Western Times News

Gujarati News

મ્યુનિ. શાસકોની અણઘડ નીતિના કારણે રિવરફ્રન્ટ પ્લોટના વેચાણ થતાં નથી

(પ્રતિનિધિ) અમદાવાદ,
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પટમાં રિવરફ્રન્ટ ડેવલપ કરવામાં આવ્યો છે. જેના માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરવામાં આવી છે. રિવરફ્રન્ટના વિકાસ માટે તમામ ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. જે પરત લેવા માટે રિવરફ્રન્ટની જમીનની વેચાણ થાય એ જરૂરી છે. પરંતુ મ્યુનિ. વહીવટી તંત્ર, સત્તાધીશો અને રિવરફ્રન્ટ લિમિટેડના હોદ્દેદારોની નિષ્ક્રિયતાના કારણે હજી સુધી જમીનના વેચાણ થયા નથી.

જેના કારણે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવેલ રૂ.ર હજાર કરોડ કયારે પરત મળશે તે બાબત ચર્ચાનો વિષય બની ગયો છે. મ્યુનિસિપલ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ૨૦૦૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. રિવરફ્રન્ટ પર મોટી ગગનચૂંબી ઇમારતો બનાવવા માટે જમીનના ડેવલોપમેન્ટ રાઈટ્‌સ ૯૯ વર્ષ માટે આપવા માટે નિર્ણય ભાજપ સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો હતો. જોકે હજી સુધી કોઈ પણ દેશ – વિદેશની કંપનીએ રસ લીધો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ને કરોડો રૂપિયાની લોન આપવામાં આવે છે જેના થકી વિવિધ પ્રોજેક્ટ જેવા કે ઝીપ લાઈન, બોટિંગ, કાયા કિંગ વગેરે લાવવામાં આવ્યા હતા.

જે નિષ્ફળ સાબિત થયા છે અને હાલ પરમિશન કારણે બંધ પણ છે. વિપક્ષના નેતાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને અને ભાજપ સત્તાધીશોની રિવરફ્રન્ટની જમીનના વેચાણની અણઘડ નીતિના કારણે હજી સુધી જમીનનું વેચાણ થયું નથી અને દેશ-વિદેશની કોઈ કંપની દ્વારા રસ દાખવવામાં આવતો નથી. સાબરમતી રિવરફ્રન્ટ પર આઇટી કંપનીઓ ને મોટા બિઝનેસ હબ માટેની ઓફિસોના સપના જોયા હતા. જોકે આ વાયદા પોકળ થયા છે.

થોડા સમય પહેલા રિવરફ્રન્ટ ના હોદ્દેદારો જમીન વેચાણ ના કારણો આપી દુબઈ ગયા હતા જેમાં પણ નિષ્ફળતા મળી છે.જ્યાં સુધી જમીન વેચાણ નહિ થાય ત્યાં સુધી મનપાના કરોડો રૂપિયા પરત આવે તેવી સંભાવના નથી ભાજપ સત્તાધીશો પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ગણાવતા એવા સાબરમતી રિવરફ્રન્ટ ના પ્રોજેક્ટ માટે રીવરફ્રન્ટની જમીન વેચાણની કોઈ ચોક્કસ પોલીસી બનાવવામાં આવી ના હોવાથી એક પણ પ્લોટ વેચાયો નથી. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હવે ધોળા હાથી સમાન બની ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૫૦ કરોડથી વધુની લોન રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનને આપી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.