Western Times News

Gujarati News

‘બોલવાની છટામાં સમાયેલા પ્રભાવ તથા આકર્ષણ શક્તિનો મહિમા’

અમુક વ્યક્તિઓ પાસે બોલવાની છટા તથા બોલવાનો પ્રભાવ હોવાથી લોકો તેનાથી અંજાઈ જાય છે તથા તે લોકોમાં આકર્ષિત બની જાય છે. સફળ સેલ્સમેન પાસે બોલવાની છટા તથા બોલવામાં શબ્દોની પસંદગી તથા ભાવને અનુરૂપ બોલતા હોય છે જેથી તે સારી રીતે ધંધો મેળવી શકે છે.

રાજકીય નેતા, સામાજિક કે ધાર્મિક ગુરુ, કલાકાર કે અભિનેતા આ કારણોથી લોકોમા પ્રચલિત હોય છે. વક્તૃતકળાથી લોકોને જીતી શકાય છે ને પોતાનું ધારેલું કામ સરળતાથી અને સફળતાથી પાર પાડી શકે છે.

અમુક વ્યક્તિઓ પોતાના પરિવારનાં સભ્યો જોડે કે મિત્રવર્ગમાં કે સગાવહાલા જોડે ખુલ્લા દિલથી તથા નિખાલસતાથી સારી રીતે વાતચીત કરતા હોય છે પરંતુ તે વ્યક્તિઓ જૂથમાં બીજાને મળતા હોય છે ત્યારે વાતચીત કરતા શરમાતા હોય છે કે બોલતા બોલતા થોથવાતા હોય છે અથવા અચકાતા હોય છે તો કોઈ ગભરાઈ જતા હોય છે અને જે કહેવાનો વિષય હોય છે તે બાજુ પર રહી જાય છે અને વાતચીત પૂરી કરી દે છે અને ત્યારે તેનો બોલવાનો પ્રભાવ ઓસરી જાય છે.

વાતચીતમાં ક્યારે, કેટલું અને કેવું બોલવું તે અગત્યનું છે. અમુક લોકો જરૂર કરતા વધારે બોલીને પોતાનું માન ગુમાવતા હોય છે. અમુક લોકો વાતચીત કરતા કરતા વિષય વણઉકેલાયા વગરનો રહેવાથી લોકોને તેની વાતોથી કંટાળો આવતા રસ ગુમાવી દે છે. ઓછું બોલવાથી સામેવાળી વ્યક્તિને સમજાવી શકાતું હોય તો વધુ બોલીને સમય તથા પોતાની શક્તિ ગુમાવવાની જરૂર રહેતી નથી.

અલબત્ત વિચારીને બોલવાથી ચોક્કસ વાત તથા કહેવાનો વિષય મુદ્દાસર ઓછા સમયમાં કહેવાઈ જાય છે. અમુક વ્યક્તિ જાહેરમાં કોઈની ટીકા કરી, પોતે પોતાની જાતને મહાન કહેવડાવે છે. પરંતુ તેઓ જાણતા નથી કે બીજા લોકો પણ બુદ્ધિમાન અને સમજદાર પણ હોય છે. અમુક વ્યક્તિઓ વધારે પડતી નિખાલસતા બતાવીને કે આખાબોલા થઈને તથા કટુ આલોચના કરવાની આદત ધરાવતા હોય છે જેથી અરસપરસનો સંબંધ તૂટતા વાર લાગતી નથી. કોઈની જોડે મનદુઃખ ન થાય તેવી રીતે બોલીને તે લોકપ્રિય બની શકાય છે.

પોતે જ્યારે બીજાની વાતો પણ સાંભળવાની ક્ષમતા રાખે તો સામેવાળી વ્યક્તિ પણ પોતાની વાત સાંભળવામાં રસ અવશ્ય લેશે. હરહમેંશ વક્તા બનવા કરતા શ્રોતા પણ બનવું જોઈએ. અમુક વ્યક્તિઓ વધારે પડતું બોલીને સામેવાળી વ્યક્તિને કંટાળો આપે છે.

