ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ, ૪ હજારથી વધુ લોકો ફસાયાં
મલ્લકૂટા, ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગ દરિયા કિનારા પાસે આવેલ ફરવા માટેનું લોકપ્રિય શહેર મલ્લકૂટા સુધી પહોંચી ગઇ છે. જ્યાં પહેલાથી જ રજાઓ માણવા આવેલા લોકો સાથે સ્થાનિક લોકો ફસાઇ ગયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર મલ્લકૂટા શહેરમાં ૪ હજારથી વધારે લોકો ફસાયાં છે.
ઉલ્લેખનીય છે કે અધિકારીઓ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ઓસ્ટ્રેલિયામાં ગરમીઓની રજાનું વેકેશન માણી રહેલા ૩૦,૦૦૦ પ્રવાસીઓને આ વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી રહ્યાં છે. આ ઘણાબધા વિસ્તારોમાંથી એક છે જે જંગલમાં લાગેલી ભીષણ આગની ઝપેટમાં આવેલ છે.
વિક્ટોરિયા ઇમરજન્સી મેનેજમેન્ટ કમિશનર દ્વારા જણાવામાં આવ્યું છે કે અમારી પાસે મલ્લકૂટામાં ત્રણ ટીમ છે જે દરિયાના તટ વિસ્તારમાં ૪,૦૦૦ લોકોની દેખભાળ કરશે. અમને એ લોકોની ચિંતા છે જેઓ અલગ થઇ ગયા છે.અધિકારીના જણાવ્યા અનુસાર જો જરૂરિયાત પડશે તો આ લોકોને દરિયાઇ અથવા હવાઇ માર્ગ દ્વારા સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવશે. ન્યૂ સાઉથ વેલ્સ ગ્રામીણ ફાયર બ્રિગેડની ટીમે જણાવ્યું છે કે આગ બહુ ઝડપથી ફેલાઇ રહી છે.
આ લોકોની જીવન પર ગંભીર રીતે ખતરો ઉભો કરી રહી છે. તેના રસ્તામાં ન આવો, જંગલવાળા વિસ્તારથી બચો. જો રસ્તો ક્લીયર હોય તો મોટા શહેર અથવા દરિયા તટ વિસ્તાર તરફ જાઓ. આ અગાઉ ખરાબ પરિસ્થિતિને લઇને સોમવારે દેશના ૪ રાજ્યોમાં કટોકટીની પરિસ્થિતિને લઇને ચેતવણી આપવામાં આવી હતી. આ વિસ્તારમાં પ્રવાસીઓ સાથે આગ પર કાબૂ મેળવા ગયેલી ફાયર બ્રિગેડની ટીમને પરત ફરવા કહેવામાં આવ્યું છે. ૪૦ ડિગ્રીથી ઉપર તાપમાન અને ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતા વિકટોરિયા વિસ્તારમાં પૂર્વી ગિપ્સલેન્ડમાંથી ૩૦,૦૦૦ લોકોને આ વિસ્તાર છોડવા આદેશ આપવામાં આવ્યો છે.