Western Times News

Gujarati News

બીજી જિંદગીમાં પતિ થવાનું નસીબમાં ન લખાય એવી જ માગણી કરવી પડે. કારણ કહું ?

પ્રતિકાત્મક

પત્નીની માંગણીઓ ! *-સવારે સાતના ટકોરા અને એક મોટું બગાસું. ચાનો કપ ધરતાં તો પત્નીના મુખ કમળમાંથી ભમરા છૂટે તેવા શબ્દો કાને પડ્યા ઃ ‘જો, જો ભૂલતા. આજે છાપામાં છે !’ બાઘાની માફક, ‘શું ?’ એમ અમે પૂછ્યું. ત્યાં તો ‘એલાગ્રાઉન્ડ સેઈલ – એકસો પચીસની ફકત નવ્વાણુંમાં, પંચોતરની પિસ્તાળીસમાં…’

‘બસ, બસ, સમજી ગયો!’ ‘ના, એમ સમજવાનું નથી, આજની રજા નકામી જવા ના દેવાય. ચારથી છ દવાખાનામાં મારી બહેનની ભાણીને જોવા જવાનું છે અને ત્યાંથી સીધા સાડાછના શોમાં અને તેને માટે એડવાન્સ બુકિંગ દસથી બારમાં છે એ પાછું ભૂલતા નહીં. કેમકે, વીલે મોઢે પાછા આવવાનું મને પસંદ નથી. અને હા, રાત્રે છૂટ્યા પછી નાસ્તો કરી લઈશું એટલે ચાલશે. મોડી રાત્રે કોણ રસોઈ કરે ?’

મારો ચાનો સ્વાદ બગડી ગયો, પણ પત્નીની વાક્‌ધારા અટકી નહીં. બીજી રૂમમાં આંટો મારીને તરત પાછું શરૂ કર્યું ઃ ‘જલદી નાહી લેજો, કામવાળી આજે નથી આવવાની, એટલે કપડાં પણ પલાળશો નહીં અને આ મારું મેચિંગનું બ્લાઉઝ છે તેને ઈસ્ત્રી કરી નાખજો. એટલી વારમાં હું રસોઈ કરી નાખીશ.’ મારે હા કે ના કહેવાનો કોઈ પ્રશ્ન જ નહોતો, કેમકે આ પ્રકારના હુકમો અને માગણીઓથી ટેવાઈ ગયેલો છું, રીઢો થઈ ગયેલો છું.

એક દાયકાના અમારા દામ્પત્યજીવનમાં અનેક તડકી-છાંયડી જોઈ અને ‘હક હોય ત્યાં ફરજો પણ આવે જ’ એ ન્યાયે અમે ઘણી વખત બે હાથમાં ચોપડી પકડીને વાંચતાં વાંચતાં પગના અંગૂઠાથી ઘોડિયું હિંચોળેલું, છોકરાંને નવડાવી-ધોવડાવી કપડાં પહેરાવવામાં મદદ કરેલી, બહાર નીકળીએ ત્યારે છ મહિનાનું હોય છે છ વરસનું પણ છોકરાને ઉપાડવાનો લહાવો તો અમે જ લીધેલો અને રાત્રે મોડા-વહેલા આવીએ ત્યારે ખોળંખોળા કરીને જાતે જ પેટ ભરી લીધેલું, પણ કોઈ દિવસ પત્નીને ઉંઘમાં ખલેલ પડવા દીધેલી નહીં.

પણ હવે હવા બદલાઈ છે. દોસ્તો ! જમાનો એટલો આગળ વધી ગયો છે કે, ક્યારેક તો થાય છે કે જો અરજી કરી શકાતી હોય તો બીજી જિંદગીમાં પતિ થવાનું નસીબમાં ન લખાય એવી જ માગણી કરવી પડે. કારણ કહું ? પરણ્યા ત્યારે ભરણપોષણની જવાબદારી તો લીધેલી જ, પણ પછી એકના અનેક થયા એટલે મૂંઝવણ વધી. તોય વાંધો નહીં, પણ જેમ ઉંમર વધી, સંખ્યા વધી, તેમ પત્નીની મહત્ત્વાકાંક્ષાઓ પણ બેસુમાર બની.

