Western Times News

Gujarati News

સાણંદના સામાજિક કાર્યકર મનુભાઈ બારોટના પુસ્તક ‘માનવ સેવાની મહેક’ નું વિમોચન 

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાયું છે પુસ્તક

Ahmedabad, અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકના સામાજિક કાર્યકર એવા શ્રી મનુભાઈ બારોટના પુસ્તક ‘માનવ સેવાની મહેક’ નું વિમોચન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના (Gujarat State Chief Minister Bhupendra Patel) હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તક ‘માનવ સેવા ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. Release of Sanand’s social activist Manubhai Barot’s book ‘Manav Sevani Mahek’

વર્ષ 2003થી ‘માનવ સેવા ટ્રસ્ટ’ દ્વારા સાણંદ અને નળકાંઠા વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરાઈ રહી છે. આ સેવાકીયકાર્ય ને રજૂ કરતી એક સરવાણી પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ છે જેનું નામ છે “માનવ સેવાની મહેક”.

‘માનવ સેવા ટ્રસ્ટ’ અનેક પ્રકારના સામાજિક જવાબદારીના પણ કાર્યો કરે છે જેમ કે, પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન અને ફૂલો આપી સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવાનો, દીકરીના જન્મને બિરદાવવા સરપંચના સહકારથી ઢોલ વગાડવો અને ફટાકડા ફોડવા તથા કુપોષિત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે પૌષ્ટિક આહાર અને હેલ્થ ચેકઅપનું આયોજન કરવું, માતા મરણ અને બાળ મરણ અટકાવવા મચ્છરગસ્ત વિસ્તારમાં સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાની આપવી,  પ્રાથમિક શાળાઓમાં દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા દર વર્ષે 15,000 જેટલા ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ વગેરે નાની મોટી અનેક પ્રવૃત્તિ ચાલે છે.

માનવસેવા ટ્રસ્ટના શ્રી મનુભાઈ બારોટ એ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા નળસરોવર ખાતે પૂજ્ય મોરારિ બાપુના સાનિધ્યમાં “પક્ષીનું રક્ષણ અને પ્રકૃતિનું જતન” નામે નળસરોવરની પદયાત્રા અને સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરાયું હતું. આ ત્રણ દિવસની પદયાત્રામાં ગાંધીગીરી દ્વારા પક્ષીઓનો શિકાર કરતા શિકારીઓને ફૂલ આપી સમજાવવામાં આવેલ

આ દરમ્યાન 35 શિકારીઓએ મોરારિબાપુના ચરણોમાં પક્ષી પકડવાની જાળ નાખી આત્મસમર્પણ કરી અને હવે ક્યારેય પક્ષીનો શિકાર નહિ કરીએ એવા સોગંધ પણ લીધા હતા જે આનંદની વાત છે. પૂ. બાપુએ આ શિકારીઓને આજીવિકા અર્થે બોટ આપેલ. એક વર્ષબાદ બાપુએ પાછા આ વ્યક્તિઓને યાદ કરતા મળવા મહુવા ખાતે બોલાવેલ ત્યાં બાપુએ દરેકને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી દ્વારા પુસ્તક નું વિમોચન કરાયું છે ત્યારે અમારી સંસ્થાની સેવાકીય પ્રવૃતિને  પ્રેરકબળ મળશે એમ એમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘માનવ સેવા ટ્રસ્ટ’ સંસ્થાની આ સેવાકીય પ્રવૃત્તિને ધ્યાને લઇ ગુજરાત સરકારે વર્ષ 2015માં શ્રેષ્ઠ સંસ્થાનો મહાત્માગાંધી એવોર્ડ તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ વિકાસશીલ ગુજરાતની અમદાવાદ જીલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડેલ કોફી ટેબલ બુકમાં આ સંસ્થાના કામની નોંધ લેવામાં આવી છે.

વધુમાં પર્યાવરણ જાળવણી અને વૃક્ષારોપણ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સન્માન મળ્યું હતું. આ પ્રસંગે સાણંદ ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ તથા ‘માનવ સેવા ટ્રસ્ટ’ સાથે જોડાયેલા લોકો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.