Western Times News

Gujarati News

બારડોલી રોડ પરના ઓંચી ગામ ખાતેથી નકલી ઘી બનાવવાની ફેકટરી પકડાઈ

ગાંધીનગર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજયના કમિશનર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજયના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુકત મળી રહે તે માટે રાજય સરકાર સતત કટિબદ્ધ છે. રાજયમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.

તેઓએ જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી અને લોકલ ક્રાઈમબ્રાંચ નવસારી દ્વારા કરવામાં આવેલ સંયુકત રેડમાં મે. શિવ ફૂડ પ્રોડકટસ, હાઉસ નંબર-૩૭પ/પ (શેડ નંબર-પ), ડાન્ડેશ્વર પાટિયા, બારડોલી રોડ પરના ગામ-ઓંચી ગામ ખાતે સુખવંત બ્રાન્ડના ભેળસેળવાળા ઘીનું ઉત્પાદન અને વેચાણ થાય છે તેવી મળેલ બાતમીના આધારે દરોડો પાડવામાં આવેલ હતો.

તપાસમાં સુખવંત બ્રાન્ડના ૧૦૦ મિલી, પ૦૦ મિલી ના પાઉચ તથા ડબ્બા અને ૧પ કિગ્રા.ના ડબ્બાનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવેલ હતો વધુમાં ઝીણવટભરી તપાસ હાથ ધરતા પેઢીમાંથી પામોલિન તેલના ૧૦ ડબ્બા પણ મળી આવેલ હતા જેનો ઉપયોગ ઘીમાં ભેળસેળ માટે થતો હોવાનું જાણવા મળેલ છે.

પેઢીના માલિક વિકી રાજેશભાઈ ચોખાવાલાની હાજરીમાં તેમની પાસેથી કુલ ૮ નમુના લેવામાં આવેલ જયારે બાકીનો આશરે ૩૦૦૦ કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ.૧૪ લાખ થવા જાય છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.