Western Times News

Gujarati News

ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી બાળકોને દૂર રાખવા માટે સમર કેમ્પ જેવાં આયોજનો જરૂરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત ‘સમર કેમ્પ ૨૦૨૪’નું સમાપન સત્ર યોજાયું

– શિક્ષિત અને કૌશલ્યવાન બાળકોથી જ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે.

– વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના પોલીસ લાઇનમાં સાકાર થાય છે.

– શિક્ષણની સાથોસાથ બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત પણ આવશ્યક છે.

અમદાવાદ શહેરની વિવિધ ૧૫ પોલીસ લાઈનમાં સમર કેમ્પનું આયોજન કરાયું, જેમાં ૬૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજિત ‘સમર કેમ્પ ૨૦૨૪’નું સમાપન સત્ર યોજાયું હતું. અમદાવાદના શેલામાં સ્થિત ઔડા ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ હળવા અંદાજમાં સંબોધન કરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં બાળકોને ટીવી, મોબાઈલ સહિતનાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી દૂર રાખવા એ વાલીઓ માટે ખૂબ મોટો પડકાર બની ગયો છે.

તેવામાં સમર કેમ્પ જેવાં આયોજન થકી બાળકો ગેજેટ્સથી દૂર રહી રચનાત્મક પ્રવૃત્તિમાં જોડાયાં, એ આનંદની બાબત છે. બાળકો માટે આવાં જરૂરી છે. શિક્ષણની સાથોસાથ બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત-ગમત પણ આવશ્યક છે, એવું તેમણે ઉમેર્યું હતું.

સમર કેમ્પના આયોજકોને અભિનંદન પાઠવીને મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના પોલીસ લાઈનમાં સાકાર થાય છે. જ્યાં વિવિધ પ્રદેશ અને સમુદાયમાંથી આવતા પોલીસ જવાનોના પરિવારો હળીમળીને રહે છે. બાળકો એકબીજાની વધુ નજીક લાવવા અને પરિવાર ભાવનાને મજબૂત કરવાનું સબળ માધ્યમ છે. શિક્ષિત અને કૌશલ્યવાન બાળકોથી જ વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમર કેમ્પ થકી બાળકોમાં નવી ચેતનાનો સંચાર થયો છે. આવા કેમ્પ થકી બાળકોમાં વધુને વધુ રચનાત્મકતા ખીલશે. આ આયોજન બદલ તેમને પોલીસ કમિશનર સહિત સમગ્ર પોલીસ વિભાગને બિરદાવ્યો હતો અને આગામી સમયમાં સરકાર પોલીસ લાઈનમાં રહેતી મહિલામાં ઉદ્યોગ સાહસિકતા અને કૌશલ્યવર્ધન માટે તાલીમનું આયોજન કરાશે, તેવી વાત તેમણે કરી હતી.

આ અવસરે સ્વાગત પ્રવચન કરતા શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, આ સમર કેમ્પથી બાળકોમાં કળા – કૌશલ્યનો વિકાસ થયો છે. જેની ખુશી બાળકો અને તેમના વાલીઓના ચહેરા પર જોવા મળી રહી છે. આ ઉપરાંત ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં ગુનાખોરીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. જેનો શ્રેય તેમણે અમદાવાદના તમામ પોલીસ અધિકારી – કર્મચારીઓને આપ્યો હતો.

કેમ્પ વિશે પ્રતિભાવ આપતા ઓઢવ પોલીસ લાઇનની વિદ્યાર્થિની માહી મોરીએ કહ્યું કે, અમને સમર કેમ્પમાં ખૂબ મજા આવી. બાળકીએ કાલીઘેલી ભાષામાં સમર કેમ્પ દર વર્ષે યોજવા અપીલ પણ કરી હતી.

એક વાલી અલકાબહેન ત્રિવેદીએ જણાવ્યું કે, શિક્ષણની સાથે કૌશલ્ય વિકાસ પણ ખૂબ જરૂરી છે. સમગ્ર સમર કેમ્પમાં પોલીસ વિભાગે બાળકોનું વિશેષ ધ્યાન રાખ્યું. આ આયોજનથી બાળકોમાં અનેક સુટેવો વિકસી છે.

ઉલ્લેખનીય છે કે, ૧૬/૦૫/૨૦૨૪ના રોજ પહેલો સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેરની વિવિધ ૧૫ પોલીસ લાઈનમાં સમર કેમ્પનું આયોજન થયું હતું. જેમાં ૬૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. સમર કેમ્પમાં સેલ્ફ ડિફેન્સ, માર્શલ આર્ટ, ડ્રોઈંગ, પેપર ક્રાફટ, પેઇન્ટિંગ, સંગીત, નૃત્ય, કેલિગ્રાફી, કમ્પ્યૂટર તાલીમ, યોગ સહિતની તાલીમો અને સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

આજના સમાપન સત્રમાં અમદાવાદના સાંસદ શ્રી હસમુખ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, વિશેષ શાખાના ખાસ પોલીસ કમિશનર શ્રી અજય ચૌધરી ધારાસભ્ય સર્વશ્રીઓ અમિત શાહ, જીતુભાઈ પટેલ, કૌશિક જૈન તથા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.