Western Times News

Gujarati News

ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: રાજ્યના ૪ જિલ્લાઓમાં રેડ એલર્ટ

૯ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને ૨ જિલ્લામાં યલો એલર્ટ જાહેર

ગાંધીનગર, રાજ્યભરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આખરે મેઘ સવારી આવી પહોંચી છે. ગઈકાલ રાતથી રાજ્યભરમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. આજે સતત ત્રીજા દિવસે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા સહિત મોટાભાગના જિલ્લાઓમાં તોફાની પવન સાથે વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગે હજુ પણ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના પગલે દ્વારકા, જામનગર, વલસાડ સહિત ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ અને જૂનાગઢ, અમરેલી, સુરત, ભાવનગર સહિત નવ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અરવલ્લી તથા મહિસાગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે રાત્રે તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. આજે વડોદરા અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની જ્યારે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આજે સવારે ૬ થી બપોરે ૪ વાગ્યા સુધીમાં રાજ્યના ૬૮ તાલુકાઓમાં ૧ મિમિથી લઈ સવા બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો ભારે વરસાદના કારણે ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્‌લો થતાં નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ તરફ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે દેવગઢ બારીયાની પાનમ નદીમાં પુર અચાનક આવતાં ટ્રેક્ટર તણાયું હતું.તો બીજીતરફ બનાસકાંઠામાં પણ અંબાજી સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

પાટણ શહેરમાં પ્રથમ વરસાદ વરસતા પાટણનું પ્રથમ રેલવે ગરનાળુ પાણીથી ભરાઈ ગયું. પાટણના પ્રવેશ દ્વાર સમા રેલવે ઘરનાળુ પાણીથી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ અવર-જવર માટે હેરાન પરેશાન થયા. પાટણ નગરપાલિકાની પ્રિ-માનસૂન કામગીરી પ્રથમ વરસાદમાં જ કાગળ ઉપર જ રહી ગઈ.વડોદરા શહેરમાં છૂટાછવાયા ઝાપટાં પડ્‌યા હતાં.

તો બીજી બાજુ જિલ્લાના પાદરા પંથકમાં તોફાની વરસાદ વરસ્યો હતો. પાદરા તાલુકાના પાદરા, વડુ, મુવાલ, માસરરોડ પંથકમાં ધબધબાટી બોલાવી હતી. અડધો કલાકમાં ૧ ઇચ ( ૩૦મીમી ) જેટલો વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. બપોરના સમયે ધોધમાર વરસાદ પડયો હતો . ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત મેળવી હતી. પાદરા પંથકમાં છેલ્લા ચાર દિવસથી અસંહ્ય ગરમીનું પ્રમાણ વધી ગયું હતું.

બનાસકાંઠા માં પણ તેજ પવન સાથે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં બપોર બાદ એકાએક ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતાં દિવસે અંધારપટ છવાયો હતો. અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો આનંદિત થયા છે.

દિવસભરની ગરમી અને ભારે ઉકળાટ બાદ આજે ફરી બપોર બાદ અંબાજી પંથકમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી. જેને લઈને લોકોએ ભારે ગરમીથી રાહત મેળવી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ વરસતા અંબાજીના રોડ રસ્તાઓ પર પાણી વેહતું થયું હતું.

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં સીઝનનું પ્રથમ વરસાદી ઝાપટું પડ્‌યું હતું. છેલ્લા એક સપ્તાહથી વરસાદ આવશે તેવી સૌને ઇન્તેઝારી હતી, પરંતુ અસહ્ય ગરમી અને બફારા વચ્ચે દિવસો પસાર કરતા લોકોને આજે ખૂબ જ રાહત થઈ હતી. સાથે સાથે ખેડૂતોમાં પણ સિઝનનો પ્રથમ વરસાદ થતાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ડીસામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનું વાતાવરણ બનવાની સાથે જ પવન છૂટી જતા વાદળો વિખેરાઈ ગયા હતા. ત્યારે આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા બપોરે ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડ્‌યું હતું.

નડિયાદ શહેરમાં પહેલા વરસાદે જ નગરજનોની દુવિધામાં વધારો કર્યો છે. ગતરાતથી આજ વહેલી સવાર સુધી વરસેલા ઝરમર વરસાદ વચ્ચે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના જુના માખણપુરા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદે વિરામ લેતા આ પાણી ઓસરી ચૂક્યા હતા.

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં નવા સંતરામ દેરી રોડ પર સંતરામ દેરીના નવા ગેટથી સંતરામ દેરી તરફ આવવાના માર્ગ પર રોડ પર ખાડેખાડા જોવા મળી રહ્યા છે.
અહીંયાથી જેટકોની ૬૬ કે.વી.ની અંડરગ્રાઉન્ડ વીજલાઈન જાય છે તે જગ્યા સામાન્ય વરસાદમાં બેસી ગઈ છે. ઉપર આવેલ ફૂટપાથ પણ જમીનમાં બેસી ચૂક્યો છે. જેના કારણે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આજે મધ્ય ગુજરાતના વડોદરા અને પંચમહાલમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.