Western Times News

Gujarati News

લોકશાહી રાષ્ટ્રોની આઝાદીની રખેવાળી ફકત સુપ્રિમ કોર્ટની નથી પણ લોકશાહીની ચોથી જાગીર ગણાતા મિડિયા જગતની અને પત્રકારિતાની પણ છે

ત્યારે આડેધડ થતાં એક્ઝીટપોલ અને ફેકસર્વેની શંકાસ્પદ પ્રવૃત્તિમાંથી પત્રકારિતાને બચાવવાની જવાબદારી કોની, વકીલોમાં ચકચાર ?!

તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! અને એ ન્યાયાધીશોની છે જેમણે અખબારી સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદી “ન્યાયધર્મ” અદા કરીને જીવંત રાખી છે ! જેમાં ડાબી બાજુથી સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી પતંજલી શાસ્ત્રીની છે. સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી પી.એન. ભગવતીની છે ! સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાની છે !

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી દિપકભાઈ ગુપ્તાની છે ! સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી બી. આર. ગવાઈની છે ! સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી સંદીપભાઈ મહેતાની છે જેમણે પત્રકારિતાની આઝાદીની રખેવાળી કરતા અનેક ચૂકાદાઓ આપી “પત્રકારિતાના ધર્મ” ની રક્ષા કરી છે ! ત્યારે દેશના ઈલેકટ્રોનીક મિડિયા પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના પોતાની ફરજ અદા કરે અને ભારતના સામાજીક રાજકારણની સત્ય હકીકત રજૂ કરે ! પ્રજાના આર્તનાદ રજૂ કરે !

કારણ કે આજકાલ “ગોદી મિડિયા” શબ્દ મિડિયા જગતમાં પ્રચલિત બન્યો છે ! અને વર્ષ ૨૦૨૪ માં ફેક સર્વે કરીને રાજકીય પક્ષોની બ્રીફ લઈને પત્રકારત્વ રજૂ કરતા અને છેલ્લે, છેલ્લે ૨૦૨૪ ના એક્ઝિટપોલો રજૂ કરવાની અને કોઈને ખુશ કરવાની હોડ લાગી હતી ! તેમાં ૭૦ ટકા મિડિયા જગત બુધ્ધિજીવી વકીલોની નજરમાં ટીકાપાત્ર બની ગયું હતું !

નિડર, નિષ્પક્ષ, કાબેલ, સ્વતંત્ર અને વિચારશીલ ન્યાયાધીશો “ન્યાયધર્મ” નો પાયો છે એ રીતે નિડર, નિષ્પક્ષ, કાબેલ પત્રકારો એ ચોથી જાગીરની પ્રતિષ્ઠા છે ! અખબારો ન્યાયતંત્રની નજરમાં પડી ન જાય તેની કાળજી રાખીને ન્યુઝ કવરેજ કરવા જોઈએ એવું કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો પણ ૨૦૨૪ ના એÂક્ઝટપોલ જોયા પછી કહેતાં થયા છે એ આત્મચિંતન અને આત્મદર્શનનો મુદ્દો બન્યો છે ???!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા પ્રતિકકુમાર થાવર દ્વારા)

અમેરિકાના પ્રમુખો જ લોકશાહીમાં નિડર અને નિષ્પક્ષ પત્રકારિતાને આવકારી અદ્દભૂત વિચારો પ્રગટ કર્યા છે ત્યારે ભારતમાં લોકો આજકાલ ‘ગોદી મિડિયા’ શબ્દો બોલતા થયા છે એ પત્રકારત્વ જગત માટે લાલબત્તી સમાન છે ?!

અમેરિકામાં બીજા પ્રમુખ જહોન એડમ્સે કહ્યું છે કે, “અખબારોની ટીકા આકરી હોય છે લોકો જ જયારે ભ્રષ્ટ બને ત્યારે અખબારોએ એન્જીનનું કાર્ય બજાવીને આવા લોકોને નેસ્તનાબુદ કરવા જોઈએ”!! જયારે અમેરિકાના વિખ્યાત પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે, “આપણી પાસેથી વાણી સ્વાતંત્ર્ય છીનવી લેવામાં આવે તો આપણે એવા “ઘેંટા” જેવા બની જઈશું

જેમને મુંગા મોઢે કતલખાને લઈ જવાતા હોય”!! વિશ્વના લગભગ તમામ દેશોમાં પત્રકારિતાની આઝાદીનું અદાલતો જ નહીં નેતાઓ પણ જતન કરે છે ! કારણ કે આજે જે રાજકીય પક્ષ સત્તા પર આવે છે ત્યારે આ જ પક્ષ હારી જાય તો હારી ગયેલા રાજકીય પક્ષને બેઠા થવા આ જ અખબારો અને પત્રકારોની જરૂર પડે છે !

