Western Times News

Gujarati News

જીવનની નવી દિશા ત્યારે જ મળશે ,જયારે તમે તમારામાં યોગ્ય પ્રમાણમાં સાક્ષીભાવ કેળવશો

સાક્ષીભાવ નામનું સેન્સર તમને તમારા નિકટવર્તીથી અળગા ન કરી મૂકે એનું ધ્યાન રાખજો.

વ્યક્તિ જયારે સુખ અને દુઃખને એકસરખી સરખી રીતે સ્વીકારે ,જીવનમાં બનતી દરેક ઘટનાને માત્ર એક પ્રેક્ષકની જેમ જોવે ત્યારે ,કહી શકાય એને સાક્ષીભાવ કેળવ્યો છે .

વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં સ્વયંને પસાર થતાં નિહાળે અને મૂલવે.પોતાને દરેક ભાવથી અને સંવેદનાઓથી અળગી કરીને , તે પોતાના મંતવ્યો પણ ન આપે અને માત્ર નિરીક્ષણ કરે ….ત્યારે તેણે ,ખરેખર પોતાનાં જીવનમાં સાક્ષીભાવ આત્મસાત કર્યો છે એવું કહી શકાય. આવો સાક્ષીભાવ રાખીને જીવન જીવવું જોઈએ , એવું આપણા ગ્રંથોમાં લખેલું છે ,

પણ શું સાચા અર્થમાં વ્યક્તિ સાક્ષીભાવ રાખીને સંવેદનાઓ વગર સંબંધો બાંધી શકે ખરો?સૌ કોઈથી અલિપ્ત જીવન જીવીને ,જોખી જોખીને ખુશી વહેંચતા લોકો ભલે સાક્ષીભાવના હિમાયતી બને,પણ મારા મતે દરેક સુખ અને દરેક દુઃખ અનુભવવાથી જીવન જીવવા જેવું લાગે.

આપણા મનનું એરિયલ જયારે કોઈ ભાવ ઝીલ્યા વગરનું નિષ્ક્રિય થઇ જાય છે ત્યારે સુખ દોહ્યલું બની જાય છે.કેટલાંક વ્યક્તિ સાથે વાત કરીને આપણને એવું લાગે , કે પ્રસન્નતા નામનું પંખી એના જીવનમાં છે જ નહીં અથવાતો વધુ પડતા સાક્ષીભાવના અભિગમે એને ડેડ એન્ડ નામના સ્ટેશને ઉતારી દીધા છે.

એક ઉદ્ધિગ્ન ચહેરો વાતાવરણને ભારેખમ બનાવી દે છે .વધુ પડતી ગંભીરતાને કેટલાંક વિદ્વાનો સાક્ષીભાવ જેવું રૂપકડું નામ આપે છે . કેટલીક પરિસ્થિતિઓની માવજતમાં આપણી ગંભીરતા અનિવાર્ય હોય છે.પણ , જો આ ગંભીરતા ઠાવકાઇપૂર્વક ઘર કરી લે તો પરિણામ ચિંતાજનક આવી શકે છે.

વ્યક્તિએ પોતાની મનોવેદનાઓ ક્યાંક તો ઠાલવવી જ જોઈએ.કોઈપણ પરિસ્થિતિમાં એક સાક્ષીભાવના મ્હોરા પાછળ પોતાની સંવેદનાઓ છુપાવવી ન જોઈએ. મનનો બોજ શારીરિક બોજ કરતા પણ વિશેષ હોય છે . મનનો બોજ લઈને ચાલનારા લોકો સર્જનયાત્રામાં મને બહુ ધીમે પગલે ચાલતા હોય એવું લાગે છે.

ગાંભીર્ય એક એવો ભાવ છે ,જે સામેવાળાને પણ એક ચેપી વાયરસની જેમ લાગી જાય છે.ધીરે ધીરે આ વાયરસ આખા વાતાવરણમાં અસ્વસ્થતા ફેલાવી દે છે.વરણાગી બનવું સહેલું નથી ,સાથે સાથે લાગણી વિનાના સુકાયેલા સંવાદો માત્ર સ્મિતના નેપથ્ય પાછળથી જયારે આપણને સંભળાતા હોય … એ પણ યોગ્ય તો નથી જ.ખોટકાઈ ગયેલાં મિત્રભાવો આવા વધુ પડતાં સાક્ષીભાવની દેન હોય છે .

