Western Times News

Gujarati News

અગ્નિની જ્વાળાઓ પણ જ્ઞાનને નષ્ટ કરી શકે નહીંઃ વડાપ્રધાન

નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું વડાપ્રધાન મોદીએ ઉદ્‌ઘાટન કર્યું

(એજન્સી)પટણા, બિહારમાં આવેલી નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્‌ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે મને ત્રીજી ટર્મ માટે શપથ લીધા બાદ પહેલા ૧૦ દિવસમાં નાલંદા જવાની તક મળી છે. આ માત્ર મારું સૌભાગ્ય નથી, પરંતુ હું તેને ભારતની વિકાસ યાત્રાના શુભ સંકેત તરીકે પણ જોઉં છું. નાલંદા નામ નથી પરંતુ ઓળખ અને ગૌરવ છે.

પીએમ મોદીએ કહ્યું કે નાલંદા એ સત્યનું ઉદાહરણ છે કે પુસ્તકો અગ્નિની જ્વાળામાં ભલે બળી શકે, પરંતુ અગ્નિની જ્વાળાઓ જ્ઞાનને બાળી શકતી નથી. નાલંદા તેના પ્રાચીન અવશેષોની નજીક પુનર્જીવનમાંથી પસાર થયું છે. આ નવું કેમ્પસ વિશ્વ સમક્ષ ભારતની ક્ષમતાનો પરિચય કરાવશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, નાલંદા બતાવશે કે જે રાષ્ટ્રો મજબૂત માનવીય મૂલ્યો પર ઊભેલા છે, તેઓ જાણે છે કે કેવી રીતે રાષ્ટ્રીય ઇતિહાસને પુનર્જીવિત કરીને સારા ભવિષ્યનો પાયો નાખવો. નાલંદા માત્ર ભારતના ભૂતકાળનું પુનર્જીવન નથી, તેની સાથે વિશ્વ અને એશિયાના ઘણા દેશોનો વારસો જોડાયેલો છે. અમારા ભાગીદાર દેશોએ પણ નાલંદા યુનિવર્સિટીના પુનર્નિર્માણમાં ભાગ લીધો છે. આ અવસર પર હું ભારતના તમામ મિત્ર દેશોને અભિનંદન આપું છું.

તેમણે કહ્યું કે પ્રાચીન નાલંદામાં બાળકોનો પ્રવેશ તેમની ઓળખ કે નાગરિકતાના આધારે કરવામાં આવતો ન હતો. દરેક દેશ અને દરેક વર્ગના યુવાનો અહીં આવતા હતા. નાલંદા યુનિવર્સિટીના આ નવા કેમ્પસમાં આપણે એ જ પ્રાચીન પ્રણાલીને ફરીથી મજબૂત કરવી પડશે. વિશ્વના ઘણા દેશોમાંથી વિદ્યાર્થીઓ અહીં આવવા લાગ્યા છે. આવનારા સમયમાં નાલંદા યુનિવર્સિટી ફરી એકવાર આપણા સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું મુખ્ય કેન્દ્ર બનશે.

વડાપ્રધાને કહ્યું કે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આજે ભારતમાં યોગની સેંકડો શૈલીઓ અÂસ્તત્વમાં છે. આપણા ઋષિમુનિઓએ આ અંગે વ્યાપક સંશોધનો કર્યા હશે, પરંતુ યોગ પર કોઈએ ઈજારો નથી બનાવ્યો. આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી રહ્યું છે, યોગ દિવસ એક વૈશ્વિક તહેવાર બની ગયો છે. ભારત સદીઓથી એક મોડેલ તરીકે જીવે છે અને સ્થિરતા દર્શાવે છે. અમે પ્રગતિ અને પર્યાવરણને સાથે લીધા છે. એ અનુભવોના આધારે ભારતે વિશ્વને મિશન લાઇફ જેવી માનવતાવાદી દ્રષ્ટિ આપી છે.

તેમણે કહ્યું કે મારું મિશન છે કે ભારત વિશ્વ માટે શિક્ષણ અને જ્ઞાનનું કેન્દ્ર બને. ભારતને ફરીથી વિશ્વના અગ્રણી જ્ઞાન કેન્દ્ર તરીકે ઓળખાવવું જોઈએ. આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. તે ભારતના યુવાનો પર છે. વિશ્વ લોકશાહીની માતા બુદ્ધના આ દેશ સાથે ખભે ખભા મિલાવીને ચાલવા માંગે છે. વડાપ્રધાને કહ્યુ કે નાલંદાની આ ભૂમિ વિશ્વ ભાઈચારાની લાગણીને નવી શરુઆત આપી શકે છે, તેથી નાલંદાના વિદ્યાર્થીઓની જવાબદારી પણ મોટી છે.

વિદ્યાર્થીઓ ભારત અને સમગ્ર વિશ્વનું ભવિષ્ય છે. અમૃતકાલના આ ૨૫ વર્ષ ભારતના યુવાનો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાલંદા યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થી માટે આ ૨૫ વર્ષ એટલા જ મહત્વપૂર્ણ છે. અહીંથી નીકળ્યા પછી વિદ્યાર્થીઓ જે પણ ક્ષેત્રમાં જાય, તેમના પર તેમની યુનિવર્સિટીના માનવીય મૂલ્યોની મહોર દેખાતી હોવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.