એક દિવસ કહે ઃ ‘તમારો મિત્ર પરદેશ રહે છે ત્યાંથી બાબાસૂટ મંગાવો અને સાડીઓ તો પરદેશની જ.’ અમે એ કરી છૂટ્યા. જેમ જેમ ફાવટ આવતી ગઈ તેમ તેમ પત્નીએ રૂઆબભેર આગળ વધવા માંડ્યું. ‘જુઓ, આપણા પ્રજ્ઞેશને સૌથી સારામાં સારી અંગ્રેજીની નિશાળમાં મૂકવાનો છે.’ લાચારી, અપમાન બધું ગળી જઈને અમે એ પણ કરી આપ્યું. અમે નોકરીમાંથી છૂટીએ પાંચ વાગે અને છોકરો છૂટે સાડા પાંચે.

અમારે સાઈકલ ઉપર બેસાડી એને ઘેર લઈ આવવાનો, કામવાળાની જેમ નિશાળ બહાર બેસી રહેવાનું, એની પેટી સાઈકલ પાછળ ભરાવવાની અને ઘેર પહોંચીએ ત્યારે પત્ની પહેલાં બોલાવે બાબાને અમે તો આવ્યા તોય શું ને ન આવ્યા તોય શું ?

દર અઠવાડિયે પત્નીના પિતાના ઘેર, એટલે અમારા સસરાજીને ત્યાં એની પાછળ પાછળ અમારે જવાનું. પૈસો, સત્તા બધાના દબદબાનો ઢીલે મોઢે જાત અનુભવ મેળવવાનો. પાછા ફરતાં રિક્ષાના પૈસા જાહેરમાં કહીને આપે, પણ પછી અઠવાડિયા સુધી ચાલવાની છૂટી ગયેલી આદત માટે અમારા ખિસ્સાને દંડ ભરવો પડે.

દિવાળી, શ્રાવણી જેવાં પર્વો આવે એટલે એક એક વસ્તુ પત્નીને ભેટ મળે, પણ એની માગણી હોય ફ્રીઝની, એરકન્ડિશનરની અને સ્કૂટરની એટલે અમે મનમાં કોચાવાયા કરીએ. દેવું કરવાનો વિચાર કરેલો, પણ તેમાં સસરા સુદ્ધાં કોઈએ કોઠું આપેલું નહી. એટલે એ બધી માગણીઓ તો અમારા મન આગળ ભૂતાવળની જેમ કૂદાકૂદ કરતી આજ સુધી ઉભી રહી છે. વાત આટલેથી અટકી નહીં.

છોકરો મેટ્રિકમાં આવ્યો એટલે મારી પત્નીના ઉપજાઉ ભેજામાં તુક્કો સૂઝ્યો. મને કહે ઃ ‘જૂઓ, આ વખતે આખા બોર્ડમાં પહેલે નંબરે આવવો જોઈએ. મેં ઢીલા થઈને કહ્યું ઃ ‘ભલે આવે, પણ એમાં મારે શું કરવાનું?” ‘કેમ, શું કરવાનું ? ગઈ સાલ ફલાણાનો, ફલાણાનો એમ બે ચાર નામ દીધાં અને ભારપૂર્વક કહ્યું ઃ ‘કેમ ના આવે? ગમે તે કરો. કોકનો આવે તો મારો કેમ નહીં ?’

એનું શિક્ષણ ‘ઢ’ સુધીનું એટલે મેં એની માગણી સ્વીકારવાનું માંડી વાળ્યું, પણ સંતોષવાનું તો બીજા અવતાર માટે બાકી રાખ્યું. છેલ્લા બે વરસથી એને એક બીજું ભૂત વળગ્યું છે. તે છોકરાનો બર્થ ડે ઉજવ્યા કરે છે. ખર્ચમાં હું ધોવાતો જાઉં છું