પંખીઓનો કલરવ અને રેલવેસ્ટેશનનો ધોંધાટ જેને સરખો લાગે છે ત્યારે , તેણે પ્રસન્નતા નામના વિષય પર પીએચડી કરવાનો સમય આવી ગયો એવું મને લાગે છે.માણસ હવે ખુશ દેખાવા પ્રયત્નો કરતો જણાય છે. ફોન ઉપાડતાની સાથે જ ખુબ આનંદ અને ઉત્સાહ સાથે વાત કરનાર વ્યક્તિ અંદરથી નાખુશ હોઈ શકે છે.

પોતાના ખાલીપણા અને એકલતાનો આર્તનાદ અન્ય સાંભળી ન લે તે માટેના હવાતિયાં મને દૂર બેસીને પણ તાદ્રશ્ય થાય છે .હું એવાં કેટલાય મિત્રોને સમજવા પ્રયત્ન કરી રહી છું.

કેટલાકનું કહેવું એવું હોય છે કે , મેં હવે સાક્ષીભાવ કેળવી લીધો છે. તેઓના મતે તેઓને સુખ કે દુઃખ હવે બહુ અસર નથી કરતા ,શું ખરેખર એવું બની શકે ખરું ?આ વૈજ્ઞાનિકયુગમાં કોણ એવું મહાત્મા સ્વરૂપ બની શક્યું છે ? સવાલો તો ઘણાં ઉઠે છે …!

માણસ સંવેદનાઓ સાથે જીવે તો જ એ કાંઈ માણી શકે . વ્યક્તિ પાસે સંવેદના હોય અને એ બીજા સાથે વ્યક્ત પણ કરી શકતો હોય , ત્યારે એ સાચા પ્રવાહ સાથે વહી રહ્યો છે એવું લાગે.માણસના ભીતરથી ચળાઈ ચળાઈને આવતી કેટલીક સુખદ ક્ષણો હંમેશા એની આંખોમાં ઝબુકતી રહેશે . દરેક પ્રસંગનો રોમાંચ અને ઉત્સાહ આપણા મનને એકધારા જીવનમાંથી એક નવી દિશા ખોલી આપશે.

પ્રેમ અને ખુશી બંને ભાવ દરેક ડગલે મહત્વના હોય છે.આપણા સ્વીકારભાવોનું ભાવાત્મક ચિત્રણ એટલે હાસ્ય .ઘણીવાર એક નિર્દોષ હાસ્ય સંબંધોમાં ચૈતન્યતા લાવે છે.આપણો ચહેરો એક માત્ર હાસ્યથી કેટલો સુંદર અને સાહજિક બની જાય છે .કોઈનું આવવું આપણા માટે સુખદ હોય કે ના હોય …

સ્મિત સાથે એને આવકારી તો જરૂર શકીયે . કોઈના આવવા કે જવાથી મને કોઈ ફેર નથી પડતો એવા વિચિત્ર સાક્ષીભાવને જયારે કેટલાંકના વર્તનમાં હું અનુભવું છું , ત્યારે એના જીવનમાં સંબંધો નો દુકાળ હશે એવું માની લઉં છું. દરેકના ભાવપ્રદેશમાં સ્નેહ ભર્યા સ્મિતનું એક આગવું મહત્વ હોય છે અને રહેશે.

ભરચક મશીનોની દુનિયામાં રહેતા લોકો,હાસ્ય પણ જાણે એક જાસાચિઠ્ઠી હોય એમ વાપરતા થઇ ગયા છે .એ વાપરતાં પહેલાં કોઈ જોઈ ના જાય એવો છુપો આગ્રહ પણ રાખતાં હોય છે .કેટલાંક તો વળી સ્મિતને પણ સોનાની ગીની વાપરતાં હોય એવી રીતે ગણી ગણીને વાપરે છે.

ઇન્ટરવ્યુ આપવા કે લેવાં બેઠાં હોઈએ એવી બનાવટી વાતચીતો … મિત્રો સાથે જયારે થવા લાગે છે, ત્યારે મિત્રતામાં ફરી સ્નેહનું સિંચન કરવું જરૂરી બને છે.પહેલાં કરતા વધુ સમય એ સંબંધને આપવો પડશે .મહત્વના
સંબંધોને ક્યારેય દૂર ના જવા દો .એ સંબંધને એની મરજીથી જવું હોય તો ફોર્સ પણ ન કરો.

