Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલમાં 65 વર્ષથી વધુ વયના દર્દીઓએ હવે લાઈનમાં ઊભા  રહેવું નહીં પડે

સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષ તૈયાર કરાયો-વયોવૃદ્ધ દર્દીઓ માટે આધુનિક પ્રતિક્ષા કક્ષ બનાવ્યો –પ્રતિક્ષા કક્ષનો શુભારંભ ૭૨ વર્ષનાં મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાયો

OPDમાં ડોકટર દ્વારા તપાસમાં પ્રાથમિકતા ઉપરાંત લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ ત્વરિત તપાસ સહિતની વ્યવસ્થા કરાઇ છે – સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી

સમાજના વૃદ્ધો, વરિષ્ઠ નાગરિકો આપણા વારસા અને ધરોહર સમા છે. આજીવન સમાજને કંઇક આપીને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થતા આ વયોવૃદ્ધની સેવા કરવી, એવું ભારતીય સંસ્કૃતિ શીખવાડે છે.

વધતી જતી ઉંમરના પરિણામે જ્યારે આ વરિષ્ઠ નાગરિકો હોસ્પિટલમાં નિદાન કે સારવાર અર્થે જાય ત્યારે તેમને વિશિષ્ટ પ્રકારની સેવા મળી રહે, એવા ધ્યેય સાથે ગુજરાત સરકાર કાર્યરત છે.

આ દિશામાં આગળ વધીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વયોવૃદ્ધ દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી છે.

વધુ વિગત જણાવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે , સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડીમાં આવતાં સિનિયર સિટીઝન દર્દીઓ માટે આજથી સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષનો શુભારંભ ૭૨ વર્ષના સામાન્ય મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાવાયો હતું.

સિનિયર સિટીઝન દર્દીઓને કોઈપણ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું પડે નહીં અને સરકારની સિનિયર સિટીઝન દર્દીને પ્રાથમિક્તા આપવાની ગાઇડલાઈનને વધું અસરકારક રીતે અમલી કરી શકાય અને આવા દર્દીઓને કોઈપણ જાતની તકલીફ વગર પ્રાથમિકતા આપી સારવાર થાય તે ભાવના સાથે આ સુવિધા ઊભી કરવામા આવી છે.

જે માટે ઓપીડીમાં ૪૦ ખુરશીની બેઠક વ્યવસ્થા સાથે બાથરૂમ તથા પીવાનાં પાણીના કૂલરની સુવિધા સાથેનો રૂમ તૈયાર કરવામા આવ્યો છે. સિનિયર સિટીઝન દર્દી માટે અલગથી આ રૂમમાં જ કેસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેસ નીકળ્યા બાદ દરેક સિનિયર સિટીઝન દર્દી સાથે એક વોર્ડ બોયને સાથે મોકલી એમને જે તે ઓપીડીમાં ડોકટર દ્વારા પ્રાથમિકતા આપી તપાસવામાં આવે તેમજ લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ તપાસમાં સાથે રહી છેલ્લે સિવિલની દવાબારી ઉપરથી દવાઓ લઈ આપવા સુધી સેવા આપવાની ગોઠવણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.