અને એની ઉજવણીનો ભપકો વધતો જાય છે. મારી દશા થઈ છે ઃ ના કહેવાય, ના સહેવાય. સાઈકલ વેચી, પેટે પાટા બાંધી સ્કૂટર લીધું. એનો ફરવાનો શોખ કુટુંબ સાથે- એટલે સાઈડકાર પણ લીધી. હવે એય ઓછું પડે છે. મધ્યયુગના બળદગાડા જેવું વાહન લાગે છે. હવે એની માગણી છે ફિયાટ કે એમ્બેસેડરની. પાંત્રીસ રૂપિયાના ભાડામાં, પરણ્યાનાં પહેલાં સોનેરી વર્ષો પૂરાં કર્યાં પછી એની માંગણી છે ઃ એકાદ ફલેટ તો જોઈએ. પાછો એમાં ટેરેસ ગાર્ડન કરવાનો એટલે આપણે સૌથી ઉપરનો જ લેવો પડે. ભલેને ગમે તેટલા પૈસા થાય. મેં મનમાં કહેલું ઃ ‘હા, આપણા બાપનું શું જાય છે ! આજે હું અને એ કાગડોળે રાહ જોઈ રહ્યાં છીએ કે ટેરેસ ગાર્ડનવાળો ફલેટ ક્યારે ખરીદીએ? એને તો દિવસ અને રાત આરામથી જાય છે, પણ મારી તો ઉંઘ બગડી ગઈ છે.

અનેક ચાતુર્માસની કથાઓ સાંભળી મેળવેલા પુણ્યના બદલામાં એની માગણીથી ભગવાને એક દીકરા પછી દીકરી ભેટ આપેલી. હવે એને માટે વર ને ઘર શોધવાના વટહુકમો બેસતાં, ઉઠતાં, ખાતાં, પીતાં મને મળતા જ રહે છે. છોકરો સુંદર, ઉંચો, ભણેલો, હજાર-બારસો કમાય એવો, બંગલાવાળો, ફોરેન રિટર્ન અને બીજું શું શું નહીં ? મને થાય છે કે હું એવો શોધી શકીશ કે કેમ ? એની માગણીની માત્રા વધતી જાય છે.

થોડા વર્ષોમાં એણે ચાલાકીથી મિત્રવર્તુળ ઉભું કરેલું. બીજાનું જુએ, સાંભળે એટલે મારી પત્નીની પણ ચસકે, રેડિયો કાઢો, રેડિયોગ્રામ લાવો; નેતરના સોફા ન ચાલે, ફોમગાદી ને દિવાન જોઈએ. સ્ટવમાંથી ગેસ ને ગેસમાંથી ઈલેકટ્રીક સગડી; દીવાલો પર ચૂનો નહી પણ પ્લાસ્ટિક કલર; બેસતા વર્ષે મહેમાનોને તલ-સાકર નહીં પણ કાજુ-દ્રાક્ષ- એમ અનેક પરિવર્તનો માટેની જોરદાર માગણીઓ શ્રાવણ મહિનાના અનરાધાર વરસાદની જેમ વરસતી જ રહી છે અને મારે માથે હવે ટાલ પડવા માંડી છે.

એક દિવસ આવી મને મીઠાશથી કહે ઃ ‘ડિયર, મારે સપ્રમાણ અને ઘાટીલા શરીર માટેના ઈલાજો તાત્કાલિક કરવાના છે અને પછી, પેલી હેરસ્ટાઈલની સઘન તાલીમ તો લેવી જ પડશે. અમારી બે મંડળીઓમાં આજીવન સભ્ય થવાના દરેકના એકસોએક ભરવાના છે અને આ બધું તમે ઉતાવળથી ક્યારે પતાવી દેશો?’ આ માગણીઓ વિષે હું વિચાર કરતો હતો ત્યાં બીજા અડતાળીસ કલાકમાં એક ઝાપટું આવ્યુંજ.

‘હું હવે સિનેમાથી કંટાળી નથી, પણ ધરાઈ ગઈ છું, એટલે નવાં નાટકોમાં આપણે જવું જ જોઈએ.’ કોઈનું પણ ભાષણ હોય અથવા કોઈ પણ પ્રકારનું પ્રદર્શન હોય ત્યારે અચૂક હાજર રહેવાની એની માગણી ઉભી જ હોય. મારી તબિયત ગમે તેવી હોય પણ મારે યંત્રની માફક કામ આપ્યે જ છૂટકો. પણ હું અનુભવથી જોઈ શક્યો છું કે એમાં પત્નીનો રસ તો જાતપ્રદર્શનનો અને બીજાને જોવાનો. બાકી નાટક કે પ્રદર્શનમાં તો કેટલી ગતાગમ પડે એ તો હું જ જાણું ને ભલા ?

