Western Times News

Gujarati News

પાવાગઢ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ) ગોધરા, ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત આઇકોનિક સ્થળ તરીકે શક્તિપીઠ પાવાગઢ ખાતે ૧૦ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષભેર ઉજવણી કરાઈ હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અન્વયે પંચમહાલ જિલ્લાના લાખો શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર પાવાગઢને આઈકોનીક સ્થળ તરીકે જાહેર કરી રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું

જે અંતર્ગત પાવાગઢ સ્થિત મહાકાળી માતાજીના મંદિર પરિસર ખાતે મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુઓએ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઇ ભક્તિભાવ સાથે યોગ સાધનામાં સહભાગી થયા હતા. વહેલી સવારે આહલાદક વાતાવરણ વચ્ચે તંદુરસ્તીની કામના સાથે લોકોએ યોગના વિવિધ આસનો સાથે મહાકાળીના આશીર્વાદ સાથે તંદુરસ્તીની કામના કરતાં યોગ સાધનાનો લ્હાવો લીધો હતો.

રાજ્ય યોગ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત સિનિયર યોગ કોચ સોનલબેન દરજી અને યોગ કોચ સ્વાતિ બેન દલવાડી દ્વારા યોગના વિવિધ આસનો કરીને લોકોને પ્રેરિત કર્યા હતા.

પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી ‘‘યોગ વિદ્યા’’ ને વિશ્વ ફલક ઉપર લાવવા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ‘‘૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવા કરેલ

પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં તા. ૨૧ જૂનના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે.
આ તકે તાલુકા વહીવટી તંત્ર,મંદિર ટ્રસ્ટના પ્રતીનિધીઓ સહિતના લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.