Western Times News

Gujarati News

મોટાભાગના લોકો બુદ્ધિને ફ્‌ક્ત રોટલા માટે, પેટ માટે, પોતાના ભોગ-વિલાસ માટે જ વાપરે છે

કેવી બુદ્ધિ પ્રભુને ગમે ? પ્રભુના નજીકનું તત્ત્વ બુદ્ધિ, તેથી ભૃગુટીમાં પૂજાય, શાશન સ્વીકારે ઈશ્વરનું, તો સર્વાંગીણ વિકાસ થાય 

બુદ્ધિ એ પ્રભુની આપેલી મોટામાં મોટી દેણ છે. પ્રભુના નજદીકનું તત્ત્વ છે. તેથી ભૃગુટીમાં તીલક અને ચાંદલો કરીને આપણે બુદ્ધિની પૂજા કરીએ છીએ. કામનાઓ કરવી અને ર્નિણય કરવા તે બુદ્ધિનું કામ છે. મારું જીવન વાસનાના હાથમાં કે વસુદેવના હાથમાં લોકતંત્ર કે પ્રભુતંત્ર છે તે જોવાનું, ર્નિણય લેવાનું કામ બુદ્ધિનું છે. માટે બુદ્ધિને સતત વેદ, ઉપનીષદ, ગીતાના સ્વાધ્યાયની જરૂર છે. તેનાથી જ બુદ્ધિ પુષ્ટ અને શક્તિશાળી બની શકે અને જીવનમાં આવતી ગહન જટીલ સમસ્યાઓમાં ત્વરીત ઈશમાન્ય ર્નિણયો લઈ શકે. સમાજમાં ત્રણ વર્ગો હોય છે ઃ (૧) બુદ્ધિજીવી (૨) બુદ્ધિવાદી (૩) બુદ્ધિનિષ્ઠ.

આજે મોટા ભાગનો વર્ગ બુદ્ધિજીવી છે. આ વર્ગ બુદ્ધિને ફ્‌ક્ત રોટલા માટે, પેટ માટે, પોતાના ભોગો માટે જ વાપરે છે. આજની શિક્ષણ સંસ્થાઓમાં પણ તે જ જીવીકાનું શિક્ષણ આપવામાં આવે છે. જીવનનું શિક્ષણ આપવામાં આવતું નથી. ભણવાનું શા માટે ? તો ડીગ્રી લેવા માટે. તેનાથી સરકારી નોકરી મળે અને તે નોકરીમાં ઓછું કામ અને વધુ દામ આ નીતી છે.

બુદ્ધિજીવી આજે સંગઠન કરી, યુનિયન કરી સમાજ પાસેથી, સરકાર પાસેથી વધુમાં વધુ લેવું અને ઓછામાં ઓછું સમાજને આપવું તેવું ઇચ્છે છે. વિદ્યા-બુદ્ધિએ બૌદ્ધિક લૂંટારાનું જ કામ કર્યું છે. વિદ્યા તેને કહેવાય, સાક્ષર તેને કહેવાય જે સમાજ પાસેથી ઓછામાં ઓછું લે અને વધુમાં વધુ સમાજને આપે. કમનસીબે તેવું થયું નથી. દાખલા તરીકે બેન્કમાં પાંચ કલાક કામ કરનારને મહિને પંદર હજાર પગાર, બોનસ, સગવડો મળે છે.

ભ્રષ્ટાચાર તો જુદા. તેટલું જ ભણેલ અને દશ કલાક કામ કરનાર, પેઢીના મુનીમને મહિને પાંચ હજાર પગાર મળે. માલિકીમાં કામ દશ કલાક, ડબલ સમય તો પણ દશ હજાર ઓછા મળે છે. આ ફરક કેમ થયો. તેનું કારણ સરકારી, સહકારી ક્ષેત્રોમાં બૌદ્ધિક યુનિયનો થયાં. જે હડતાલ, ગોસ્લો, પેકેટીંગના માર્ગો લઈ વિરોધો કરી નાક, મોઢું દબાવી પગાર વધારો કરાવ્યો. લોકશાહીમાં કાયદા જ લુલા છે.

