Western Times News

Gujarati News

બહેરામપુરા CETP: Ahmedabad મ્યુનિ. કોર્પોના રૂ.૧૦૦ કરોડ કોણે ડુબાડ્યા

પ્રતિકાત્મક

જીપીસીબીની વિજીલન્સ તપાસમાં પ્રદુષિત પાણી બાયપાસ કરવામાં આવતું હોવાનું પકડાયું: ચર્ચા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાંથી આવેલ ફેકટરીઓમાંથી નીકળતા કેમીકલયુક્ત પ્રદુષિત પાણીને ટ્રીટ કરવા માટે આસ્ફા તરફથી મળેલી દરખાસ્તના પગલે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૩૦ એમએલડી સીઈટીપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશનને શરત મુજબ નાણાં અને જમીન મળ્યા ન હોવાથી ઉચ્ચ અધિકારીઓ પ્લાન્ટ શરૂ કરવાની તરફેણમાં ન હતાં પરંતુ સત્તાધીશોના દબાણવશ સપ્ટેમ્બર- ર૦ર૩માં પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. સદર પ્લાન્ટમાં કેપેસીટી કરતા વધારે પાણી છોડવામાં આવતું હતું. તદઉપરાંત શરત મુજબ ફેકટરી માલિકો દ્વારા ઈટીપી અને ફલો મીટર પણ લગાવવામાં આવ્યા ન હતાં જેના કારણે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી.

જીપીસીબીએ આ મામલે વિજીલન્સ તપાસ સોંપી હતી જેમાં પ્રદુષિત પાણી બાયપાસ કરવામાં આવ્યું હોવાનું પકડાઈ જતા પ્લાન્ટને તાકિદે બંધ કરવામાં આવ્યો છે. સદર પ્લાન્ટ બંધ થતા કામચલાઉ ધોરણે ફેકટરીઓ બંધ થતા કારીગરોની રોજગારીનો પ્રશ્ર ઉદભવ્યો છે. જયારે કોર્પોરેશનના રૂ.૧૦૦ કરતા વધુ રકમ હાલ પુરતી ડુબી ગઈ છે. જેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આસ્ફા ભલામણ બાદ તૈયાર કરવામાં આવેલ ૩૦ એમએલડી સીઈટીપીમાં કોર્પોરેશનને કેન્દ્ર અને રાજય સરકારની ગ્રાંટ મળી ન હોવાથી તે શરૂ કરવામાં આવ્યો ન હતો. પરંતુ મ્યુનિ. સત્તાધીશ પાર્ટીના એક ઉચ્ચ નેતાએ આ મામલે અંગત રસ લીધો હતો તેમજ યેનકેન પ્રકારે પ્લાન્ટ શરૂ કરાવ્યો હતો. સીઈટીપી શરૂ કરતા પહેલા મનપાના અધિકારીઓએ આસ્ફા પાસેથી લેખિત બાંહેધરીઓ લીધી હતી

જેમાં પ્લાન્ટની સામે આપવાની થતી જમીન (પીપળજ સર્વે નં.૩૦), ર૦૧પથી જંત્રી મુજબનો તફાવત કોર્પોરેશનમાં જમા કરાવવો તેમજ ત્રણ મહિનામાં જમીન એન.એ. કરાવી આપવાની હતી આ અંગેનો તમામ ખર્ચ આસ્ફા ભોગવશે તેમ પણ લખવામાં આવ્યું હતું આ ઉપરાંત કેન્દ્ર સરકારની બાકી રહેતી રૂ.૪૪.૧૬ કરોડ અને રાજય સરકારની બાકી રહેતી ગ્રાંટ રૂ.૩૪.૬૧ કરોડ મળી કુલ રૂ.૭૮.૭૭ કરોડની રકમ ફેબ્રુઆરી ર૦ર૪ પહેલા કોર્પોરેશનમાં જમા કરાવવાની હતી.

