Western Times News

Gujarati News

“ઉડતા ગુજરાત”: 4 વર્ષમાં ૯૬૦૦ કરોડ રૂપિયાનું ૮૭ ટન ડ્રગ્સ ઝડપાયું

પ્રતિકાત્મક

ગુજરાતમાં ૧૦ વર્ષમાં ડ્રગ્સના દૂષણે ૩૭૧નો ભોગ લીધો

ગાંધીનગર, ગુજરાતના યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના દૂષણમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાંથી રૂપિયા ૯૬૦૦ કરોડની કિંમતનું ૮૭ ટન ડ્રગ્સ ઝડપાયેલું છે. ડ્રગ્સના વધતા દૂષણને પગલે તેનાથી મૃત્યુ થવાના પ્રમાણમાં પણ વધારો થયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ડ્રગ્સ-દારૂના દુરુપયોગથી ૭૧૧ વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે જ્યારે ડ્રગ્સના ઓવરડોઝથી ૩૭૧ વ્યક્તિના મૃત્યુ થયા છે. ડ્રગ્સનું વધી રહેલું દૂષણ ચિંતાનો વિષય છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ બ્યુરો (એનસીઆરબી)ના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૧૩થી ૨૦૨૨ દરમિયાન ડ્રગ્સના દુરુપયોગથી ગુજરાતમાં ૬૪૫ પુરુષ-૬૬ મહિલા એમ કુલ ૭૧૧ના મૃત્યુ થયા છે. જેમાં વર્ષ ૨૦૨૨માં ૯૧ પુરુષ અને ૩ મહિલાનો સમાવેશ થાય છે. ડ્રગ્સના દુરૂપયોગથી સૌથી વધુ મૃત્યુ વર્ષ ૨૦૨૨માં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર ૩૦૭૩ સાથે મોખરે છે.

સમગ્ર દેશમાં ૧૧૬૩૪ વ્યક્તિએ ડ્રગ્સની આદતને કારણે જીવન ટૂંકાવ્યું છે. જેમાં ૧૧૩૯૪ પુરુષ-૨૩૯ મહિલા અને એક ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાંથી ડ્રગ્સને કારણે જીવન ટૂંકાવ્યું હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાંથી ૨૫, સુરતમાંથી ૫ જ્યારે વડોદરામાંથી ૧ વ્યક્તિએ ડ્રગ્સને કારણે આત્મહત્યા કરી હતી.

મોટા શહેરમાંથી ડ્રગ્સને કારણે સૌથી વધુએ આત્મહત્યા કરી હોય તેમાં બેંગાલુરુ ૨૦૫ સાથે મોખરે છે.વર્ષ ૨૦૨૨માં ડ્રગ્સના ઓવરડોઝને કારણે ૧૧ વ્યક્તિના મૃત્યુ થયા હતા. સમગ્ર દેશમાંથી ૬૮૧ વ્યક્તિનું ડ્રગ્સના ઓવરડોઝથી મૃત્યુ થયું હતું. વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાંથી ૧૨૭ વ્યક્તિએ ડ્રગ્સને કારણે આત્મહત્યા કરી હતી. જેમાં ૧૧૭ પુરુષ અને ૧૦ મહિલાનો સમાવેશ થાય છે. અમદાવાદમાંથી ૩૩ પુરુષ-બે મહિલાએ ડ્રગ્સને કારણે જીવન ટૂંકાવ્યું હતું.

બીજી તરફ વર્ષ ૨૦૨૦માં ગુજરાતમાંથી ૭૭ અને અમદાવાદમાંથી ૧૭ વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આમ, ૩ વર્ષમાં અમદાવાદમાંથી ડ્રગ્સ-દારૂની લતને કારણે ૭૨ વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદની એક ખાનગી હોસ્પિટલના ડ્રગ્સ ડિએડિક્શન સેન્ટરમાં સારવાર લઇ રહેલા મોટાભાગના દર્દીઓ ૧૮થી ૨૪ની વયજૂથના છે.

રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર ગુજરાતમાંથી ૨.૩ ટકા લોકો કોઇને કોઇ નશાનું સેવન કરે છે. ગુજરાતમાં ડ્રગ્સના સેવન બદલ ૩ વર્ષમાં ૫૨૮ની ધરપકડ થઇ છે. જેમાં વર્ષ ૨૦૨૦માં ૧૧૭, વર્ષ ૨૦૨૧માં ૨૦૦ અને વર્ષ ૨૦૨૨માં ૨૧૧ની ધરપકડ કરાઇ હતી. એનડીપીએસ એક્ટ હેઠળ વર્ષ ૨૦૨૦માં ૧, ૨૦૨૧માં ૨ અને ૨૦૨૨માં ૩એમ ૧૮થી ઓછી વયના બાળકોની જ્યારે ૨૦૨૦માં ૧૯, ૨૦૨૧માં ૨૮ અને ૨૦૨૨માં ૩૨ મહિલાની ધરપકડ થઇ હતી. આ ઉપરાંત ડ્રગ્સની હેરાફરી કરવા બદલ વર્ષ ૨૦૨૦માં ૩૪૩, વર્ષ૨૦૨૧માં ૪૭૯ અને વર્ષ ૨૦૨૨માં ૫૨૮ એમ કુલ ૧૩૫૦ની ધરપકડ થયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.