નોકરીમાંથી કોઈને કાઢી ન મુકાય. તેમને સ્વાતંત્ર્ય અને સંરક્ષણ બન્ને હક્કો આપ્યા છે જેના કારણે બેદરકારીનો, બેજવાબદારીનો જ જન્મ થયો. આવો વર્ગ પોતાના માટે, રોટલા માટે, પેટના માટે, જીવીકા માટે જ બુદ્ધિને વાપરે તેને બુદ્ધિજીવી કહેવાય.

બીજો વર્ગ છે બુદ્ધિવાદી – આ વર્ગને સમાજનું, રાષ્ટ્રનું કે પ્રભુનું કે સંસ્કૃતિનું કશું જ કામ કરવું નથી. ખાલી વાદ-વિવાદ જ કરતો હોય છે. કોઈપણ વિષયમાં તે દોષો જ જોતો હોય અને તેની ચર્ચા કરતો હોય.

આ ખોટું છે, તે ખરાબ છે. બધું જ નકામું છે. ત્યારે કહેવાનું મન થાય કે તું જ નકામો છે, જગ બગડ્‌યું છે, જગ બગડ્‌યું છે કહેનારા છે લાખો, બગડેલાને સુંદર કરવા કોઈ વીર તો જાગો. આવા લોકોને આપણે કહીએ તમે આ ખોટું તે ખોટું તેમ જાણો છો તો ચાલો તેને માટે આપણે ભેગા મળીને કોઈ ઉપાય કરીએ. તો તરત જવાબ આપશે કે કશું સુધરે તેમ નથી. દરિયામાં એક ગુણ સાકર આપણી નાખવાથી કંઈ દરિયો ગળ્યો ન થાય. આપણી સાકરની ગુણ નકામી જાય તેમ કહીને છૂટી જાય. કોઈ કાર્યમાં ઊભો ન થાય. આ વર્ગ બુદ્ધિવાદી છે. તેની બુદ્ધિનો ઉપયોગ સર્જનમાં ન કરતાં વાદ-વિવાદમાં જ કરે છે.

હવે ત્રીજો વર્ગ છે બુદ્ધિનિષ્ઠ. આ વર્ગ પ્રામાણિક છે. તેની બુદ્ધિમાં ઊતરે તો તે જીવનમાં લાવવા અને બીજાના જીવનમાં લઈ જવા ઉત્સુક હોય છે. ધારોકે તેની બુદ્ધિમાં કુટુંબપ્રાર્થના એક સારો સંસ્કાર છે. તો તે સંસ્કારને પોતાના ઘરમાં ઊભો કરવા તૈયાર થાય અને બીજાના ઘરોમાં લઈ જવા પણ તૈયારી બતાવે તે રીતનાં કામોમાં તેને પોતાને આનંદ આવે. કામ જ આનંદરૂપ બને.

વૈદિક મૂર્તિપૂજા, ચિત્ત એકાગ્રતા પોતાને સમજાય તો તે અમલમાં મૂકે ને તે જ સંસ્કાર સમાજમાં લઈ જવા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે. તેની બુદ્ધિને પ્રભુનો સ્પર્શ મળે, બુદ્ધિ શક્તિશાળી બને અને તેવી કૃતિ ભક્તિથી શીલ ઘડાતું જાય. માણસો શીલવાન બનતા જાય અને તેવા બુદ્ધિનિષ્ઠ લોકો જ પ્રભુને ગમતા થાય. આવું એક ચરિત્ર વિદુરનું છે. વિદુર એક દુષ્ટ રાજવી દુર્યોધનના રાજ્યના ગૃહમંત્રી તરીકે હતા. દુર્યોધનને પાંડવો આંખમાં કણાની જેમ ખૂંચતા હતા.

