Western Times News

Gujarati News

અમદાવાદમાં ભેજવાળું વાતાવરણઃ વરસાદની રાહ જોતાં નાગરીકો

અમદાવાદમાં આજથી સતત છ દિવસ સુધી હળવા વરસાદની આગાહી

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં ચોમાસાના મંડાણ તો થઈ ચૂકયા છે પરંતુ તે નવસારી સુધી આવીને અટકી જતાં લોકો નિરાશ થયા છે તેમ પણ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી આકાશમાં વાદળા છવાય છે પરંતુ સાંજે ફૂંકાતા પવનથી તે વિખરાઈ પણ જાય છે. હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આવતી કાલથી સતત છ દિવસ સુધી એટલે કે ર૭ જૂન સુધી શહેરમાં હળવો વરસાદ પડશે.

સ્થાનિક હવામાન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આજે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગરમીનો પારો ૪૧ ડિગ્રી એ જઈને અટકશે. જો કે, આજે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી. આજે પણ શહેરમાં સવારે સાડા આઠ વાગ્યે ૬૮ ટકા જેટલો ઉંચો ભેજ નોંધાયો હતો. જેના કારણે દિવસ દરમિયાન લોકો બફારો અને ઉકળાટ અનુભવશે.

શહેરમાં ૪૧.૩ ડિગ્રી ગરમી નોંધાઈ હતી અને અમદાવાદ સુરેન્દ્રનગર બાદ રાજ્યનું હોટેસ્ટ સિટી બન્યું હતું. જો કે, હવામાન વિભાગની આગાહી જોતાં આવતીકાલ શનિવાર તા.રર જૂનથી ગાજવીજ સાથેના હળવા વરસાદની શક્યતા છે. રવિવારની રજાના દિવસે પણ શહેરમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આમ તો હવામાન વિભાગે ર૪, રપ, ર૬ અને ર૭ જૂને પણ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી શક્યતા દર્શાવી છે. જો હવામાન વિભાગની આ આગાહી સાચી પડશે તો લાંબા સમયથી વધુ પડતા ભેજથી થતાં ઉકળાટ અને બફારા સામે શહેરીજનોને ચોક્કસ રાહત મળશે.

હવામાન નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે આગામી ૪૮ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. રર જૂન સુધીમાં રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ભાવનર, લાઠી, બાબરા, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડશે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાણા, ખંભાત, તારાપુર, દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં પણ વરસાદ પડવાની વકી છે. ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ આર્દ્રા નક્ષત્રમાં પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.