જો સદર રકમ સરકાર તરફથી ન મળે તો તે રકમ એસોસીએશન ચુકવશે તેમજ તેમાં વિલંબ થાય તો ૧ માર્ચ ર૦ર૪થી ર૮ ફેબ્રુઆરી ર૦રપ સુધી પ્રતિ એમએલડી પ્રતિમાસ રૂ.રર,૮૦,૪૦૦ કેપીટલ રકમ પર કોર્પોરેશનને વ્યાજ આપવાનું રહેશે તે મુજબનો બાંહેધરી પત્ર એસોસીએશન તરફથી કોર્પોરેશનને લખી આપવામાં આવ્યો હતો.

મ્યુનિ. કોર્પોરેશનના પ્રભારી નેતાએ મથામણ કરી શરૂ કરાવેલ સદર સીઈટીપી પ્લાન્ટ શરૂઆતથી જ વિવાદમાં રહયો હતો. પ્લાન્ટની ૩૦ એમએલડીની ક્ષમતા સામે એસોસીએશનની ફેકટરીઓ દ્વારા દૈનિક ૪ર થી ૪પ એમએલડી જેટલુ પ્રદુષિત પાણી પ્લાન્ટમાં છોડવામાં આવતું હતું તેમજ શરત મુજબ ફેકટરી માલિકો દ્વારા ઈટીપીમાં પ્રદુષિત પાણી પ્રોસેસ કરી છોડવામાં આવતુ ન હોવાથી સીઈટીપીના પેરામીટર્સ જળવાતા ન હતાં

તેમજ ફલો મીટર પણ મુકવામાં ન આવ્યા હોવાથી કેટલુ પાણી છોડવામાં આવ્યું છે તેનો કોઈ અંદાજ પણ રહયો ન હતો. આ બાબતે સીઈટીપીના કોન્ટ્રાકટર દ્વારા વાંધો લેવામાં આવતા ડેપ્યુટી કમિશ્નર મિહીર પટેલની ઓફિસમાં ખાસ બેઠક થઈ હતી જેમાં આસ્ફાના નેતાઓએ તમામ શરતોનું પાલન કરવાની બાહેધરી આપી હતી પરંતુ તેઓ તેનું પાલન કરી શકયા ન હતાં

જેના કારણે કોર્પોરેશન દ્વારા સમગ્ર મામલો જીપીસીબીને સોંપવામાં આવ્યો હતો સાથે પેરામીટર્સ, ઈનલેટ, આઉટલેટ વગેરેની વિગતો પણ ઉચ્ચ અધિકારી દ્વારા જીપીસીબીને સોંપવામાં આવી હતી. જીપીસીબીને આ મામલે ગંભીરતા જણાતા તેણે તાકિદે વિજીલન્સ તપાસ સોંપી હતી. વિજીલન્સની અચાનક તપાસ દરમિયાન પ્લાન્ટમાંથી મોટાપાયે પાણી બાયપાસ થતું હોવાનું મળી આવ્યું હતું તેમજ સ્લજને મુકવા માટે કોઈ વ્યવસ્થા પણ ન હતી તેથી જીપીસીબીએ તાકિદે નોટિસ આપી પ્લાન્ટને બંધ કરાવ્યો હતો સાથે સાથે ફેકટરીઓને પણ બંધ કરવા નોટીસો આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીઈટીપીનું આઉટલેટ ડાયરેક નદીમાં ન જતા બાજુમાં આવેલ ૧૮૦ એમએલડી પ્લાન્ટમાં જોઈન્ટ કરવામાં આવ્યું હતું. જેના કારણે ૧૮૦ એમએલડી પ્લાન્ટના પેરામીટર્સ પણ જળવાતા ન હતા. હવે જયારે પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો છે ત્યારે ફેકટરી માલિકો કેટલા દિવસ સુધી વેપાર ધંધા બંધ રાખશે તે મોટો પ્રશ્ન છે તેમજ જો તેઓ ફેકટરીઓ શરૂ કરશે તેવા સંજોગોમાં પ્રદુષિત પાણી ડાયરેક ડ્રેનેજ લાઈનમાં જશે કે કેમ તે બાબત પણ ચર્ચાનો વિષય બની છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.