Western Times News

Gujarati News

બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યુ: NDRFની ૧૦ ટીમો તૈનાત

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપઃ રાજ્યમાં ૧૬૯ તાલુકાઓમાં વરસાદ, આગામી ૪થી ૫ દિવસ ભારે વરસાદની આગાહીઃ અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટઃ બોટ, લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે એનડીઆરએફની ૧૦ ટીમો તૈનાત

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર્‌ સ્વરૂપ બતાવ્યું છે. જૂનાગઢમાં પરિસ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. આ ઉપરાંત સોમનાથ, જામનગર સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદનાં પગલે જનજીવન પર અસર પહોંચી છે. આજે બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં ૯ ઈંચ વરસાદ પડતાં સમગ્ર નગર જળમગ્ન બની ગયું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.

રાજ્યમાં ભારે વરસાદનાં પગલે એનડીઆરએફની ૧૦ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. સતત વરસાદનાં પગલે રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યું છે. જેનાં પગલે કિનારાના વિસ્તારોને સાવચેત રહેતા અપીલ કરાઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ જ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આજે ૧૬૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધુ ૯ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બહુચરાજીમાં ૪ ઈંચ, ચીખલીમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યના ૧૨ તાલુકાઓમાં ૨ ઈંચ કરતા વધુ વરસાદ અને ૪૦ તાલુકાઓમાં ૧ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે વાવમાં ૩ ઇંચ, સુઈગામમાં ૨ ઈંચ વરસાદ, વઘઈમાં ૨.૫ ઈંચ, વાસદમાં ૨.૫ ઈંચ વરસાદ, સિધ્ધપુરમાં ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી ૪થી ૫ દિવસ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૨ દિવસ વરસાદની આગાહી છે. ત્યારે ઈન્ચાર્જ રાહત કમિશનર જેનુ દીવાને જણાવ્યું કે જૂનાગઢમાં પાણી ભરાતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે પણ હવે પાણીનો નિકાસ શરૂ થઈ ગયો છે અને જિલ્લા તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. હાલમાં ૨૦ જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ છે.

અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજે વરસાદ વરસ્યો છે. શહેરના પાંજરાપોળ,સાબરમતી, બોડકદેવ, એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર, થલતેજ, સિંધુભવન, ગોતા, ઈસ્કોન ચાર રસ્તા, ચાંદલોડીયા અને ઘાટલોડીયા સહિત ઘણા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રની સાથે સાથે આ તરફ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજાએ તરબોળ કરી દીધા છે. બનાસકાંઠામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે બનાસકાંઠામાં રસ્તાઓ તબાહ થયા છે. સ્કૂલઓમાં પાણી ભરાયા છે તો ખેતરો બેટમાં ફેરવાયા છે.

સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદથી અનેક ગામમાં અંધારપટ છવાયો છે. જેમાં હાલાર પંથકના ૪૭ ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમાં જૂનાગઢના ૧૩, પોરબંદરના ૧૧ ગામમાં અંધારપટ છે. ભારે વરસાદથી રાજકોટના ૨ ગામમાં અંધારપટ છવાયો છે. તેમજ સૌરાષ્ટ્રમાં ૨૦૧ થાંભલા તૂટ્યા છે તથા ૩ ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે.
જ્યોતિગ્રામ યોજનાના ૨૦ ફીડર બંધ પડ્‌યા છે. તેમજ ખેતીવાડીના ૫૩૧ ફીડર બંધ પડ્‌યા છે. વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા પીજીવીસીએલની ટીમો કામે લાગી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદને પગલે સંખ્યાબંધ ગામોમાં અંધારા છવાયા છે. સાર્વત્રિક વરસાદથી ઁય્ફઝ્રન્ને અંદાજિત બે કરોડનું નુકસાન થયુ છે. હાલાર પંથકના ૪૭ તથા જૂનાગઢના ૧૩, પોરબંદરના ૧૧ અને રાજકોટના બે ગામમાં અંધારા છવાયા છે. વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં ૨૦૧ થાંભલા તૂટી પડ્‌યા છે. તેમજ ૧૩ ટ્રાન્સફોર્મરને નુકસાન થયુ છે.

રાજ્યમાં ૨૧૪ તાલુકામાં વરસેલા સાર્વત્રિક વરસાદ ખાબક્યો હતો. સતત વરસી રહેલા વરસાદના લીધે ગામડાઓના પંચાયત હસ્તકના રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે. તો બીજી તરફ વરસાદના કારણે ગઇકાલે પણ ૩૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટ છવાયો છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ થયુ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં દ્ગડ્ઢઇહ્લની ડિપ્લોય કરાઇ છે. અલગ – અલગ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરાઇ છે. તેમાં રાજ્યમાં એનડીઆરએફની કુલ ૧૦ ટીમો ડિપ્લોય કરાઇ છે. નર્મદા, કચ્છ, રાજકોટમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે. તેમજ વલસાડ, દ્વારકા, ગીર સોમનાથમાં ટીમ તૈનાત કરાઇ છે.

ભાવનગર, અમરેલી, સુરતમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે. તેમજ ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ રવાના કરાઈ છે. તથા રાજ્યમા કુલ દસ ટીમ હાલ સ્ટેંડ ટુ રાખવામાં આવી છે. રાજ્યામાં ચોમાસાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ શરૂ થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી વરસાદી માહોલ છે. આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

દક્ષિણ ગુજરાત નવસારી જિલ્લાના ચીખલીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે આજે નવસારી અને જલાલપોર તાલુકાઓના આંગણવાડી, શાળાઓ, કોલેજો, આઈટીઆઈ બંધ રાખવાનો વહીવટી તંત્રએ નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

સુરતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખીને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. સાવચેતી ભાગરૂપે સુરતના ઓલપાડમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરાઈ છે. વરસાદી આફતનો સામનો કરવા માટે બોટ, લાઇફ જેકેટ સહિતના સાધનો સાથે એનડીઆરએફની ટીમ આવી ગઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.