Western Times News

Gujarati News

સુરતમાં 4 લોકોના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો

(એજન્સી)સુરત, સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના શંકાસ્પદ મોતને લઈને ચકચાર મચી હતી. આ ચાર લોકોના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તબક્કે ઝેરી ગેસ શ્વાસમાં ભળવાથી મોત થયાનો ખુલાસો સામે આવ્યો છે. ઘરમાં રહેલ ગેસ ગીઝર ચાલુ રહી જતા આ ઘટના બની હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતા શંકાસ્પદ મોત કે સામુહિક આપઘાતની અટકળોનો અંત આવ્યો છે.

શનિવારે મોટા ભાગળ વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોના શંકાસ્પદ રીતે મોત થયા હતા.બનાવની વિગતો જોઈએ તો, શનિવારના રોજ સુરતના મોટા ભાગળ વિસ્તારમાં રાજહંસ કોઓપરેટીવ લિમિટેડ સોસાયટીના બિલ્ડીંગમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. રાત્રે પરિવારના સભ્યો સુઈ ગયા પછી ઉઠ્‌યા જ ન હતા. માટે તે લોકોના મૃત્યુનું રહસ્ય ઘેરાયુ હતુ.

સામૂહિક આપઘાતની શંકા સેવાઈ રહી હતી ત્યારે પોલીસ તપાસ દરમિયાન અન્ય કારણોસર મોત થયા હોવાનું સામે આવ્યું હતું.આ મામલે હવે મોટો ખુલાસો સામે આવ્યો છે. ઘરમાં ગેસ ગીઝાર ચાલુ રહી જતા આ ઘટના બની હતી.ઝેરી ગેસ શ્વાસમાં ભળવાથી મોત થયાનો ખુલાસો થયો છે. કાર્બન મોનોક્સાઈડ લોહીમાં ભળતા ઓક્સિજનનો પ્રવાહ અવરોધાયો હતો જેને પરિણામે ગુંગણામણ થતા ચાર લોકોના મોત થયા હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે.

જણાવી દઈએ કે, સ્થળ પરથી જશુબેન કેશુભાઈ વાઢેર, ગૌરીબેન હીરાભાઈ મેવાડા, શાંતાબેન નાનજીભાઈ વાઢેર અને હીરાભાઈ રત્નાભાઇ મેવાડાના મૃતદેહ મળ્યા હતા. જેમાં જશુબેન ગૌરીબેન અને શાંતાબેન સગી બહેનો હતા. જશુબેન વાઢેર તેના નાના દીકરા રાકેશ અને પુત્રવધુ સાથે રહેતા હતા, જ્યારે પુત્ર અને પુત્ર વધુ ફરવા ગયા હતા.

બનાવના દિવસે પોલીસના જણાવ્યુ હતું કે, પ્રાથમિક તબક્કે તપાસ ચાલી રહી છે. હાલ કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ઘટનાની ગંભીરતાને જોતા સંપૂર્ણ ઘરનું વિડીયોગ્રાફીના આધારે સર્ચની કામગીરી કરવામાં આવશે. ઘરમાંથી કઈ મળી આવે છે કે કેમ તે વિડીયોગ્રાફીના આધારે તપાસ કરીશું. ભોજનના નમુના પણ લેવામાં આવશે અને તેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.