Western Times News

Gujarati News

ડાંગના અંતરિયાળ સરહદી ગામ બિલિઆંબામાં બાળકોનો શાળા પ્રવેશ કરાવશે મુખ્યમંત્રી

ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે ૩૨.૩૩ લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે –તા. ૨૭મી એ છોટાઉદેપુર, તા. ૨૮મી એ સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી શાળા પ્રવેશોત્સવમાં જોડાશે

ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં વિધાનસભા અધ્યક્ષશ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, પદાધિકારીઓ IAS, IPS, IFS અને વર્ગ-૧ના કુલ ૩૬૭ અધિકારીઓ વિવિધ સ્થળોએથી બાળકોનું શાળા નામાંકન કરાવશે

ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની ૨૧મી કડી બુધવાર તા. ૨૬ જૂન થી શુક્રવાર તા.૨૮ જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવશે.

ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. ૨૬મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે. મુખ્યમંત્રીશ્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં ૨૪ બાળકોને ધોરણ-૧માં, ૨૧ બાળકોને બાલવાટિકામાં અને ૭ ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે.

મુખ્યમંત્રીશ્રી બીજા દિવસે તા. ૨૭ જૂનના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. ૨૮ જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે.

રાજ્યમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષશ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ તેમજ IAS, IPS, IFS સહિત વર્ગ-૧ ના કુલ મળીને ૩૬૭ ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.

તદઅનુસાર, વિધાનસભા અધ્યક્ષશ્રી અને અન્ય મંત્રીશ્રીઓ જે સ્થળોએથી શાળા પ્રવેશોત્સવ કરાવશે તેમાં, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લામાં,

ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા જામનગર જિલ્લા ખાતે, આદિજાતિ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થશે.

રાજ્યકક્ષાના મંત્રીઓમાં, ગૃહ અને રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં, સહકાર અને લઘુ ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લા ખાતે, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરષોતમભાઈ સોલંકી ભાવનગર જિલ્લામાં, પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સુરત અને નવસારી ખાતે, શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા જૂનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના માનનીય મુખ્ય દંડકશ્રીઓ પણ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે, તેમાં માનનીયશ્રી બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ વડોદરામાં, શ્રી જગદીશ મકવાણા સુરેન્દ્રનગર ખાતે, શ્રી કૌશિકભાઈ વેકરિયા અમરેલીમાં, શ્રી રમણભાઈ સોલંકી આણંદ ખાતે અને શ્રી વિજયભાઈ પટેલ ડાંગમાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે.

સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ ૩૨.૩૩ લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે. તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર ૧૧.૭૩ લાખધોરણ-૧માં પ્રવેશપાત્ર ૩.૬૨ લાખધોરણ-૮ થી ૯માં પ્રવેશપાત્ર ૧૦.૩૫ લાખ અને ધોરણ-૧૦ થી ૧૧માં પ્રવેશપાત્ર ૬.૬૧ લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.