તેમનો સદાને માટે નાશ કરવા તેણે કાવતરું ઘડ્‌યું કે પાંડવોને વારણાવ્રતમાં મોકલવા. ત્યાં રહેવા માટે તેમને માટે લાખાભુવન બનાવરાવ્યું. આ ભુવનમાં પાંડવો સળગી જાય, બળી જાય. આ ષડયંત્રને દક્ષ એવા ભક્ત વિદુરજી સમજી ગયા. તે ગૃહમંત્રી હતા એટલે આ કામ તેમના મારફત જ થવાનું હતું. તો તે ષડયંત્રને નાકામયાબ બનાવવા માટે તેમણે તે ભુવનમાંથી પાંડવોને બચાવવા એક ગુપ્ત ભોંયરું બનાવરાવ્યું.

તે આખું ભોંયરું તૈયાર થયું પણ દુર્યોધનના જાસુસોને આ વિદુરની યોજનાની ગંધ સરખી પણ ન આવી. રાજ્યને પણ આની કોઈ જ માહિતી મળી ન શકી અને પાંડવો લાખાભુવન સળગે ત્યારે ભોંયરા માર્ગે પાંચ માઈલ દૂર સલામત રીતે નીકળી જાય તેવી વ્યવસ્થા રાજ્યથી છુપી રીતે કરી. કેમ ? તો સંસ્કૃતિના રક્ષકોને, ધર્મના રક્ષકોને બચાવવા માટે, આનું નામ દક્ષ ભક્ત કહેવાય.

બુદ્ધિનિષ્ઠ કહેવાય. બધુ ભગવાન કરશે, આપણાથી કશું થાય નહિ તેવી રીતની પલાયનવાદી, નિરાશાવાદી. અકર્મણ્યવાદી વિચારધારા ભક્તમાં અને ભક્તિમાં ન ચાલે. પ્રભુએ આપેલી બુદ્ધિને ફક્ત પોતાના માટે, રોટલા માટે, વાદ-વિવાદ માટે જ ન વાપરતાં બુદ્ધિનિષ્ઠ બનીને સંસ્કૃતિ માટે, પ્રભુ માટે, ધર્મ માટે વાપરશો તો તેવી બુદ્ધિ પ્રભુને જરૂર ગમશે.

કાના રે…
(રાગ ઃ બંસીના સૂર મારા ઉરમાં સમાય)
કાના રે… ગીતા શબ્દો સૂર બની હૃદય પર છવાય,
આનંદ આનંદની ત્યાં ઝલક દેખાય.
વાણી ના પહોંચે જ્યાં બુદ્ધિ ગોથાં ખાય,
આનંદ આનંદની ત્યાં ઝલક દેખાય.
(૧) સૃષ્ટિના ઉત્પાદક તુજને, કેવી રીતે હું જાણું… કેવી (૨)
જીવ જગતનું, કારણ ઉપાદાન, તું પોતે જ ગણાયે… તું (૨)
કાના રે… હું તુ ના ત્યાં ભેદ ન રહેતાં વૃત્તિ અટકી જાય.
આનંદ આનંદની ત્યાં ઝલક દેખાય
(૨) સર્વગુણ સંપન્ન, સર્વ શક્તિમાન, તું પોતે જ ગણાયે… તું (૨)
હું જીવાત્મા, છું અલ્પજ્ઞ, જોડ કેવી રીતે જામે જોડ… (૨)
કાના રે… જેમ કનકથી કુંડળ દુર નહિ તે યુક્તિથી સમજાય
આનંદ આનંદની ત્યાં ઝલક દેખાય.
(૩) તારો મારો સંબંધ પુરાણો, ભાવ ભર્યો સચવાયે… ભાવ (૨)
તું ને હુંનો ભેદ રાખીને, મંગલગીતો ગવાયે… મંગલ (૨)
કાના રે… અદ્વૈતે આનંદો-દ્વૈતે મધુર મિલન જણાય.
આનંદ આનંદની ત્યાં ઝલક દેખાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.