Western Times News

Gujarati News

સુરત જળબંબાકાર- સાત ઈંચથી વધુ પાણી વરસ્યું

ગુજરાતમાં મેઘો અનરાધાર, ૨૦૦થી વધારે તાલુકામાં મેઘમહેર

સુરતમાં રીક્ષા પર વૃક્ષ પડતા એક વ્યકિતનું મોત

સુરતના વરાછામાં ઝાડ પડતા રીક્ષામાં બેઠેલા એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.રીક્ષા પર અચાનક મોટુ વિશાળકાય ઝાડ પડતા આ ઘટના બની હતી.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

મૃતક હનીફના મૃતદેહની પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ ઝાડ કાપીને દૂર કરવાની કામગીરી કરી હતી.તો રસ્તા પરનો ટ્રાફિક ખુલ્લો કર્યો હતો,સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનને આ ઝાડને લઈ વાત કરવામાં આવી હતી કે ઝાડ નમી ગયું છે તો દૂર કરો પરંતુ કોર્પોરેશને આ વાતને ધ્યાને લીધી ન હતી જેના કારણે એક વ્યકિતનું મોત થયું છે.

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન રાજ્યના ૧૯૦ કરતા વધારે તાલુકામાં વરસાદ વરસ્યો હરરતો. સુરતના પલસાણામાં સૌથી વધારે સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બારડોલી તાલુકામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબડ્‌યો હતો.. રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ ઉપર વરસાદી પાણી ભરાયાં હતા. વિભાગનીઆગાહીને પગલે, આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર પડી હતી.

સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે. સુરત શહેરમાં દિવસ દરમિયાન પોણા ૬ ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર કમર સુધી પાણી ભરાઈ ગયા છે. શહેરના ડભોલી, સિંગણપોર અને કતારગામ સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.

આજે દિવસ દરમિયાન ૬૯ જેટલા તાલુકામાં એક ઈંચ કરતાં વધુ અને ૨૯ તાલુકામાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. સાંજે ૪ વાગ્યા સુધી રાજયના ૧૯૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સુરતના પલસાણામાં ૭ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.. આ ઉપરાંત ૩ તાલુકામાં ૫ ઈંચ કરતા વધુ વસાદ, ૫ તાલુકામાં ૪ ઈંચ કરતા વધુ વરસાદ, ૫ તાલુકામાં ૩ ઈંચ કરતા વધુ વરસાદ, ૧૮ તાલુકામાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ, ૪૪ તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ, ૧૧૬ તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં ૨થી ૪ વાગ્યા સુધીના વરસાદના આંકડા પર નજર નાંખીએ તો, આ બે કલાક દરમિયાન રાજ્યના ૧૦૧ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જે પૈકી સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ ૨ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અમદાવાદના માંડલમાં પોણા ૨ ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં અને અમદાવાદ શહેર અને અરવલ્લીના મેઘરજમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાત માંડવીના મુજલાવ ખાતે આવેલ વાવ્યા ખાડી નદી ગાંડીતૂર બની છે.ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર વાવ્યા ખાડીના પાણીમાં ફરી વળ્યા છે.તો વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે.બોધાનથી મુજલાવ ને જોડતા ૮ જેટલાં ગામો થયાં સંપર્ક વિહોણા.રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો છે.લોકો ૧૦ થી ૧૫ કીમીનો ચકરાવો ફરવા માટે મજબૂર બન્યા છે.

અરવલ્લીના મેઘરજમાં મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં બે કલાકમાં ૩૭ મીમી વરસાદ ખાબક્યો છે. તેમજ વરસાદ વરસતા નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે બપોરે માલપુરના સજ્જનપુરા કંપા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે. આસપાસના ગામો ગોવિંદપુર સહિત વણઝારીયામાં વરસાદ પડ્‌યો છે. ધનસુરા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુર કંપા અને વણઝારીયા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ધનસુરાના મુખ્ય બજારમાં વરસાદી પાણી ઢીંચણ સમાન ભરાઈ જવા પામ્યા હતા. ધનસુરાના શીકા, ધામણીયા અને અદલાપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડાના નવા ભવનાથ, ખલવાડ, માંકરોડા અને લીલછા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

વલસાડ, સુરત અને નવસારી સહિતમાં વહેલી સવારથી જ મેઘસવારી આવી પહોંચી હતી. વાપીમાં ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સુરતમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. તેમજ અનેક વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આજે સવારે ૬ વાગ્યે પુરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૧ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરના મહુવામાં અઢી ઈંચ ખાબક્યો હતો.

સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતા, જેના કારણે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કતારગામ, સિંગણપોર સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.

કતારગામ, સિંગણપોરમાં ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. સુરતમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. હજી પણ વરસાદ વરસવાનું શરૂ છે. વરાછા, પાલનપુર પાટિયા, અડાજણ, પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાવાના શરૂ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.