‘બોલે તેના બોર વેચાય’ આ લીકોક્તિનો સદ્દ ઉપયોગ દૈનિક વ્યવહાર કે વ્યવસાયમાં સંજોગાનુસાર કરવાથી ફળદાયક પરિણામ આપે છે.વાતવાતમાં કોઈને વણમાગી સલાહ આપીને તેની જોડે મનદુઃખ કરીને સંબંધ સુધારવાને બદલે બગડવાનાં એંધાણ વધારે દેખાય છે. ભલે પોતે ગમે તેટલો હોશિયાર હોય પરંતુ તે કહીને બતાવવાનું હોતું નથી પરંતુ પોતાનું કાર્ય જ લોકોને પોતાની કાબેલિયાતની અનુભૂતિ કરાવે છે.

આજકાલ જાહેર પ્રવચનનાં (pેહ્વઙ્મૈષ્ઠ જpીટ્ઠૌહખ્ત)ના વર્ગો ઠેરઠેર ચાલે છે. જેથી લોકોને આ ક્ષેત્રમાં શીખવાથી પોતાનામાં આત્મવિશ્વાસ વધે છે ને પોતાનું મનોબળ વધતાં પોતાનો ધારેલો સંકલ્પ પણ સરળતાથી પાર પાડી શકે છે. વક્તૃત્વકળાનાં વર્ગોમાં અભ્યાસ કરવાથી પોતાનામાં રહેલી આત્મવિશ્વાસરૂપી શકાતિનો સંચાર થાય છે.
માનવીએ કોની જેટલો કેટલો તથા કેવો સંબંધ કેળવવો તે વાતચીત કરતા ખબર પડે પરંતુ માનવીએ બોલ બોલ કરવા કરતા કોઈને સાંભળવાથી પણ સામેવાળી વ્યક્તિનો ક્યાસ નીકળી શકે છે.

દુકાનમાં ગ્રાહકનાં પગલા પડવાથી માંડીને તેના હાવભાવ પરથી તથા તેની જોડે વાચીત કરવાથી કાબેલ સેલ્સમેન તે ગ્રાહકની પરખ કરી શકે છે અને જાણી શકે છે કે ગ્રાહક કેટલામાં છે કે ગ્રાહક લેવાલ છે કે ફક્ત જોવા આવ્યો છે. ગ્રાહક ભલે જોવા આવ્યો હોય પરંતુ જો સેલ્સમેનને ગ્રાહક જોડે સારી રીતે વાતચીત કરી હશે તો તે ભવિષ્યમાં તે દુકાનના પગથિયા ચડતો રહેશે.

વક્તૃત્વકળાની કળામાં ફકત બોલવાની ઢબ જ મહત્વની હોતી નથી પરંતુ ક્યારે, શું અને કેટલું બોલવું તે અગત્યનું છે તથા બીજાને સાંભળવાથી સામેવાળી વ્યક્તિની મહત્તા વધવાથી વાતચીતમાં જોશ આવે છે.

શરમાળપણું છોડવાથી પોતાને કહેવાની વાત ખુલ્લા દિલથી કરી શકાય છે તથા નિખાલસતા દાખવી શકે છે. રાજકીય નેતા, ઉદ્ધોગપતિ, કલાકાર કે અભિનેતા તથા સેલ્સમેન પોતાની આવડત, કાબેલિયત સાથે સાથે બોલવાની છટાથી લોકો પર ઘણો પ્રભાવ પાડી શકે છે. કોઈને પ્રભાવિત કરવા વક્તૃત્વકળાનો અભ્યાસ કરવો જરૂરી છે. અમુક લોકો પાસે તો જન્મજાતથી જ વક્તૃત્વકળા લોહીમાં ભળેલી હોય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.