Western Times News

Gujarati News

ઉંચુ વ્યાજ વસૂલનારા સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશેઃ ભરૂચ જીલ્લા પોલીસ અધ્યક્ષ

ઝઘડિયા ખાતે જીલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા કોમ્યુનિટી હોલ ખાતે ભરૂચ જીલ્લા પોલીસ અધ્યક્ષ મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઝઘડિયાની આજુબાજુના ગામોના સરપંચો,આગેવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

જીલ્લા પોલીસ અધ્યક્ષે ઉપસ્થિત નાગરિકોને લાયસન્સ વગર નાણાં ધીરધારનો ધંધો કરનાર તથા નાણાકીય સમસ્યામાં ફસાયેલા સામાન્ય માણસો પાસેથી ગેરકાયદેસર રીતે ઉંચુ વ્યાજ વસૂલનારા સામે કડક હાથે કાર્યવાહી કરવા તેમજ એવા કોઈ કિસ્સા તેમના ધ્યાને હોય તો પોલીસ અધિક્ષકને ડાયરેક્ટ ફરિયાદ કરવા માટે સૂચના આપી હતી.આ ઉપરાંત તેમણે તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં છૂતઅછૂતની સમસ્યા હોય

અને એનું દૂષણ ફેલાતું હોય તે બાબતે પણ સજાગતા દાખવી તેમને ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે આવા દૂષણના કારણે આખા રાજ્યનું નામ ખરાબ થતું હોય તે બાબતે ચલાવી લેવામાં આવે નહીં તેમ જણાવ્યુ હતું.

આ ઉપરાંત ઝઘડિયા ટાઉનમાં ટ્રાફિકની સમસ્યા,ઝઘડિયા ચાર રસ્તા પર માલવાહક વાહનોની ઓવર સ્પીડની સમસ્યા બાબતે ગ્રામજનો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત મુલદ ચાર રસ્તાથી નાનાસાંજા ફાટક સુધી મંથર ગતિએ ચાલતા ફોરલેન રોડના કામ બાબતે જવાબદાર ઈજારદારને યુદ્ધના ધોરણે આ કામગીરી થાય જેથી અકસ્માતો ટાળી શકાય

તથા રોજિંદા ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે બાબતે પણ રજૂઆત કરતા જીલ્લા વડાએ યોગ્ય સ્તરે આ બાબતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.આ ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોએ સીમોમાં થતી ચોરી બાબતે પણ તેમનું ધ્યાન દોર્યું હતું. લોક દરબારમાં જીલ્લા પોલીસ અધ્યક્ષ મયુર ચાવડા, ડીવાયએસપી ડો.કુશલ ઓઝા તથા ઝઘડિયા પોલીસ ઈન્સ્પેક્ટર આર.એચ વાળા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.