Western Times News

Gujarati News

GIDC માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયેલા આક્ષેપો સત્યથી વેગળા

ગાંધીનગર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને સત્યથી વેગળા અને પાયા વિનાના તથા લોકોને ગેરમાર્ગે દોરનારા-ગણાવતા રાજ્ય સરકારના પ્રવક્તા-આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે ગુજરાતના વૈશ્વિક ઔદ્યૌગિક વિકાસમાં જી.આઈ.ડી.સી. મહત્વનું યોગદાન આપી રહી છે.

સમગ્ર રાજ્યમાં અંદાજે ૨૩૯ જેટલા ઔદ્યોગિક વસાહતોમાં ૭૦,૦૦૦થી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવામાં આવી છે. જેના મારફતે ઘરેલું ઉત્પાદન, નિકાસ, રોજગારી, સંશોધન જેવા અનેક હેતુઓ પૂરા થાય છે અને તેના મારફતે રાજય તેમજ રાષ્ટ્રની આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળે છે.

તેમણે જણાવ્યું છે કે જી.આઈ.ડી.સી. સરકાર પાસેથી કે સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવી માળખાકીય સુવિધાઓ ઊભી કરીને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ઉદ્યોગકારોને પોષણક્ષણભાવે જમીન આપે છે. જી.આઈ.ડી.સી. નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી. તેથી તેની સરખામણી પ્રાઈવેટ પાર્ક કે ડેવલપર્સ સાથે કરી શકાય નહીં.

જીઆઇડીસી દ્વારા કોઈ પણ ઔદ્યોગિક વસાહતમાં ૯૦% કે તેથી વધુ પ્લોટોની ફાળવણી ધ્યાને લઇ સંપૂર્ણ વસાહતને સેચ્યુરેટેડ વસાહત જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૧ વસાહતો સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર વસાહતના (ના કે વસાહતના કોઈ અમુક ઝોનના) ઉપલબ્ધ પ્લોટ આધારે જ સમગ્ર વસાહતને એક યુનિટ તરીકે ગણીને જ સેચ્યુરેટેડ વસાહત તરીકે નિયત કરવામાં આવે છે.

દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ તેમ જ એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. સદર ઔદ્યોગિક વસાહતોના કેમિકલ ઝોનમાં ૯૦ ટકા જેટલા પ્લોટો વેચાયા હોવાથી, જી.આઈ.ડી.સી. દ્વારા નિયામક મંડળની ૫૧૮મી સભામાં ફક્ત આ કેમિકલ ઝોનને સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

પરંતુ ત્યારબાદ વિવિધ ઔદ્યોગિક સંગઠનો, ઉદ્યોગકારો તરફથી રજૂઆતો મળી કે સમગ્ર વસાહતના ૯૦ ટકા પ્લોટ વેચાયા હોય તો જ તેને સેચ્યુરેટેડ જાહેર કરી શકાય છે. જી.આઈ.ડી.સી.એ પણ આ સંદર્ભમાં તેની પ્રણાલીને આધીન રહીને ૫૧૯મી બોર્ડ બેઠકમાં સાયખા અને દહેજના સમગ્ર ઔદ્યોગિક વસાહતના ૯૦ ટકા સુધીના પ્લોટોની ફાળવણી થયેલ ન હોય, સમગ્ર સાયખા અને દહેજ ઔદ્યોગિક વસાહતને અનસેચ્યુરેટેડ જાહેર કરી.

ત્યારબાદ આજ સુધી સાયખામાં કોઈ ઉદ્યોગોને જમીનની ફાળવણી કરવામાં આવી નથી. અને તેથી સાયખામાં જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાનો જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક છે.

તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખશ્રીને એ વાતનો ખયાલ જ હશે કે તેમની કોંગ્રેસ સરકારના સમય ગાળામાં હરાજી વગર જ માત્ર નક્કી થયેલ ફાળવણી દરે ફાળવણી કરવામાં આવતી હતી. પરંતુ ભાજપ સરકાર આવ્યા પછી સેચ્યુરેટેડ એસ્ટેટમાં જાહેર હરાજીથી પ્લોટોની ફાળવણી કરવાની પ્રણાલી શરૂ થઈ છે.

પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે, આવેલી જૂની અરજીઓ સાથે વાટાઘાટો અને વહીવટ બાદ ભ્રષ્ટાચાર થયો છે તેવો જે આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યો છે તેને પાયા વિનાનો ગણાવતા ઉમેર્યું છે કે જૂની મંગાવેલ અરજીઓ પૈકી એકપણ અરજદારને આજદિન સુધી પ્લોટ ફાળવવામાં આવ્યો નથી એટલે વાટાઘાટાનો કોઇ પ્રશ્ન જ ઉદ્દભવતો નથી.

સાયખા ખાતે એપ્રિલ ૨૦૨૩થી આજ સુધી કોઈ પ્લોટ ફાળવણી કરવામાં આવેલ નથી, તેથી સરકારને નાણાંકીય નુકશાન પહોચાડ્યું હોવાની રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલી વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી તથા માત્ર ને માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટેનાં હવાતિયાં સમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.