Western Times News

Gujarati News

બનાસકાંઠામાં 1 વર્ષમાં સાઈબર ફ્રોડના 50 કેસમાં લોકોએ 2 કરોડ ગુમાવ્યા

પાલનપુર, બનાસકાંઠામાં ૧ર માસમાં સાઈબર ગઠિયાઓએ એક જ ક્લિકથી લોકોના બે કરોડ ઉપરાંતની રકમ સેરવી લીધી છે. ઓનલાઈન છેતરપિંડીમાં ભોગ બનતા લોકોએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ કરી છે. તો પોલીસે પણ અપીલ કરી છે કે, સોશિયલ મીડિયાના અને અન્ય માધ્યમથી ઓનલાઈન છેતરપિંડીથી બચવું જોઈએ. જોકે, ડીસાના તબીબ સાથે ઓનલાઈન છેતરપિંડીના આરોપીને સાયબર પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ઓનલાઈન છેતરપિંડી કરનાર ગઠિયાઓ વોટસઅપમાં ફેક ગ્રુપ બનાવીને અને લિંક મોકલતા હોય છે. જે લિંક ડાઉનલોડ કરતા જ તમારા પૈસા આ ગઠિયાઓ સેરવી લે છે. ડીસાના બે તબીબો સાથે પણ ટ્રેડિંગના બહાને રૂ.પ૧.ર૦ લાખની ઠગાઈ થઈ હતી.

જોકે બનાસકાંઠા સાઈબર ક્રાઈમે સુરતના પુના ગામથી બીપીન સભાયાને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પત્રમાં આવેલી લિંક આ તબીબોએ ખોલી હતી અને તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હતા ત્યારે પોલીસે પણ અપીલ કરી છે કે વોટસઅપ ઉપર આવતી કોઈપણ અજાણી લિંકને ખોલવી જોઈએ નહિ. અને કોઈપણ ફાઈલને ડાઉનલોડ ન કરવી જોઈએ.

અત્યારના ડિજિટલ યુગમાં ઓનલાઈન છેતરપિંડી મુદ્દે લોકોને જાગૃત થવા માટે પોલીસે અપીલ કરી છે. આ અંગે અક્ષયરાજ મકવાણા (એસ.પી.બનાસકાંઠા)એ જણાવ્યું હતું કે, છેલ્લા આઠ માસમાં ઓનલાઈન અને સોશિયલ મીડિયાને લગતા પ૦ જેટલા કેસ નોંધાયા છે ત્યારે લોકો વધુ રૂપિયા કમાવવાની લાલચ અને લોભામણી જાહેરાતો, ઓનલાઈન શોપિંગ, ઓનલાઈન નોકરીમાં થતા ફ્રોડથી બચવા પોલીસ અપીલ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.