Western Times News

Gujarati News

વડોદરામાં ફાયર NoC મામલે વીજ જોડાણ કપાયું છતાં જનરેટરથી જોડાણ કરનાર HDFC બેન્ક સીલ

પ્રતિકાત્મક

વડોદરા, વડોદરાના કાલઘોડા વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરની બાજુમાં આવેલી એચડીએફસી બેન્કને ફાયર એનઓસી નહીં હોવાને કારણે સીલ મારી દેવાતા ખળભળાટ મચી ગયો હતો.

બેન્કને સીલ મારવાની કામગીરી શરૂ થતાં જ બેન્કનો સ્ટાફ ચોંકી ઉઠયો હતો. બેન્ક જે મીડ વે નામની બહુમાળી ઈમારતમાં આવેલી છે તે ઈમારતમાં ફાયર એનઓસી ન હોવાથી તારીખ ર૩મીના રોજ અગ્નિશમન દળ અને એમજીવીસીએલ દ્વારા પગલાં ભરવામાં આવ્યા હતા. કાર્યવાહી થયા બાદ બેન્ક દ્વારા જનરેટર લગાવીને વીજ જોડાણ ચાલુ કરીને પ્રવૃત્તિ ચાલુ કરી દેવામાં આવતાં અગ્નિશમન દળ અને એમજીવીસીએલની ટીમે પહોંચી જઈને કર્મચારીઓને બહાર કાઢીને બેન્કને સીલ મારવાની કાર્યવાહી કરી હતી.

બેન્કીંગ ટાઈમમાંથી ફાયર બ્રિગેડની ટીમે સિલિંગની મજબૂત કાર્યવાહી કરતા નારાજગી જોવા મળી હતી. બેન્કમાંથી સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યાર પછી બેન્કનું કામ બંધ કરાવીને એને સીલ મારી દેવામાં આવી હતી.

રાજકોટના અÂગ્નકાંડ બાદ આખાય રાજ્યમાં ફાયર સેફટીના મામલે કડક કાર્યવાહી થઈ રહી છે. જેના ભાગરૂપે વડોદરા ફાયર બ્રિગેડ આજે આખેઆખી એચડીએફસી બેન્ક બંધ કરાવી દેતાં ખળભળાટ મચી ગયો હતો. વડોદરાના કાલાઘોડા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિર પાસેની એચડીએફસી બેન્ક પાસે ફાયર એનઓસી ન હતું જેથી ફાયર બ્રિગેડને એને નોટિસ આપી હતી.

જો કે, બેન્ક સત્તાવાળાએ ફાયર બ્રિગેડની નોટિસને ગણકારી ન હતી. એટલે ફાયર બ્રિગેડે એનું વીજ કનેકશન કાપી નાંખ્યું હતું. તેમ છતાંય ફાયર એનઓસીનો પ્રોસેસ કરવાને બદલે બેન્ક સત્તાધીશોએ જનરેટથી લાઈટો ચલાવીને બેન્ક ચાલુ રાખી હતી. જો કે, આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ આજે એચડીએફસી બેન્ક પહોંચી હતી.

બેન્કીંગ અવર્સ હતા એટલે એમાં બધા જ ડિપાર્ટમેન્ટમાં કામકાજ ચાલુ હતું. ગ્રાહકો પણ બેન્કમાં હાજર હતા. આવા સંજોગોમાં બેન્કમાં પહોંચેલી ફાયર વિભાગની ટીમે પહેલાં તો બેન્કના ઉચ્ચ અધિકારીઓની મુલાકાત લીધી હતી ત્યાર પછી ફાયર એનઓસીના પ્રોસિઝર વિષે જાણકારી મેળવી હતી એ પછી જનરેટર બંધ કરાવીને વીજ પુરવઠો ખોરવી નાંખ્યો હતો. ત્યારબાદ બેન્કના કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપીને આખીય બેન્કને ખાલી કરાવીને સીલ કરી દેવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.