Western Times News

Gujarati News

આણંદ-ખેડા જિલ્લામાં વ્યાજખોરોનો વધતો જતો ત્રાસ

પ્રતિકાત્મક

આણંદમાં ખેડૂતને વસૂલી માટે ત્રાસ આપતા બે વ્યાજખોર સામે ફરિયાદ

ખેડુતની પત્નીનો પાસપોર્ટ તેમજ ઈકો ગાડીની આરસી બુક લઈ જઈ માનસિક ત્રાસ આપતા આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

આણંદ,  આણંદ તાલુકાના ખંભોળજ ગામના વતની અને આણંદ રાજોડ તલાવડી વિસ્તારમાં રહેતા એક ખેડુતે ખેતી કરવા માટે આણંદના બે શખ્સો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જે વ્યાજે લીધેલ મુડી તેમજ વ્યાજના નાણાં મળીને રૂ ૩૧ લાખ ચુકવી આપેલ હોવા છતાં બંને વ્યાજખોરો વધુ રૂ ૪૦ લાખની પઠાણી ઉઘરાણી કરીને ખેડુતની પત્નીનો પાસપોર્ટ તેમજ ઈકો ગાડીની આરસી બુક લઈ જઈ માનસિક ત્રાસ આપતા આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આણંદ શહેરમાં પુષ્પનીલ બંગલો, રાજોડ તલાવડી વિસ્તારમાં મુળ ખંભોળજ સોનીવાડી ખડકીના વતની ૪૨ વર્ષીય હિરેનભાઈ હર્ષદભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી પોતાના પરિવાર સાથે રહે છે. અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. હિરેનભાઈ પટેલ પાસપોર્ટને લગતું કામકાજ કરતા દિપક રમેશચંદ્ર બારોટના સંપર્કમાં આવ્યા હતા.

ગત વર્ષ ૨૦૨૩માં હિરેનભાઈ પટેલને ખેતી કરવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી દિપક રમેશચંદ્ર બારોટ પાસેથી ઉછીના રૂ ૧૦ લાખ માંગ્યા હતા. ત્યારે દિપક બારોટે રૂ ૧૦ લાખ રૂપિયાની સામે ત્રણ અલગ-અલગ બેંકના કોરા ચેક લઈ ૧૦% ના વ્યાજે નાણાં આપ્યા હતા.

અને હિરેનભાઈ દર મહિને વ્યાજના રૂ ૧ લાખ રોકડા દિપક બારોટને આપી દેતા હતા. ત્યાર બાદ વધુ નાણાંની જરૂર પડતા દિપક બારોટને વાત કરતા દિપક બારોટે હિરેનભાઈ પટેલને નિક્ષીત બ્રહ્મભટ્ટ(રહે. વિશ્›ત પાર્ક જીટોડીયા)નો સંપર્ક કરાવી રૂ ૬ લાખ હાથના ઉછીના આપવાની વાત કરતા નિક્ષીત બ્રહ્મભટ્ટે પણ અલગ અલગ બેંકોના ત્રણ કોરા ચેક સહી કરાવીને લીધા હતા. અને ૧૦% ના વ્યાજે નાણાં આપ્યા હતા.

અને બંને પાસેથી લીધેલા નાણાંના વ્યાજ પેટે હિરેનભાઈ દર માસે રોકડા વ્યાજના રૂ ૧.૮૦ લાખ દિપક બારોટને ચુકવી આપતા હતા. હિરેનભાઈ પટેલે દિપક બારોટ અને નિક્ષીત બ્રહ્મભટ્ટ પાસેથી લીધેલા રૂ ૨૩ લાખનું માસિક વ્યાજ રૂ ૩.૮૦ લાખ દીપકભાઈ બારોટને રોકડા આપતા હતા. અને મુડી તેમજ વ્યાજ સહિત રૂ ૩૧ લાખ ચુકવી આપ્યા હતા.

છતાં ગત ૧૮ જૂન ૨૦૨૪ ના રોજ દિપક બારોટ અને નિક્ષીત બ્રહ્મભટ્ટ બન્ને હિરેનભાઈ પટેલે ૪૦ લાખ રૂપિયાની માંગણી કરી અવેજમાં હિરેનભાઈ પટેલની પત્નીનો પાસપોર્ટ તેમજ ઈકો ગાડીની આરસી બુક લઈ જઈને ગાળો બોલી પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હિરેનભાઈને માનસિક સતામણી કરવા લાગ્યા હતા. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે દિપક રમેશચંદ્ર બારોટ અને નિક્ષીત બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.