Western Times News

Gujarati News

સ્કૂલ-વાન એસોસિએશના સભ્યો ઉતર્યા અચોક્કસ મુદતની હડતાળ પર

અમદાવાદમાં ૧૮ જૂનથી સ્કૂલ વાન અને રિક્ષા ન ચલાવવા એસોસિએશનનો નિર્ણય

(એજન્સી)અમદાવાદ, ૧૮ જૂન મંગળવારથી તમારે બાળકને તમારા પોતાના વાહન પર સ્કૂલે મૂકવા જવું પડશે. કારણ કે, સ્કૂલવાન એસોસિએશન દ્વારા મંગળવારથી સ્કૂલ વાન રિક્ષા ન ચલાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રિક્ષાને પાસિંગ કરાવવા માટેનો બેથી ત્રણ મહિનાનો સમય આપવાની માંગણી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાત રાજ્ય સ્કૂલ વર્ધી એસોસિએશનના સભ્યોની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાન અને રિક્ષાની પાસિંગ પ્રક્રિયા માટે રાજ્ય સરકાર પાસે બેથી ત્રણ મહિનાનો સમય માંગવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજકોટ ખાતે બનેલી અગ્નિકાંડની ઘટના બાદ તાત્કાલિક ધોરણે સરકાર જાગી છે અને માત્ર એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા છેલ્લા એક વર્ષથી પાસિંગ પ્રક્રિયા માટેની રજૂઆતો કરવામાં આવતી હતી.

રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહિના સુધીનો પાસિંગ માટેનો સમય આપવામાં આવે, જેથી તમામ સ્કૂલ વાન અને રિક્ષાના ચાલકો દ્વારા તેમના વાહનોને પાસિંગ કરાવી શકાય. જો સરકાર દ્વારા સમય આપવામાં નથી આવતો તો મંગળવારથી અમે કામથી અળગા રહીશું અને એક પણ સ્કૂલ વર્ધી વાન કે રિક્ષા નહીં ચાલે.
સ્કૂલ વાન અને રિક્ષાઓમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલન અંગે ૧૮ જૂનથી ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવનાર છે.

જો કોઈપણ નિયમોનું પાલન નહીં કરેલું હોય તો સ્કૂલવાન કે રિક્ષાના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં લગભગ અનેક વાન અને રિક્ષા પાસિંગ પ્રક્રિયા વાળી નથી. જેના કારણે હવે એસોસિએશન દ્વારા સમય માંગવામાં આવ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.