અમેરિકાના પ્રમુખ એડલાઈન ઈ. સ્ટીવન્સને કહ્યું છે કે, “પ્રત્યેક વ્યક્તિને હકક છે કે તેનું સાંભળવામાં આવે કોઈ એકના અવાજને આધારે લોકતંત્રના ગળે ફાંસો લગાવી દેવાનો અધિકાર કોઈને નથી”!! અમેરિકામાં ૧૪ માં બંધારણીય સુધારા દ્વારા એવું સ્વીકારાયું છે કે, “કોંગ્રેસ (સંસદ) વાણી સ્વાતંત્ર્ય અને અખબારી સ્વાતંત્ર્યને નિયંત્રણ કરે તેવો કાયદો ઘડી શકે નહીં ૧૪ મો સુધારો એમ પણ જણાવે છે કે, વાણી સ્વાતંત્ર્ય કે અખબારી સ્વાતંત્ર્ય પર કાયદાની યોગ્ય કાર્યવાહી સિવાય નિયંત્રણ મુકે શકે નહીં”!!

અમેરિકા માને છે કે, “મુકત વાણીની અભિવ્યક્તિ દ્વારા જ સરકારને જવાબદારી રાખી શકાય છે વાણી સ્વાતંત્ર્યની કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની ગેરહાજરીમાં “લોકશાહી”ની હાજરી સંભાળી શકે જ નહીં”!! અમેરિકાની સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાઓનું અવલોકન કરતા જણાય છે કે, “અખબારના વ્યાપક ફેલાવાને અસર થાય તે રીતે અખબાર પર કર નાંખી શકાય નહીં તેમજ વ્યક્તિના વિચારને પ્રકાશિત કરતા પુસ્તકો, અખબારો, ચોપાનીયા, મેગેઝીનો વિગેરે પર અંકુશ મુકી શકાય નહીં”!!

અમેરિકાના જાણીતા પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે કહ્યું છે કે, “જો અખબારી સ્વાતંત્ર્યને પડકારવામાં આવશે તો અંતરઆત્મા, શિક્ષણ, વાણી, સભાનું સ્વાતંત્ર્ય… આ બધાં સ્વાતંત્ર્ય અર્થહીન બની જશે અને લોકશાહીનો પાયો હચમચી જશે”!! આમ અમેરિકામાં અમેરિકન પ્રમુખો પણ અખબારી સ્વાતંત્ર્યની રક્ષાની ભાષા બોલે છે અને રક્ષા કરે છે !! આ જ અમેરિકામાં

સ્વાતંત્ર્યનું મહત્વ છે ! ભારતમાં કયારેક વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે ! ભારતમાં અખબારો એ નાગરિક સ્વાતંત્ર્ય અને લોકશાહી મૂલ્યોના રખેવાળ ગણાય છે ! અને ભારતની સુપ્રિમ કોર્ટ પણ અખબારી સ્વાતંત્ર્યનું રક્ષણ કરતા ચૂકાદા આપ્યા છે

ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ ટકોર કરી હતી કે, “ઈલેકટ્રોનીક મિડિયા અને શોશિયલ મિડિયાની કાંગારૂ કોર્ટ બિનજવાબદારી પૂર્વક કામ કરે છે જયારે પ્રિન્ટ મિડિયાના પત્રકારો આજે પણ જવાબદારી પૂર્વક વર્તે છે ! વર્ષ ૨૦૨૪ ની ચૂંટણીના ઈલેકટ્રોનીક મિડિયાના એÂક્ઝટપોલનું ‘પોલમ પોલ’ શું છે ?! ”

ભારતના બંધારણની કલમ-૧૯ માં અભિવ્યક્તિની આઝાદી છુપાયેલી છે ! જેની સાથે અખબારી સ્વાતંત્ર્યનો અધિકાર પણ જોડાયેલો છે ! ભારતમાં રચાયેલ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પણ અખબારી સ્વાતંત્ર્ય અને પત્રકારિતાની મૂલ્યનિષ્ઠાની રખેવાળી કરે છે ! પરંતુ ભારતમાં અખબારી સ્વાતંત્ર્યની સરકારોએ ચિંતા નથી કરી પણ એનાથી વધારે અખબારી સ્વાતંત્ર્યની ચિંતા દેશની અદાલતોએ કરી છે ! એ અત્રે નોંધનીય છે !

