Western Times News

Gujarati News

મા-બાપ છોકરીને પોતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરતા રોકી ન શકેઃ હાઈકોર્ટ

કોર્ટે પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકારને સમર્થન આપ્યું

કોચ્ચી, કેરળ હાઈકોર્ટે પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન સંબંધિત મામલામાં સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટનું કહેવું છે કે માતા-પિતાનો પ્રેમ બાળકને તેની પસંદગીનો જીવનસાથી પસંદ કરતા રોકી શકે નહીં. તેમજ કોર્ટે યુવતીને તેના પિતાની કસ્ટડીમાંથી બહાર લાવવાની સૂચના આપી છે. અરજદાર યુવક અન્ય ધર્મનો હોવાથી પિતાને સંબંધ સામે વાંધો હતો.હાઈકોર્ટે મહિલાને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકારને સમર્થન આપ્યું છે.

આ કેસની સુનાવણી જસ્ટિસ રાજા વિજયરાઘવન વી અને જસ્ટિસ પીએમ મનોજની ડિવિઝન બેંચ કરી રહી હતી. અરજદાર જર્મનીમાં માસ્ટર ડિગ્રીનો વિદ્યાર્થી છે. તેનો દાવો છે કે તે પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે કામ કરતી એક મહિલા સાથે સંબંધમાં હતો. બાર અને બેંચના અહેવાલ મુજબ, અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહિલાના પિતાને તેના અલગ ધર્મ હોવાના કારણે વાંધો હતો, ત્યારબાદ તેને કસ્ટડીમાં રાખવામાં આવી હતી.

ખાસ વાત એ છે કે કોર્ટે યુવતી, તેના પિતા અને અરજીકર્તા સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી અને માહિતી મેળવી હતી. રિપોર્ટ અનુસાર, ચર્ચા દરમિયાન ૨૭ વર્ષની યુવતીએ જણાવ્યું કે તેના પિતાએ તેને તેની મરજી વિરુદ્ધ રાખી હતી. તેણે અરજદાર સાથે રહેવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. આ દરમિયાન કોર્ટે શફીન જહાં વિરુદ્ધ અશોકન કેએમ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો.

કોર્ટે વધુમાં કહ્યું કે જ્યાં સુધી તે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરતું નથી ત્યાં સુધી વ્યક્તિની પસંદગીનું સન્માન કરવું જોઈએ. બેન્ચે કહ્યું હતું કે, ‘માતા-પિતાનો પ્રેમ અથવા ચિંતા પુખ્ત છોકરીના તેની પસંદગીના પુરુષને પસંદ કરવાના અધિકારને અવરોધે તેવી મંજૂરી આપી શકાય નહીં.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.