બનીઠનીને રોફ મારી ખાવો એ જ એના જીવનનું સૂત્ર છે. એય જોખમ વહોરીને પણ જાહેરમાં કહું છું. કારણ, એની માગણીઓ ખુદ ભગવાન પણ પૂરી ન કરી શકે એટલી હદે વધતી જાય છે અને સાથે એવી માગણીઓ એને એકલીને જ સ્પર્શતી નથી પણ મને ભેગી લપેટતી જાય છે.

ઉંમર વધવાની સાથે એનો ભક્તિભાવ પણ વધતો જાય છે. કથાવાર્તા, સપ્તાહ, દાન, પુણ્ય અને સીધાં આપવાનું તો વગરબોલ્યે મારે મંજૂર કરવું જ પડે છે અને હવે વાત આવીને અટકી છે ચાર ધામની યાત્રાના પૈસા ભરવાની. કેમકે, બદરીનાથની જાત્રા કર્યા સિવાય મરાય પણ શી રીતે ? મને તો થાય છે કે, આવી પત્નીઓને શી રીતે ઠેકાણે લાવી શકાય ?

તમારું નસીબ હોય તો રામબાણ નીવડે તેવા કેટલાક ઈલાજો ખાનગીમાં સૂચવું છું. અજમાવી જોશો. એક કાને સાંભળવું, બીજા કાને જવા દેવું. પત્નીનો ગુસ્સો વધે તેમ આપણે ઝીરો બિંદુથી નીચે ઉતરી ઠરીને ઠીકરું થઈ જવું. ડોકમાં મિજાગરાં વર્ટિકલ રાખવાં, જેથી તે માગણીના ઝપાટામાંથી બચાય. સસરાની એની પુત્રી ન જાણે તે રીતે, મીઠી ખુશામત કરતા રહેવું અને સાસુજી પાસે લાડકો દીકરો બનીને ગુપ્તદાનનું મહત્વ સમજાવવું.

નોકરીમાં વધારે સમય ગાળી પત્નીના ઝપાટામાંથી દૂર રહેવા મથવું તો કંઈક બચી શકાય અને આમાંનું કશું જ ન થઈ શકે અથવા બધાં હથિયારો નિષ્ફળ જાય, તો છેવટે હિમાલયની ગોદમાં અજ્ઞાતવાસ સેવવાથી તો જરૂર બચી જવાશે. પણ, એ માર્ગ તો કોઈ વીરલો જ અપનાવશે. એટલે પત્નીઓને કોઈ ભયનું કારણ નથી. મારી પત્નીને તો બિલકુલ જ નહીં. કારણ એ પગલું ભરવામાં મારી અશક્તિનો સહર્ષ અને સગર્વ જાહેરમાં એકરાર કરું છું.

મારે માટે તો દેવામાંથી છુટાય, અપલક્ષણોથી બચી જવાય, ગુલામીમાંથી છુટાય, પણ મારી પત્નીની માગણીઓમાંથી કોણ બચાવે ? મને તો લાગે છે કે પત્ની નામનું મનુષ્યપ્રાણી બનાવીને ખુદ ભગવાન પણ બચી શકયો નથી. સીતાએ હરણની કાંચળી માગી અને મોટું રામાયણ સર્જાયું; પાર્વતીએ છોકરાને સજીવ કરવાની માગણી કરી, એમાંથી ગણપતિનું સર્જન થયું અને વગર મોતે હાથી મૂઓ.

પણ મારી પત્નીની માગણીઓ તો વણસંતોષાયેલી રાત-દિવસ ઉઘરાણી કરતા લેણિયાતની જેમ ઉભેલી જ છે. સ્કૂટર ઉપર મારું પેટ પકડીને બેસવાની, સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાની, સેંથીમાં થયેલા સફેદ પટ્ટાને કાયમને માટે કાળો કરવાની અને આગળ પડતા દાંતને લોખંડના તારથી એકકતાર કરી દેવાની વગેરે વગેરે. થાય છે કે હવે કોણ બચાવે ? ‘નવચેતન’, નવે.-ડિસેમ્બર, દિવાળી અંક, ૧૯૭૭


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.