પોતાના લોકો માટે ઘણું બધું ખુશીથી ત્યજી દેવું આ ,ત્યાગભાવ રાખશો તો ,એ જરૂર ડગલે ને પગલે તમને અનોખી ખુશી આપશે. અન્યના અસ્તિત્વનો સહર્ષ સ્વીકાર કરવાથી આપણામાં સ્નેહભાવ જાગે છે .કેટલાય વ્યક્તિની જિંદગીમાં નવા રંગ પુરાય છે .એવો સ્વીકૃતભાવ સંબંધોના પાયા મજબૂત બનાવશે.

સ્નેહ એટલે પ્રસન્તાના છોડ ઉપર ઉગેલો સ્વાતિ નક્ષત્રનો વરસાદ. જીવનમાં લાગણીની ભીનાશ રાખવાં આવા વરસાદની અત્યંત જરૂર છે .જીવનમાં ખુશ રહેવાંનો કે દેખાવાનો નકલી ભાવ તમને તમારા નિકટવર્તીઓથી દૂર લઇ જશે . પ્રતિભાવો અને પ્રત્યાઘાતો આપવા દરેકનાં જીવનમાં ઘણીવાર જરૂરી બની જતા હોય છે.

કારણકે તેમ કરવાથી જ આપણને કોણ સમજી શક્યું છે અને કોણ નહીં … એ ખબર પડશે . મૌન તમારા વિષે ગેરસમજણ વધાર્યા કરે છે .આપણા નજીકના લોકો આપણુ ઇન્વોલમેન્ટ દરેક પ્રસંગે ઈચ્છે છે , કારણકે એમને મન તેઓનાં જીવનમાં તમારું એક નોખું મહત્વ હોય છે .

માત્ર ફિલોસોફીની વાતો તમને એકલતાના વનમાં મૂકી આવશે .બાળકની નિર્દોષતા તમને જો ગમતી હોય તો તમારે પણ ભારેખમ મુદ્દાઓની ચર્ચા બાજુ પર મૂકી સ્મિત અને હાસ્ય બન્નેની લ્હાણી કરવી જોઈએ .જીવન કાંઈ થિયેટરમાં ચાલતી મુવી નથી કે ,આપણે માત્ર બેસીને , જોઈને , માણીને બહાર નીકળીને બીજા કામમાં પરોવાઈ ગયા.આપણી લાગણીઓમાં પણ જીવંતતા છે .લાગણી વિનાની જિંદગી ખુશી આપી શકે ખરું ??

જીવનને જેલ બનતી અટકાવવી હોય તો ,લાગણીઓને મર્યાદાઓમાં ન બાંધો .હવેનો મનુષ્ય ઘણીબધી મુશ્કેલીઓ સાથે જીવી રહ્યો છે. ઈલોટ્રોનિક ગેઝેટોની માયાજાળમાં ફસાઈને કેવી રીતે સાક્ષીભાવ રાખીને જીવવું ? સમય બદલાયો છે , આપણે પણ સમય સાથે બદલાવું પડશે .

કેટલાંકના જીવનમાં જરૂર પૂરતાં સંબંધો અસ્તિત્વ ધરાવતાં હોય છે.હું એવી વિચારધારાને સ્વીકારું છું , પણ એ સંબંધોમાં સંવેદનાઓનો દુકાળ ક્યારેય ના પડે એ જોવાનું કામ વધુ મહત્વનું છે.આપણા નિકટવર્તીની દુનિયામાં સુખ આવે કે દુઃખ , જો આપણને સહેજપણ અસર ન કરવાના હોય તો ,

એવાં સંબંધોને ક્યુ નામ આપવું ? મારૂ માનવું છે કે ,સંપૂર્ણપણે સાક્ષીભાવ જીવનમાં રાખવો તો ખુબ અઘરો છે,પણ લોકો એકબીજા સાથે સમજદારીપૂર્વક સંબંધો કેળવી પ્રેમથી રહે તો ,જીવનમાં વધુ સુંદર રંગો પુરવાના અવસર મળી રહેશે.

ઈશ્વરે રચેલી આ સુંદર દુનિયામાં માત્ર સાક્ષીભાવ રાખીને ન જીવતા પ્રેમભાવ, મિત્રતાભાવ અને ત્યાગભાવ રાખીને જીવન જીવવાથી મનને સાચી સંતૃષ્ટિ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.