Western Times News

Gujarati News

આલિયા બની કલમની કસબી, બાળકો માટે પહેલું પુસ્તક લખ્યું

આલિયા લાવશે પિક્ચર બૂકની સિરીઝ

કરિયરના શરૂઆતના તબક્કામાં આલિયા ભટ્ટની કોમન સેન્સ અને જનરલ નોલેજ બાબતે ખૂબ મજાક થતી હતી

મુંબઈ,કરિયરના શરૂઆતના તબક્કામાં આલિયા ભટ્ટની કોમન સેન્સ અને જનરલ નોલેજ બાબતે ખૂબ મજાક થતી હતી. એક્ટિંગ અને લૂક્સમાં પ્રભાવશાળી જણાતી આલિયા સામાન્ય બુદ્ધિમાં પાછળ હોવાનું કહીને ટ્રોલર્સ પણ મચી પડ્યા હતા. જો કે સમય જતાં આલિયાએ પોતાની ચતુરાઈ અને આવડતને સાબિત કરતાં અનેક પુરાવા આપ્યા છે. એક્ટિંગની સાથે બિઝનેસ વેન્ચરમાં ઝંપલાવનારી આલિયાએ હવે લેખિકા તરીકે નવી કેડી કંડારી છે. આલિયાએ બાળકો માટે પહેલું પુસ્તક લખ્યું છે અને તેની ઈચ્છા પિક્ચર બૂકની સિરીઝ રજૂ કરવાની છે.

આલિયાએ રવિવારે બાળકો માટે પોતાની લખેલી પ્રથમ પિક્ચર બૂક લોન્ચ કરી હતી. આલિયાએ કહ્યું હતું કે, તે પુસ્તકોની એક સિરીઝ પર કામ કરી રહી છે. આલિયાએ બાળકો માટે કપડાંની બ્રાન્ડ ‘એડ-એ-મમ્મા’ અંતર્ગત બાળકો માટે પિક્ચર બૂક સિરીઝના પ્રથમ સોપાન ‘એડ ફાઈન્ડ્‌સ એ હોમ’ રજૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ચિલ્ડ્રન વેરની આ બ્રાન્ડની માલિક આલિયા છે. બાળકો માટે કપડાં બાદ હવે પિક્ચર બૂક રિલીઝ કરવાની સાથે આલિયાએ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ શેર કર્યાે છે.

જેમાં આલિયાના હાથમાં પિક્ચર બૂક જોઈ શકાય છે. આલિયાએ કેપ્શનમાં જણાવ્યું હતું કે, એક નવો રોમાંચ શરૂ થઈ રહ્યો છે, એડ ફાઈન્ડ્‌સ એ હોમ અંતર્ગત એડ એ મમ્માની દુનિયામાંથી પુસ્તકોની નવી સિરીઝ શરૂ થઈ છે. આલિયાએ વદુમાં પોતાના બાળપણને યાદ કરતાં જણાવ્યું હતું કે, તે સમય વાર્તાઓ અને વાર્તાકારોથી ભરેલો હતો. મારી અંદર રહેલા બાળકને બહાર લાવવા અને બાળકો માટેના પુસ્તકમાં તેને રજૂ કરવાનું સપનું જોયું હતું. આ સપનું પૂરું કરવા બદલ સાથી વાર્તાકારોનો આભાર માનવો જોઈએ.

તેમણે પોતાના શાનદાર વિચારો, ઈનપુટ અને કલ્પનાથી પ્રથમ પુસ્તકને જીવંત બનાવવામાં મદદ કરી છે. આલિયા ભટ્ટે પોતાના માનીતા વાર્તાકાર તરીકે દાદાનું નામ જણાવ્યું હતું અને તેમની સાથેની યાદો થોડા સમય અગાઉ શેર કરી હતી. આલિયાએ દાદા પાસેથી મળેલી પ્રેરણાને પુસ્તકોની સિરીઝ તરીકે રજૂ કરવાનું વિચાર્યું છે. આલિયાની આ પિક્ચર બૂક સિરીઝનો હેતુ નવી પેઢીને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો છે. રવિવારે મુંબઈ ખાતે જિયો વર્લ્ડ ડ્રાઈવમાં સાહિત્ય ઉત્સવ, સ્ટોરી વર્સમાં આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.