Western Times News

Gujarati News

બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ  શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રી

શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા કરવાની સાથે સેવાકીય  પ્રવૃતિઓમાં પણ સહભાગી થઇ રહ્યા છે :- મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા

.શિક્ષકો શૈક્ષણિક ફરજ અદા કરવાની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં પણ સહભાગી થઇ રહ્યા છે  તેમ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવી  બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સીઆરસી કોરડીનેટર શ્રી દીપક સુથારને સન્માનિત કર્યા હતા.

        અત્રે ઉલ્લેખનીય છે કેમંત્રી શ્રી પાનસેરિયા દ્વારા જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સમગ્ર ગુજરાતના શિક્ષકોને સેવાકીય કામગીરી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત   શિક્ષકોને પોતાની ફરજના સ્થળે કે આજુબાજુના વિસ્તારોમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાનું તેમજ આ અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરવા જણાવવામાં આવ્યું હતું.  ભૂતકાળમાં ખુલ્લા બોરવેલમાં નાના બાળકો પડી જવાની ઘટનાઓ ધ્યાને આવી હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મંત્રીશ્રી દ્વારા આ સેવાકીય ઝુંબેશ ઉપાડવામાં આવી હતી.

મંત્રીશ્રીએ આ સેવાકીય ઝુંબેશની કામગીરીમાં જોડાવવા રાજ્યમાં કલસ્ટરની શાળાઓમાં   શિક્ષકોને ખેતરમાં કે આજુબાજુમાં ખુલ્લા બોરવેલ હોય તો તેને બંધ કરવા અને  કોઈ દુર્ઘટના ન બને તે માટે કામગીરી કરવા જણાવ્યું હતું. 

જે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જરાવત કલસ્ટરમાં આવેલ ૧૩ શાળાઓના  ૨૧૨૯ વિદ્યાર્થીઓ૭૫ શિક્ષકો તેમજ વાલીઓ આ અભિયાનમાં જોડાયા હતા. આ કલસ્ટરના  શિક્ષક શ્રી દીપક સુથારે  જુદા જુદા ગામમાં રૂબરૂ જઈને કુલ ૧૨ બોરને કોથળી કે લોખંડના ઠાકણાંથી બંધ કર્યા હતા. 

        આ સેવાકીય કાર્ય બદલ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શિક્ષક શ્રી દીપક સુથારને સન્માનિત કર્યા હતા. મંત્રીશ્રીએ વધુને વધુ નાગરિકો  પોતાના ક્લસ્ટરમાં બિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવાના અભિયાનમાં જોડાય તેવી વિનંતી પણ કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.