉપયોગ પણ કરતા હોય છે.

ચોખા અને શાકભાજી જેવા કેટલાક પાકોનું પેકિંગ અને મૂલ્યવર્ધન કરી તેઓ પોતાને શહેરી વિસ્તારમાંથી મળતા ઓર્ડર પર સીધી ડિલિવરી કરી આપે છે. જેનાથી ગ્રાહકને રસાયણમુક્ત અને ગુણવત્તાયુક્ત ખેતપેદાશો મળી રહે છે.

નફા વિશે જણાવતાં હિતેન્દ્રસિંહ કહે છે કે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ એકદમ ઓછો આવે છે, જે સૌથી મોટું જમા પાસું છે. મુખ્યપાક તરીકે હું ડાંગરનું વાવેતર કરી છું. જેમાં ગત વર્ષે વીઘે ૭૦ મણથી વધુનો ઉતારો આવ્યો છે. જેનો ભાવ મણદીઠ રૂ.  ૪૦૦  મળે છે. આમ માત્ર ડાંગરમાંથી જ અઢીથી ૩ લાખ રૂપિયા જેવી આવક થઈ જાય છે.

આમ, પ્રાકૃતિક ખેતી કરવાથી આર્થિક ઉપાર્જનની સાથોસાથ લોકોની તંદુરસ્તી જાળવવામાં પણ યોગદાન આપી શકાય છે, તેવું હિતેન્દ્રસિંહે પુરવાર કરી બતાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.