Western Times News

Gujarati News

45 લાખ ક્યુબીક મીટર સંગ્રહ ક્ષમતા ધરાવતું હરે કૃષ્ણ સરોવરઃ 1360 મીટર લંબાઈ અને 480 મીટર પહોળાઈ

સુઇગામના કુંભારખા ખાતે મુખ્યમંત્રીએ નિર્માણાધિન હરે કૃષ્ણ સરોવર પ્રોજેક્ટની મુલાકાત લીધી

જળસંચય કામગીરીની સમીક્ષા મુલાકાત-વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસ કામ માટે નાણાં ખૂટે એમ નથી :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર અને સવજી ધોળકિયા ફાઉન્ડેશન, સુરતના સંયુક્ત પ્રયાસોથી થઇ રહેલ જળસંચય કામગીરીનું કર્યું નિરીક્ષણ-સરોવરના નિર્માણથી 500થી વધુ ખેડૂતો અને 1500 હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના સરહદી સુઇગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરે કૃષ્ણ સરોવરની રવિવારે મુલાકાત લીધી હતી. આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં  પાણીના તળ ઊંચા આવશે સાથે જ લોકોની સિંચાઇની સમસ્યાનું નિરાકરણ આવશે.

જળસંચય માટેના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેકટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેકટની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે તમારે કહેવું નહી પડે ને વિકાસના કામ થતા રહેશે, જ્યાં સુધી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસ કામો માટે નાણાં ખૂટે એમ નથી.

વડાપ્રધાનશ્રીએ જળસંચય માટે આગોતરું આયોજન કરીને દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાવ્યું છે. તેમની દીર્ઘદ્રષ્ટિ ને પરિણામે દેશભરમાં જળ સંચય અને જળ સંવર્ધનનું અદભુત કાર્ય થયું છે.

વધુમાં તેમણે કહ્યું કે, આ સરોવરનું કામ એટલું સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે. આ સરોવર નિર્માણથી 1500 એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે.

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે, પ્રજા કલ્યાણ અને વિકાસની ભૂખ હોય ત્યારે આવા કામ થતા હોય છે. તેમણે  રાજ્ય સરકાર અને સવજી ધોળકિયા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, જળસંચયના કામ માટે સરહદી વિસ્તાર સુઇગામ તાલુકાની પસંદગીથી આ વિસ્તારના લોકોના આશીર્વાદ મળશે.  વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટેનું, અને પાણીનું ટીપે ટીપુ બચાવવા માટેનું આ લોકભાગીદારીનું કામ અન્ય ગામોને પણ પ્રેરણા આપશે. આ સરોવરથી આજુબાજુના સાત જેટલા ગામોને પાણીની સુવિધા મળશે સાથે સાથે પ્રકૃતિના સંવર્ધન અને જતનથી ઇકો સિસ્ટમ ડેવલપ થશે.

સવજી ધોળકિયા ફાઉન્ડેશ, સુરતના ચેરમેનશ્રી અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ ખૂબ આનંદ સાથે જણાવ્યું કે, આખા ગુજરાતમાં અમે કામ કરીએ છીએ પણ, આ વિસ્તારના લોકોનો જે સાથ સહકાર મળ્યો એ ખરેખર અદભુત છે. આ તળાવ તમારું છે અને તમારે સાચવવાનું છે. કોઈ કામમાં નડતરરૂપ ન બનવું એ પણ એક પુણ્યનું કામ છે. સરહદી વિસ્તારમાં પાણી માટેનું આ એક ઐતિહાસિક કામ થઈ રહ્યું છે.

આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્ય મંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોશી, સિંચાઇ વિભાગના સચિવશ્રી કે.પી.રાબડીયા, કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, પ્રાંત અધિકારી શ્રી કાર્તિક જીવાણી, પૂર્વ સાંસદશ્રી પરબતભાઇ પટેલ, સરપંચશ્રી હરેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સવજી ધોળકિયા ફાઉન્ડેશન, ગુજરાત સરકાર અને ગામ લોકોના સહયોગથી 30 હેક્ટર જમીનમાં હરે કૃષ્ણ સરોવર નિર્માણની કામગીરી થઈ રહી છે. જેમાં 16 લાખ રૂપિયા ગ્રામજનોનો લોક ફાળો છે. જ્યારે સવજી ધોળકિયા ફાઉન્ડેશન અને સના કોલોબ્રેશનથી અંદાજિત ચાર કરોડના ખર્ચે સરોવરનું નિર્માણ થનાર છે. આ સરોવરની લંબાઈ 1360 મીટર અને પહોળાઈ 480 મીટર છે.

સરોવરની ઊંડાઈ 1 મીટર છે. સરોવરની સંગ્રહ ક્ષમતા 45 લાખ ક્યુબીક મીટર છે. આ સરોવરમાં વજાપુર, કલ્યાણપુરા, એટા, રામપુરા, ભટાસણા, રડકા, ચાત્રા ગામોનું વરસાદી પાણી ઠાલવવામાં આવશે. જેનાથી કુંભારખા, ખડોલ, ભટાસણા, રડકા, ચાત્રા, સેડવ, ઉચોસણ અને કુંભારખા ગામના અંદાજિત 500 થી વધુ ખેડૂત અને 1500 હેક્ટર જમીનમાં વપરાશ તથા સિંચાઈ માટે પાણી સંગ્રહિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.