ભારતની સુપ્રિમ કોર્ટના પ્રથમ ચીફ જસ્ટીસ શ્રી પતંજલી શાસ્ત્રીએ રોમેશ થાપર વિરૂધ્ધ સ્ટેટ ઓફ મદ્રાસ એ.આઈ.આર. ૧૯૫૦, એસ.સી. ૧૨૪, ૧૨૫ માં એવું ઠરાવેલું છે કે, “વાણી અને અખબારી સ્વાતંત્ર્ય બધાં જ લોકતાંત્રિક સંગઠનોના પાયામાં પડેલા હોય છે કારણ કે મુકત રાજકીય ચર્ચા વિચારણા વિના પ્રજાલક્ષી શાસનતંત્રની યોગ્ય કામગીરીની કાર્યવાહી માટે અત્યંત આવશ્યક એવું લોક શિક્ષણ શકય જ નથી”!! અખબારી સ્વાતંત્ર્ય સામાજિક અને રાજકીય આપ-લે નું હાર્દ છે ભારતની સુપ્રિમ કોર્ટે એવું પણ અવલોકન કર્યું છે કે, “કોર્ટની આ અખબારી સ્વાતંત્ર્યનું જતન કરવાની અને આ બંધારણીય આદેશ વિપરિત હોય ને બધા જ કાયદા કે વહીવટીતંત્રીય પગલાને ગેરબંધારણીય ઠરાવવાની પ્રાથમિક ફરજ છે” !!

ભારતની સુપ્રિમ કોર્ટેે વિરેન્દ્ર વિરૂધ્ધ પંજાબ એ.આઈ.આર. ૧૯૫૭ એચ.સી. ૮૯૬ માં ચાલુ મહત્વના મુદ્દા ઉપર તેના કે તેના ખબરપત્રીઓના વિચારો પ્રસિધ્ધ કરતા અટકાવવું તે તેના વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારનો ભંગ બને છે એવું પણ ઠરાવ્યું છે ! છતાં કયારેક રાજકીય નેતા દેશની બંધારણીય આઝાદીને ભુલીને કાયદાઓ રચતા રહ્યા છે અને કોર્ટ આવા કાયદાઓ રદ કરતી રહી છે !

વર્ષ ૨૦૨૩ માં સરકારે જાહેર કરેલ ઈન્ફર્મેશન ટેકનોલોજી (સંશોધન) નિયમ-૨૦૨૩ પ્રેસ પર સેન્સરશિપ જેવું પગલું લેતા ઈન્ડિયન ન્યુઝ પેપર સોસાયટીએ વિરોધ કર્યાે હતો ! એટલે સરકાર ફેક ન્યુઝને દંડવાનો કાયદો એવી રીતે ન બનાવી શકે કે પ્રમાણિક અવલોકન કરતા અખબારોને દંડવાની સત્તા મળી જાય ! અંતે સુપ્રિમ કોર્ટે તેની સામે પણ રક્ષણ આપતો હુકમ કર્યાે છે કે ન્યુઝ ક્લિક વેબસાઈટના સ્થાપક અને પત્રકાર પ્રબિર પુરકાયસ્થને પણ સુપ્રિમ કોર્ટે રક્ષણ આપ્યું હતું !

જે કેસમાં યુ.પી.એ.ની કલમ પણ અપાવી હતી ! સુપ્રિમ કોર્ટે પત્રકરની ધરપકડ ગેરકાયદેસર ઠરાવી છોડી મુકતા આદેશ કરેલો ટૂંકમાં પત્રકારિતાની આઝાદીનો ત્રિરંગો સુપ્રિમ કોર્ટે ફરકેલો રાખ્યો છે !! આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.