Western Times News

Gujarati News

સ્વસ્થ, નિરોગી અને સુખી થવા નિયમિત યોગ કરો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અપીલ

યોગને જીવનનું અભિન્ન અંગ બનાવો : શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દરરોજ નિયમિત યોગ કરે છે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અનુરોધ કર્યો છે. દરરોજ નિયમિત રીતે અચૂક યોગ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સૌને અપીલ કરતાં કહ્યું છે કે, યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને પણ સંપુષ્ટ કરે છે. દરેકે દરરોજ યોગાસન અને પ્રાણાયામ કરવા જ જોઈએ.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને 21 મી જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી અને દુનિયાને પ્રેરિત કરી. પરિણામ એ આવ્યું કે 177 દેશોએ સર્વસંમતિથી આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને આજે ભારતના ઋષિમુનિઓની આ પ્રાચીન યોગવિદ્યા સમગ્ર વિશ્વમાં જન-જનનું કલ્યાણ કરી રહી છે.

યોગ આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રદાન કરે છે. ચિત્તની વૃત્તિઓના નિરોધનું નામ જ યોગ છે. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શોધ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન યોગના મૂળ સિદ્ધાંત છે અને જીવનમાં પૂર્ણ શાંતિ પ્રદાન કરનાર મૂળ આધાર છે. ઋષિમુનિઓએ દાવા સાથે કહ્યું છે કે, યોગના આઠ અંગ; યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને વ્યવહારિકરૂપે જીવનમાં ઉતારીશું તો પૂર્ણતાને પામી શકીશું. પરમ શાંતિની અનુભૂતિ કરી શકીશું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ નાગરિકોને સ્વસ્થ, નિરોગી અને સુખી થવા નિયમિત યોગ કરવા અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.